એશિયા કપમાં ભારતની પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક: સાત વિકેટથી ભારતની જીત
પહલગામ હુમલા બાદ વિરોધ વચ્ચે રમાયેલી મેચમાં ભારતનો દબદબો; સૂર્યકુમાર યાદવે જીત સશસ્ત્ર દળોને સમર્પિત કરી

પહલગામ હુમલા પછી આતંકવાદને પોષનારા પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર મારફત આતંકવાદીઓના ઠેકાણાઓનો સફાયો કરવામાં આવ્યો હતો. પહલગામમાં 26 ભારતીયની હત્યા કરનારા આતંકવાદીઓ અને પાકિસ્તાનને પાઠ ભણાવવામાં આવ્યો છે, જેમાં પાણીથી લઈને વેપાર પર પ્રતિબંધ પછી મેચને પણ બોયકોટ કરવી જોઈએ. ફેસબુક અને ટવિટર પર નાગરિકોએ વિરોધ વ્યક્ત કરવાની સાથે વિપક્ષી પાર્ટીએ પણ સરકારની ઝાટકણી કાઢી હતી. જોકે, રવિવારે વિરોધ વચ્ચે પણ એશિયા કપની છઠ્ઠી મેચ રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ અને ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને એકતરફી હરાવ્યું અને સાત વિકેટથી જીત્યું. ભારત સરકાર, બીસીસીઆઈ અને પાકિસ્તાન જો મેચ રમવા તૈયાર હોય તો પછી લોકોના બહિષ્કારથી શું ચાલે, પરંતુ ભારતીય ટીમે આક્રમક રમત રમીને પાકિસ્તાન અને ટીમને જોરદાર જવાબ આપ્યો છે.
પાકિસ્તાને 20 ઓવરમાં 128 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેનો જવાબ 16 ઓવરમાં ટાર્ગેટ અચીવ કર્યો હતો. 128 રનનો ટાર્ગેટ કેપ્ટન સૂર્યકુમાર યાદવની ટીમે આક્રમક રીતે પ્રાપ્ત કર્યો હતો. સૂર્યકુમાર યાદવે સિક્સર ફટકારીને જીત અપાવી હતી. ભારત સાત વિકેટથી જીતીને શાનદાર આક્રમકતા બતાવી છે, જ્યારે મેચ જીત્યા પછી ભારતીય ટીમના કેપ્ટન સૂર્યાકુમાર યાદવે પાકિસ્તાનની ટીમના ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા વિના ડાયરેક્ટ પેવેલિયન પહોંચ્યા હતા.
કુલદીપ, બુમરાહ, હાર્દિક, અક્ષરે રંગ રાખ્યો
ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમવા અંગે ભારતમાં પહેલાથી જોરદાર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ રવિવારની ટવેન્ટી ટવેન્ટી મેચમાં પહેલા દાવમાં પાકિસ્તાન સામે બુમરાહ, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલ સાથે સાથે કુલદીપ નાયરનો જાદુ કામ કરી ગયો. એક પછી એક વિકેટ ઝડપીને સાવ સસ્તામાં પાકિસ્તાનને પેવેલિયન ભેગું કર્યું હતું. કુલદીપ યાદવે 18 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે અક્ષર પટેલે 18 રન આપીને બે વિકેટ લીધી હતી, જેમાં બંનેની ઈકોનોમી રેટ 4.50 રહી હતી, જ્યારે વરુણ ચક્રવર્તીએ પણ એક વિકેટ ઝડપી હતી. ઉપરાંત, ઓપનિંગ સ્પેલમાં હાર્દિક પંડ્યા અને બુમરાહએ એક-એક વિકેટ ઝડપી હતી.

જીત પછી સૂર્યાએ હાથ ના મિલાવ્યા
129 રનનો ટાર્ગેટ અચીવ કરવા આવેલી ભારતીય ટીમે 15.3 ઓવરમાં 131 રન ફટકારીને ભવ્ય વિજય મેળવ્યો હતો. ઓપનિંગમાં અભિષેક શર્માએ આક્રમક બેટિંગ કરી હતી 13 બોલમાં 37 રન ફટકાર્યા હતા. શુભમન ગિલ 10 રનના સસ્તા સ્કોરમાં આઉટ થયો હતો, જ્યારે તિલક વર્મા પણ 31 બોલમાં 31 રન બનાવી આઉટ થયો હતો. શિવમ દૂબે સાત બોલમાં દસ રન બનાવવાની સાથે સાથે કેપ્ટન સૂર્યકુમાર યાદવે 37 બોલમાં 47 રન ફટકારીને નોટ આઉટ રહીને ટીમને જીત અપાવી હતી. ટીમની જીત પછી સૂર્યાકુમાર યાદવ અને શિવમ દૂબેએ પાકિસ્તાનની ટીમ સાથે હાથ મિલાવ્યા નહોતા. એ જ રીતે ટોસ વખતે પણ સૂર્યાએ શેકહેન્ડ કર્યું નહોતું.
મેચની જીત દેશના જવાનોને સમર્પિત
મેચ જીત્યા પછી સૂર્યાએ કહ્યું હતું કે હું એટલું કહીશ કે અમે લોકો પહલગામમાં માર્યા જનારા પરિવારની સાથે છીએ અને એમની સાથે રહેવાની વાત કરીશ. આ જીત (પાકિસ્તાન વિરુદ્ધ) ભારતીય સશસ્ત્ર દળોને સમર્પિત કરીએ છીએ, જેમણે બહાદુરીપૂર્વક લડત આપી હતી. તમે લોકો અમને આગળ પણ પ્રેરણા આપતા રહેશો, જ્યારે અમને તક મળી તો તેમના ચહેરા પર ખુશી લાવવાનો પ્રયાસ કરીશું, એમ સૂર્યાએ જણાવ્યું હતું.
