હેલિકોપ્ટર ક્રેશમાં ઈરાનના રાષ્ટ્રપતિનું નિધન
તહેરાનઃ ઈરાનમાં રવિવારે હેલિકોપ્ટર ક્રેશમાં રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું નિધન થયું હોવાની જાહેરાત કરવામાં આવી છે. એની સાથે હેલિકોપ્ટરમાં સવાર વિદેશ પ્રધાન અને અન્ય અધિકારીઓના મોત થયા હોવાની શંકા છે, એવું ઇરાનના મીડિયાએ જણાવ્યું છે. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી પૂર્વ અઝરબૈજાન જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા. આ અકસ્માત અઝરબૈઝાનની સરહદ નજીકના શહેર જોલ્ફામાં થયો હતો, જે ઈરાનના પાટનગર તહેરાનથી 600 કિલોમીટરના અંતરે આવેલી છે.
સોમવારે ઈરાનના પ્રેસ મીડિયાના અહેવાલમાં જણાવ્યું છે કે બચાવદળ દ્વારા ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર ક્રેસ થયા બાદ અકસ્માતગ્રસ્તના સ્થળેથી કાટમાળને શોધી કાઢવામાં આવ્યો છે તેમ જ ઓળખ કરવામાં આવી છે. આ અકસ્માતમાં કોઈ જીવતું હોવાની શક્યતા નથી.
દરમિયાન ઈરાનના રેડ ક્રિસન્ટના પ્રમુખે કહ્યું છે કે આ અકસ્માતમાં ઈરાનના રાષ્ટ્રપતિના હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો માર્યા ગયા છે. આ અકસ્માત રવિવારે ત્રણ વાગ્યાના સુમારે બન્યો હતો, જ્યારે રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી પોતાના કાફલા સાથે અજરબૈજાનથી પરત ફરી રહ્યા હતા.
રાષ્ટ્રપતિના હેલિકોપ્ટરમાં વિદેશ પ્રધાન હુસૈન અમીર અબ્દુલ્લાહિયન, ઈરાનના પૂર્વ અજરબૈજાન પ્રાંતના ગવર્નર માલેક રહમતી અને તબરીજના શાહી ઈમામ મહોમ્મદ અલી અલહાશેમની સાથે સાથે એક પાયલટ, કો-પાયલટ સહિત તેમના બોડીગાર્ડ પણ હતા. આ અકસ્માતમાં હેલિકોપ્ટપરમાં સવાર તમામ લોકોનાં મોતની શંકા છે. રાષ્ટ્રપતિના કાફલાની સાથે બે હેલિકોપ્ટર પણ હતા, જે સુરક્ષિત પાછા ફર્યા હતા. જોકે, રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર અકસ્માતનો ભોગ બન્યું હતું.
હેલિકોપ્ટર ક્રેશ થયાના અહેવાલ બાદ તાત્કાલિક બચાવ ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ખરાબ હવામાન અને વરસાદને કારણે ઘટનાસ્થળે પહોંચવામાં પણ ટીમને ઘણો ટાઈમ લાગ્યો હતો. બચાવ કામગીરી માટે તુર્કીયેએ પોતાના નાઈટ વિઝન હેલિકોપ્ટરની સાથે ત્રણ ગાડી ઈરાન મોકલી હતી. આ ઘટના એવા સમયે બની હતી, જ્યારે ઈરાને ઈઝરાયલ પર મિસાઈલ હુમલો કર્યો હતો.