બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગૂંજી ઊઠ્યું અંબાજીઃ 32 લાખ ભક્તોએ કર્યાં દર્શન
અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો વિના વિઘ્ન સુખરુપ સંપન્ન થયો. મેળાના દિવસોમાં માતાજીના ચોકમાં બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગૂંજી ઊઠ્યું હતું. બુધવારે રાતના 12 કલાકના સુમારે મેળાની પૂર્ણાહૂતિ કરવામાં આવી, જ્યારે આજથી અંબાજી મંદિરમાં દર્શન ભક્તો રાબેતા મુજબ કરશે.
બુધવારે પૂનમના મેળાના છેલ્લે દિવસ દરમિયાન રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ અંબાજીની મુલાકાત લીધી હતી. માતાજીના દર્શન કર્યા બાદ કંટ્રોલ પોઈન્ટની મુલાકાત લીધી હતી તેમ જ રાજ્યના પોલીસ કર્મચારીઓનું સન્માન કર્યું હતું. આ વર્ષે માતાજીની મુલાકાત લેનારા ભક્તોની સંખ્યામાં ઘટાડો થયો છે.
એક અંદાજ પ્રમાણે ભાદરવી પૂનમના મેળામાં શ્રદ્ધાળુઓની સંખ્યા 32 લાખ નોંધાઈ છે, જ્યારે ગયા વર્ષે 45 લાખ હતી. આમ છતાં આ આંકડાને નકારી કાઢવામાં આવ્યા છે, જેમાં
ફક્ત આંકડા વધારવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ફક્ત પ્રચાર પ્રસાર માટે આંકડાની સંખ્યા વધારી છે. આ વર્ષે 32.54 લાખ ભક્તોએ દર્શન કર્યા છે. અંબાજીમાં 60,000થી વધુ લોકોએ ઉડન ખટોલાનો લાભ લીધો હતો, જ્યારે પાંચ લાખ લોકોએ એસટી બસમાં મુસાફરી કરી હતી. અંબાજીમાં 3,100થી વધુ ધ્વજારોહણ થઈ હતી, જ્યારે સવા પાંચ લાખ લોકોએ મફત ભોજન પ્રસાદી સ્વરુપે લીધું હતું. આ વર્ષે 20 લાખ પ્રસાદ પેકેટનું વિતરણ કર્યું હતું, જ્યારે 500 ગ્રામથી વધુ સોનાના દાગીનાની ભેટ મળી હતી.
જોકે, ગયા વર્ષની તુલનામાં આ વર્ષે ઓછા ભક્તો આવ્યા હોવાની દલીલો કરવામાં આવી હતી. ઉમિયાધામની તારીખ પણ સાથે હોવાને કારણે અંબાજીમાં શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટી છે.
ઉંઝામાં આવેલા ઉમિયામાતાના મંદિરે પણ બારથી અઢારમી સપ્ટેમ્બરના મેળાને કારણે લોકો શક્ય છે કે ત્યાં પગપાળા કે અન્ય પરિવહન માર્ગે ગયા હોઈ શકે છે. ભક્તોની સંખ્યામાં ઘટાડા સાથે દાનમાં કોઈ કમી થઈ નથી. આ વર્ષે ભક્તોએ દિલ ખોલીને દાન કર્યું છે, જેનાથી ત્રણ કરોડની આવક દાનપેટીમાંથી થઈ છે, જ્યારે પ્રસાદ મારફત સાત કરોડની આવક થઈ છે.