…ફ્લાઇટને રોકવા માટે દેશમાં પહેલી વાર આ તારીખે થશે આંદોલન, જાણો શું છે મામલો?
જબલપુર/મુંબઈ: દેશના એવિયેશન ક્ષેત્રે દિવસે દિવસે એર ટ્રાફિકમાં વધારો થયા કરે છે, જેમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એમ બંને ક્ષેત્રનો સમાવેશ થાય છે પણ આગામી દિવસોમાં જબલપુરમાં ‘નો ફ્લાય ડે’ એટલે ફ્લાઇટને રોકવા માટેનું આંદોલન કરવામાં આવશે. આ આંદોલન આ પ્રકારનું ભારતનું પહેલું આંદોલન હશે, જે શરતોનું પાલન થયું નહિ તો હવાઈ સેવાને અસર થશે.
આગામી છઠ્ઠી જૂનના વિમાનોને રોકવાની નીતિ અખત્યાર કરવામાં આવશે. જબલપુરમાં નિરંતર ફ્લાઇટ સર્વિસ ઘટાડવાની કવાયતના વિરોધના ભાગરૂપે સ્થાનિક લોકો દ્વારા પ્રશાસન સામે વિવિધ સંગઠનો એક થયા છે, જ્યારે પ્રશાસન સામે સોશ્યલ મીડિયા પર પણ મુહિમ ચલાવવાનું શરૂ કર્યું છે.
કહેવાય છે છેલ્લા બે વર્ષથી જબલપુરથી ફલાઇટની સર્વિસ ઘટાડી રહ્યા છે. અને હવે મુંબઈ, દિલ્હી અને કોલકાતા, અમદાવાદ જેવા મહાનગરોની ફ્લાઇટ સર્વિસ પર કાપ મૂકવામાં આવી રહ્યો છે. આ ફ્લાઇટની સેવા યથાવત રાખવાની વાયુસેના સમિતિ દ્વારા માગણીઓ કરવામાં આવી છે.
આ અભિયાનને સ્થાનિક લોકોની સાથે હવે ડોક્ટર, એન્જિનિયર, સામાજિક કાર્યકર, મહિલાઓ સહિત અન્ય પ્રોફેશનના લોકો પણ સમર્થન આપી રહ્યા છે. શનિવારે જ આ આંદોલન અંગે નક્કર કામગીરી કરવા માટે સમિતિએ નિર્ધાર કર્યો છે અને આ મુદ્દે ઉપર સુધી પણ લડતા ખચકાઈશું નહિ, એમ સમિતિના અધિકારીએ જણાવ્યું હતું. આવતીકાલે ઘંટાઘર ચૌરા ખાતે તમામ આંદોલનકારીઓ એકત્ર થશે, ત્યાર બાદ પ્રશાસનને પોતાની માંગણીઓ સોંપશે. આ વિરોધ પ્રદર્શન એકદમ શાંતિપૂર્ણ કરવામાં આવશે તેમ જ છઠ્ઠી જૂનના રોજ ડુમના એરપોર્ટ ખાતે એકત્ર થઈને પ્રદર્શન કરવામાં આવશે.
અહીં એ જણાવવાનું કે જબલપુર મોટું એરપોર્ટ નથી, જેમાં અત્યારે રોજની ચારથી પાંચ ફ્લાઈટ્સની સર્વિસીસ ઉપલબ્ધ રહે છે. આ અગાઉ રોજની પંદરથી 20 ફ્લાઈટસની સર્વિસ ઉપલબ્ધ રહેતી હતી. ફ્લાઈટસની સર્વિસ ઘટાડવાથી એકંદરે શહેરના વેપારી-ઉદ્યોગપતિઓને સૌથી મોટો ફટકો પડી શકે છે.