ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું અચાનક રાજીનામુંઃ શું આરોગ્યનું કારણ કે રાજકીય અસંતોષ?
2027માં નિવૃત્ત થવાની ઘોષણા કર્યા બાદ અચાનક રાજીનામું આપતા અનેક સવાલો ઊભા થયા, રાજકીય ગરમાવો વધ્યો
ચોમાસુ સત્ર શરુ થયાના પહેલા દિવસે ઉપરાષ્ટ્રપતિએ તબિયત ખરાબ રહેતી હોવાને કારણે અચાનક રાજીનામું આપ્યું છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજીનામું આપતા સત્તાધારી પાર્ટીના નેતાઓને આશ્ચર્ય થયું છે, જ્યારે વિપક્ષના નેતાઓએ પણ કુતુહલ વ્યક્ત કર્યું છે. નિષ્ણાતો દાવો કરે છે કે આ નિર્ણય આરોગ્યને લઈ લેવામાં આવ્યો નથી. કદાચ સરકારની કામગીરીથી ધનખડ નારાજ હોવા જોઈએ અને અમુક લોકો સાથે તેમણે નારાજગી પણ વ્યક્ત કરી હતી. આગામી દિવસોમાં ચિત્ર સ્પષ્ટ થશે, પણ બીજી એક હકીકત એ છે કે તેમણે ખુદ થોડા દિવસો પહેલા પોતાની નિવૃત્તિની ડેડલાઈન 2027 આપી હતી, તેથી અચાનક રાજીનામાએ અનેક સવાલો ઊભા કર્યા છે, જાણીએ વિગતવાર તર્ક-વિતર્કો.
રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનનો આભાર માન્યો
જગદીપ ધનખડે રાજીનામું આપતા લખ્યું છે કે આરોગ્ય સંબંધી કારણોથી બંધારણના અનુચ્છેદ 67 (એ) અન્વયે રાજીનામું આપું છું. રાષ્ટ્રપતિ દ્વોપદી મુર્મુને સંબોધિત પત્રમાં તેમણે લખ્યું છે કે આરોગ્યની પ્રાથમિકતા અને ડોક્ટરની સલાહનું પાલન કરતા હું ઉપરાષ્ટ્રપતિપદેથી તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું. રાષ્ટ્રપતિએ આપેલા સહયોગ અને સૌહાર્દપૂર્ણ સંબંધો માટે પણ આભાર માન્યો હતો એની સાથે વડા પ્રધાન અને કેબિનેટના મંત્રીઓના સહયોગ અને માર્ગદર્શન માટે સૌનો આભા વ્યક્ત કર્યો હતો.

11 ઓગસ્ટ, 2022માં ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા
જગદીપ ધનખડે 11 ઓગસ્ટ 2022માં ભારતના 14માં ઉપરાષ્ટ્રપતિ તરીકે સોગંધ લીધા હતા. છઠ્ઠી ઓગસ્ટ, 2022ના ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં તેમણે વિપક્ષી ઉમેદવાર માર્ગારેટ અલ્વાને હરાવ્યા હતા. જગદીપ ધનખડને કૂલ 725 મતમાંથી કૂલ 528 મત મળ્યા હતા, જ્યારે માર્ગારેટ અલ્વાને 182 મત મળ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ બન્યા પૂર્વે તેઓ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ હતા.
ધનખડના રાજીનામા પછી કોણ જવાબદારી લેશે?
બંધારણ અનુસાર ઉપરાષ્ટ્રપતિપદેથી રાજીનામું આપ્યા પછી નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી બહુ ઝડપથી કરવાની રહે છે. આ ચૂંટણી છ મહિનાની અંદર કરવાની રહે છે, જ્યાં સુધી ચૂંટણી થાય નહીં, ત્યાં સુધી તેની જવાબદારી, ઉપરાષ્ટ્રપતિની કામગીરી ખાસ કરીને રાજ્યસભાના સભાપતિ નિભાવે છે અથવા તો રાષ્ટ્રપતિ દ્વારા અધિકૃત રાજ્યસભાના કોઈ સભ્ય દ્વારા કરવામાં આવે છે. હાલના તબક્કે રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયાણસિંહ છે. તેઓ સપ્ટેમ્બર 2020થી આ પદ પર કાર્યરત છે. ધનખડના રાજીનામા પછી વચગાળાના ઉપરાષ્ટ્રપતિ નારાયણ સિંહને બનાવી શકાય છે. જો રાષ્ટ્રપતિ બીજા કોઈને જવાબદારી સોંપે નહીં તો.

