અસ્થિરતાના માહોલમાં બાંગ્લાદેશમાં વચગાળાના પ્રમુખની નિમણૂક
ઢાકાઃ બાંગ્લાદેશમાં અનામતની આગમાં સેંકડો લોકોના મોત અને હજારો કરોડોનું નુકસાન વચ્ચે મંગળવારના રાતના રાષ્ટ્રપતિ અને વિરોધ પ્રદર્શન કરનારા સંગઠનોની વચ્ચેની બેઠકમાં વચગાળાના પ્રમુખની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
બાંગ્લાદેશમાં હજુ પણ પૂર્વ વડા પ્રધાન શેખ હસીના વિરુદ્ધ પ્રદર્શનકારીઓમાં ગુસ્સો છે, જ્યારે હસીનાની પાર્ટીના બે નેતાની ધરપકડ પણ કરવામાં આવી છે. બાંગ્લાદેશના પૂર્વ વિદેશ પ્રધાન હસન મહમૂદ અને પૂર્વ રાજ્ય કક્ષાના પ્રધાન જુનૈદ અહમદ પલકને એરપોર્ટ પરથી પકડવામાં આવ્યા હતા. જોકે, હિંસાના માહોલ વચ્ચે સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. મંગળવારે કોલકાતામાં બાંગ્લાદેશ હાઈ કમિશનની ઓફિસની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કર્યો હતો.
નોબેલ પુરસ્કારથી સન્માનિત મહોમ્મદ યુનુસને રાષ્ટ્રપતિ મહોમ્મદ શહાબદ્દીને બાંગ્લાદેશના વચગાળાના પ્રમુખ નિયુક્ત કર્યા છે. રાષ્ટ્રપતિએ મોડી રાતના એક નિવેદનમાં જાહેરાત કરી હતી. બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા વચ્ચે મંગળવારે મોડી રાતના વચગાળાના પ્રમુખની નિમણૂક કરી હોવાની જાહેરાત કરી છે.
નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા મહોમ્મદ યુનુસને બાંગ્લાદેશના વચગાળાના પ્રમુખ બનાવાયા છે. પ્રેસ સચિવ દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદીમાં જણાવ્યું છે કે દેશની ત્રણેય પાંખના વડાની ઉપસ્થિતિમાં વચગાળાના પ્રમુખની વરણી કરવામાં આવી છે.
વચગાળાની સરકારના અન્ય સભ્યોમાં વિભિન્ન રાજકીય પક્ષોની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવ્યા પછી વધુ જાહેરાત કરવામાં આવશે. યુનુસ હાલમાં દેશની બહાર છે, પરંતુ તેમણે શેખ હસીનાએ આપેલા રાજીનામું સ્વાગત કરીને દેશને મળેલી બીજી આઝાદી ગણાવી હતી. યુનુસને 2006માં ગ્રામીણ બેંક મારફત ગરીબી-વિરોધી અભિયાન માટે નોબલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
અહીં એ જણાવવાનું કે બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલી રાજકીય અને સામાજિક ચહલપહલ વચ્ચે હિંસા અને વિરોધ પ્રદર્શનો ઘર કરી ગયા હતા. છેલ્લા પખવાડિયામાં બાંગ્લાદેશમાં હિંસામાં 400થી વધુ લોકોના મોત અને પાંચસોથી વધુ લોકોને ઈજા પહોંચી છે.