July 1, 2025
ગુજરાત

અમદાવાદમાં ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025’નો શાનદાર પ્રારંભ

Spread the love


આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૪૭ દેશમાંથી ૧૪૩ પતંગબાજોએ ભાગ લીધો

ગુજરાતના અમદાવાદમાં શનિવારથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સનો આરંભ થયો હતો, જ્યાં ભારત જ નહીં, પણ દુનિયાભરમાંથી પતંગ રસિયાઓ અમદાવાદ આવ્યા છે. મુખ્યમંત્રીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ- ૨૦૨૫ના શુભારંભ પ્રસંગે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાયણના આ તહેવારને ‘આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ’ તરીકે વિશ્વભરમાં ખ્યાતિ અપાવી છે. એટલું જ નહિ પતંગોના આ પર્વને આધુનિક આયામો આપ્યા અને સાથો સાથ પ્રવાસન સાથે આ ઉત્સવને પણ જોડ્યો છે. આમ, આ પતંગોત્સવ ગુજરાતની વૈશ્વિક ઓળખ બની ગયો છે, એવું તેમણે ઉમેર્યું હતું. આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૪૭ દેશોમાંથી ૧૪૩ પતંગબાજો અને ભારતના અન્ય ૧૧ રાજયમાંથી બાવન જેટલા પતંગબાજો ભાગ લીધો હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
11 દેશના એમ્બેસેડર્સ આવ્યા ગુજરાત
મુખ્યમંત્રીએ અમદાવાદથી તિરંગા બલૂનને આકાશમાં ઉડાડીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૫નો શાનદાર પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે દર વર્ષે દેશ અને દુનિયાના એમ્બેસેડર્સ આ પતંગ મહોત્સવ જોવા ગુજરાત આવે છે. આ વર્ષે કુલ ૧૧ જેટલા દેશોના એમ્બેસેડર ગુજરાત આવ્યા છે.
ગયા વર્ષે સાડા પાંચ લાખથી વધુ લોકો જોડાયા
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર વોકલ અભિયાન પતંગોત્સવમાં આવતા પ્રવાસીઓથી ખૂબ મોટો વેગ મળ્યો છે. આ ઉત્સવ દરમિયાન ફૂડ સ્ટોલ અને ક્રાફ્ટ સ્ટોલ ધારકોને લાખો રૂપિયાની આવક થાય છે. એટલું જ નહિ, ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં ગયા વર્ષે સાડા પાંચ લાખથી વધુ લોકો જોડાયાં હતા.
દેશના પતંગ માર્કેટમાં 65 ટકા હિસ્સો ગુજરાતનો
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવથી થયેલા ગુજરાતના પ્રવાસનના વિકાસ અને ગુજરાતના પતંગ ઉદ્યોગ અંગે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતીઓના પતંગ પ્રેમને કારણે સૌથી વધુ પતંગો બનાવનારા રાજ્ય તરીકે વિશ્વમાં ગુજરાતને ઓળખ મળી છે. અમદાવાદ, નડિયાદ, ખંભાત તેમજ સુરત કાઈટ મેન્યુફેક્ચરીંગના હબ બન્યા છે. એટલું જ નહિ, આજે દેશના પતંગ માર્કેટમાં ૬૫ ટકા હિસ્સો ગુજરાતનો છે. ગુજરાતમાંથી દર વર્ષે પતંગો અમેરિકા, યુ.કે., કેનેડા જેવા દેશોમાં એકસપોર્ટ પણ થાય છે.
પર્વને સુરક્ષિત રીતે ઉજવવાની સીએમની અપીલ
ઉત્તરાયણ ઉત્સવ દાન તેમજ ધર્મનું અને સૂર્ય નારાયણની ઉપાસનાનું પર્વ છે. એટલું જ નહિ, દાન-મહિમાની પરંપરા સાથે ઉજવાતા આ પર્વમાં પર્યાવરણ પ્રત્યેની સંવેદના પણ સમાયેલી છે. જીવમાત્રની સુરક્ષા માટે સંવેદના દર્શાવીને આ પર્વને સુરક્ષિત રીતે ઉજવવુ જોઈએ તેમજ પતંગ ઉડાડવામાં પણ ખૂબ કાળજી રાખવી જોઈએ એવી રાજ્યના દરેક નાગરિકોને મુખ્યમંત્રી દ્વારા અપીલ કરવામાં આવી હતી, એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!