દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન માટે આવી મોટી અપડેટ, બે મહિનામાં ટ્રાયલ અને…
નવી દિલ્હીઃ વંદે ભારતી સ્લીપર ટ્રેન હવે ફેક્ટરીમાં નિર્માણ થઈને તૈયાર છે. ચેન્નઈની રેલવે ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવ્યા પછી હવે ટ્રાયલ રન ગમે ત્યારે શરુ કરવામાં આવી શકે છે. રેલવેના અધિકારીના જણાવ્યાનુસાર વંદે ભારત સ્લીપર ટ્રેન આજે ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી ચેન્નઈમાં પહોંચશે. હાલના તબક્કે આ ટ્રેનને બીએમએલ બેંગલુરુમાં તૈયાર કરવામાં આવી છે, ત્યાર બાદ ટ્રેનના આઈસીએફ તરફથી વિવિધ માપદંડ અનુસાર ચેક કરવાની સાથે સૌથી પહેલા ઓસિલિશન ટ્રાયલ કરવામાં આવશે.
રાજધાની પ્રકારની ટ્રેનના માફક ભાડું રાખી શકાય
આઈસીએફમાં ટ્રાયલ કરવામાં આવ્યા પછી સ્ટેબિલિટી ટ્રાયલ, સ્પીડ ટ્રાયલ અને અન્ય ટેક્નિકલ ટ્રાયલ્સ પછી પ્રવાસીઓની સેવામાં ઉપલબ્ધ કરવામાં આવશે. સમગ્ર પ્રક્રિયા બે મહિનામાં પૂરી કરી શકાય છે અને ડિસેમ્બરમાં એનો કમર્શિયલ રન શરુ કરવામાં આવશે. આ ટ્રેનનું ભાડું રાજધાની પ્રકારની ટ્રેનના આધારે રહેશે. અત્યાર સુધીમાં સીટિંગ વંદે ભારત દોડાવાય છે, જે પહેલી વખત દેશમાં સ્લીપર વંદે ભારત ટ્રેન લોન્ચ કરવામાં આવશે.
નવી વંદે ભારતમાં 823 બર્થ રાખવામાં આવશે
નવી વંદે ભારત એક્સપ્રેસ સ્લીપર ટ્રેનમાં 16 કોચ અને 823 બર્થ હશે અને એમાં 11 થર્ડ એસી (611 બર્થ), ચાર સેકન્ડ એસી (188 બર્થ) અને એક ફર્સ્ટ એસી (24 બર્થ) હશે. આ ટ્રેનમાં જર્ક પણ લાગશે નહીં. એટલે ટ્રેનની મુસાફરી વખતે પ્રવાસીઓને ઝટકા-આંચકા અનુભવશે નહીં. સ્લીપર ટ્રેનના કોચમાં રીડિંગ લેમ્પ, ચાર્જિંગ આઉટલેટ, સ્નેક ટેબલ, મોબાઈલ-મેગેઝિન હોલ્ડર રાખવામાં આવશે.
અકસ્માત નિયંત્રણ સિસ્ટમથી સજ્જ હશે
ભારતીય રેલવેમાં વધતા અકસ્માતોને કારણે રેલવે મંત્રાલયે કવચ સિસ્ટમ શરુ કરી છે. આ ટ્રેનના કોચમાં પણ કવચ પ્રણાલીથી સજ્જ હશે. ટ્રેનના તમામ કોચ સ્ટેનલેસ સ્ટીલની કાર બોડી હશે. જીએફઆરપીની ઈન્ટરનલ પેનલ હશે, જ્યારે કોચમાં ફાયર પ્રોટેક્શનના નિયમોનું પાલન કરતી સિસ્ટમ અપનાવવામાં આવી છે. ટ્રેનના દરવાજા ઓટોમેટિક હશે, જ્યારે ઈમર્જન્સીમાં પણ મેન્યુઅલી કામ કરી શકશે.
200 વંદે ભારત સ્લીપર ટ્રેનનો કોન્ટ્રાક્ટ
ભારતીય રેલવેએ 200 વંદે ભારત સ્લીપર ટ્રેન નિર્માણનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. બીઈએમએલ દ્વારા બનાવવામાં આવેલી નવી વંદે ભારત સ્લીપર ટ્રેન એકદમ એડવાન્સ છે. ગયા વર્ષે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે વંદે ભારત સ્લીપર ટ્રેનની મૂળ ડિઝાઈનને મંજૂરી આપી છે. 16 કોચની વંદે ભારત સ્લીપર ટ્રેનની 10 રેકની મહત્તમ કલાકના 160 કિલોમીટર ઝડપ (પરીક્ષણ વખતે કલાકના 180 કિલોમીટરની ઝડપ)થી દોડાવવામાં આવશે.