February 19, 2026
ટોપ ન્યુઝમુંબઈ

Chennai-Mumbai ફ્લાઈટને બોમ્બની ધમકી મળી, રન-વે બંધ કરીને ઈમર્જન્સી જાહેર

Spread the love

ચેન્નઈઃ ચેન્નઈથી મુંબઈ જનારી ઈન્ડિગોની ફ્લાઈટને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. શનિવારે સવારે મુંબઈ જનારી ઈન્ડિગોની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી નાખવાની ધમકી મળ્યા બાદ ફરી એક વાર એરપોર્ટ પ્રશાસન હરકતમાં આવી ગયું હતું.
ચેન્નઈથી મુંબઈ જનારી ઈન્ડિગોની 6E 5314ને ચેન્નઈથી સવારના સાત વાગ્યે ઉડાન ભરવાની હતી, જે સવારે પોણા નવ વાગ્યાના સુમારે મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ થવાની હતી. બોમ્બની ધમકી મળ્યા પછી પોલીસ અને એરપોર્ટ પોલીસ પ્રશાસન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ઈન્ડિગો ફ્લાઈટના ક્રૂ મેમ્બરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા પછી મુંબઈ એરપોર્ટ પર ઈમજર્ન્સી જારી કરવામાં આવી હતી. વિમાનમાં 172 પ્રવાસી સાથે ક્રૂ-મેમ્બર અને પાઈલટનો સમાવેશ છે. ઈમર્જન્સી જાહેર કરવામાં આવ્યા પછી રન-વેને બંધ કરવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યાનુસાર ફ્લાઈટના ટોઈલેટમાં ટિશ્યૂ પેપર પર ધમકીભર્યો મેસેમેજ લખવામાં આવ્યો હતો. આ મેસેજમાં લખવામાં આવ્યું હતું કે મારી પાસે બોમ્બ છે. ફ્લાઈટને મુંબઈમાં લેન્ડ કરવામાં આવશે તો તમામ લોકો મરશે. હું એક ટેરરિસ્ટ એજન્સીથી છું. આ મેસેજ સંબંધિત એજન્સીને જાણ કરવામાં આવ્યા પછી પોલીસ અને અન્ય એજન્સી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ થયા પછી જેમ તેમ કરીને પ્રવાસીઓને સૌથી પહેલા સુરક્ષિત રીતે બહાર ઉતારવામાં આવ્યા હતા. તપાસ કર્યા પછી કંઈ શંકાસ્પદ મળ્યું નહોતું. કંઈ શંકાસ્પદ નહીં મળતા સુરક્ષા પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો. બોમ્બ વિસ્ફોટની ધમકી બદલ મુંબઈ એરપોર્ટ પોલીસ દ્વારા અજ્ઞાત લોકો સામે કેસ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.
જાન્યુઆરી 2024માં બિહારના દરભંગાથી દિલ્હી જનારી સ્પાઈસજેટની ફ્લાઈટને પણ બોમ્બથી ઉડાવી મારવાની ધમકી મળી હતી. આ ધમકી મળ્યા પછી એરપોર્ટ પર ઈમર્જન્સી જાહેર કરવામાં આવી હતી. એરપોર્ટ પર ફ્લાઈટને લેન્ડ કરવામાં આવ્યા પછી પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. તપાસ પછી કંઈ સંદીગ્ધ મળ્યું નહોતું. એના પછી દર પંદર દિવસે એકાદ ફ્લાઈટ યા એરપોર્ટ આ પ્રકારની ધમકીભર્યા કોલ-ઈમેલથી પ્રશાસનની ઊંઘ હરામ થઈ ગઈ છે. શુક્રવારે જ દિલ્હી-શ્રીનગરની વિસ્તારા ફ્લાઈટને બોમ્બથી ઉડાવી નાખવાની ધમકી પછી પોલીસ પ્રશાસન દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!