અનેક બાબતમાં આમનેસામને હતાઃ સિબ્બલ
જાણીતા વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે હું તેમના સારા આરોગ્ય માટે શુભેચ્છા આપું છું. અનેક બાબતોમાં અમારી વચ્ચે મતભેદ હતા. અમે એકબીજાની સામે હતા. હું તેમને 30-40 વર્ષથી ઓળખું છું અમે સાથે રહેતા, પરંતુ અનેક બાબતોમાં અમે સામસામે હતા. અમારી વચ્ચે સારો સંબંધ છે. એક વાત કહીશ મેં તેમનું હંમેશા સન્માન કર્યું છે. તેઓ અમારા અનેક પારંપારિક સમારંભમાં પણ સામેલ થયા હતા. હું તેમના દીર્ઘાયુ થાય એવી અપેક્ષા સેવીશ.
ગૃહને નિષ્પક્ષ ચલાવવા માટે એકદમ સક્ષમ હતા
સૌથી પહેલા રાજ્યસભાના સાંસદ અખિલેશ પ્રસાદ સિંહે પ્રતિક્રિયા આપી હતી કે અમારા માટે આ સમાચાર આંચકાદાયક છે, કારણ કે સોમવારે સાંજે તો 5.45 વાગ્યે તો અમે કેબિનમાંથી બહાર નીકળ્યા હતા. અમારી સાથે કોંગ્રેસના નેતા જયરામ રમેશ અને પ્રમોદ તિવારી પણ હાજર હતા. અમે જસ્ટિસ વર્માની સામે મહાભિયોગ મુદ્દે ચર્ચા કરી હતી, પરંતુ એ વખતે અમને જરાય લાગ્યું નહોતું કે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબિયત ખરાબ છે. તેઓ ગૃહને નિષ્પક્ષ ચલાવવા માટે સક્ષમ હતા, પરંતુ અચાનક તેમનું રાજીનામું આપવું એ બહુ મોટો ઝટકો છે.
જયરામ રમેશે કહ્યું કે રાજીનામું રહસ્યમય વાત છે
ઈવન કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે પણ રાજીનામા અંગે પ્રતિક્રિયા આપતા રહસ્યમય ગણાવ્યું હતું. સોશિયલ મીડિયા પર પોસ્ટ લખતા જયરામ રમેશે લખ્યું હતું કે સાંજના અમે તેમને મળ્યા હતા, ત્યારે અન્ય સાંસદો પણ હાજર હતા. સાંજના સાડા સાત વાગ્યાના સુમારે તો ફોન પર પણ વાતચીત કરી હતી. એ વાતમાં કોઈ શંકા નથી સૌથી પહેલા આરોગ્યની સંભાળ લેવી જોઈએ અને એને પ્રાથમિકતા હોવી જોઈએ. જોકે, પરોક્ષ રીતે અનેક પ્રકારના સવાલ થાય છે, જેમ કે જે જોઈ રહ્યા છીએ, પરંતુ વાત સંદીગ્ધ છે. રાજીનામા અંગે જે કોઈ કહે પણ 2024માં આ જ વિપક્ષના નેતાઓ રાજ્યસભાના ચેરમેન એવા જગદીપ ધનખડ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા હતા, જેમાં પચાસથી વધુ લોકોએ સમર્થન આપ્યું હતું. આ પ્રસ્તાવને રાજ્યસભામાં ધનખડે પણ ફગાવ્યો હતો.
