February 20, 2026
ટોપ ન્યુઝમહારાષ્ટ્ર

D-Gang Active: મીરા રોડમાંથી Rs. 327 કરોડનું ડ્રગ્સ પકડાયું, ચાર પિસ્તોલ જપ્ત

Spread the love

પંદર જણની ધરપકડ, અંડર વર્લ્ડના કનેક્શનની આશંકા

મુંબઈ: મુંબઈ નજીક મીરા રોડના કાશીમીરા પોલીસે અંદાજે 327 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે ચાર પિસ્તોલ જપ્ત કરી છે. પોલીસે આ કેસમાં મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને તેલંગણાના વિવિધ સ્થળોએથી 15 લોકોની ધરપકડ કરી છે. આ ડ્રગ્સ રેકેટ કુખ્યાત ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમની સૂચના પર તેનો સાગરિત સલીમ ડોલા ચલાવી રહ્યો હોવાના અહેવાલથી સમગ્ર મહારાષ્ટ્ર પ્રશાસન સતર્ક બન્યું છે.

મીરા ભાયંદર-વસઈ વિરાર પોલીસ કમિશનર મધુકર પાંડેએ કહ્યું હતું કે કાશીમીરા પોલીસે નાલાસોપારામાંથી અભિષેક સિંહની ધરપકડ કરી છે અને તેની પાસેથી એમડી ડ્રગ અને ચાર પિસ્તોલ જપ્ત કરી છે. અભિષેકની કડક પૂછપરછ બાદ 15 મેના રોજ ક્રાઈમ બ્રાન્ચે થાણે ઘોડબંદરમાંથી 2 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે શોએબ મેમણ અને નિકોલસ ટિટસ નામના શખસની ધરપકડ કરી હતી. આ સંદર્ભે વધુ તપાસમાં પોલીસે દયાનંદ મુદ્દનાર અને બાબા જેનેમિયા શેખની હૈદરાબાદથી અને એક આરોપીની નરસાપુરથી ધરપકડ કરી હતી. તેમની પાસેથી રૂ. 20 લાખ 60 હજારની કિંમતનો 103 ગ્રામ એમડી પાવડર, રૂ. 25 કરોડની કિંમતનું 25 કિલો એમડી કેમિકલ અને એમડી બનાવવા માટે જરૂરી અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.

આ પછી દયાનંદ પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે અન્ય બે શખસની ધરપકડ કરી હતી. ધનશ્યામ સરોજ અને મોહમ્મદ મોઇનની મુંબઈના ગોરેગાંવથી ધરપકડ કરી. મોઈનની કારમાંથી 14 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ 27 મેના રોજ પોલીસે બાબુ સિદ્ધેશ જાધવની થાણેથી ધરપકડ કરી હતી અને તેના ઘરેથી 53 હજાર રૂપિયાની કિંમતનો ડ્રગ્સ બનાવવાનો કાચો માલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ આરોપીઓ પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે મુંબઈથી સલીમ ડોલા અને સુરતમાંથી ઝુલ્ફીકાર ઉર્ફે મુર્તઝા કોઠારીની ધરપકડ કરી તેમની પાસેથી રૂ. 10.84 લાખ રોકડા જપ્ત કર્યા હતા.

આ આરોપીઓના કહેવા પર પોલીસે કાશીમીરા વિસ્તારમાં આવેલી એમડી ડ્રગ બનાવવાની ફેક્ટરીને પણ તોડી પાડી હતી. આ ફેક્ટરીમાં અંદાજે 300 કરોડ રૂપિયાની MD ડ્રગ્સ બનાવવાનો કાચો માલ જપ્ત કરવામાં આવ્યો હતો.

પોલીસ કમિશનર પાંડેએ જણાવ્યું હતું કે અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે આ ફેક્ટરી દાઉદ ઈબ્રાહિમના કહેવાથી સમીલ દોલા ચલાવતો હતો અને પકડાયેલા આરોપીઓ સીધી દાઉદ સાથે સંપર્કમાં હતા. હાલમાં આ બાબતની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે મે મહિનાથી ચાલી રહેલા આ ઓપરેશનમાં પોલીસે અત્યાર સુધીમાં 15 આરોપીઓની ધરપકડ કરી છે અને ચાર રાજ્યોમાંથી 327 કરોડ 69 લાખ 43 હજાર રૂપિયાના ડ્રગ્સ બનાવવા માટેનો કાચો માલ જપ્ત કર્યો છે. સમગ્ર કેસમાં અંડરવર્લ્ડનું કનેક્શન બહાર આવવાને કારણે મહારાષ્ટ્ર પોલીસ પ્રશાસનની સાથે ગૃહ મંત્રાલય પણ સતર્ક બન્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!