પત્નીના પગલે પગલે ચાલીને રવિન્દ્ર જાડેજાએ ભર્યું આ પગલું
ભારતીય ક્રિકેટ ટીમના વધુ એક ક્રિકેટરે રાજકારણમાં ઝંપલાવ્યું
ક્રિકેટ અને રાજકારણ એ બંને ક્ષેત્ર એકબીજા સાથે કનેક્ટ થતા વાર લાગતી નથી, તેમાંય વળી ભારતમાં ખાસ બન્યું છે. ભારતના રાજકારણમાં અનેક જાણીતા ક્રિકેટરે નિવૃત્ત થયા પછી ઝંપલાવ્યું છે. અગાઉના પૂર્વ ક્રિકેટરમાં કીર્તિ આઝાદથી લઈને ગૌતમ ગંભીર તેમ જ હાલમાં યુસુફ પઠાન જ કેમ ના હોય. અનેક ક્રિકેટરે રાજકારણમાં ઝંપલાવ્યું હતું, જેમાં અમુક જ સફળતાના શિખરે પહોંચ્યા હતા. આ ફૌજમાં વધુ એક ક્રિકેટરે રવિન્દ્ર જાડેજા બાપુએ ક્રિકેટને અલવિદા કર્યા પછી રાજકારણમાં ઝંપલાવીને સૌને ચોંકાવી નાખ્યા છે.
ભાજપનું અભિયાન
મહારાષ્ટ્ર અને ઝારંખડ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પૂર્વે હરિયાણા વિધાનસભામાં ચૂંટણી યોજવામાં આવશે. એની વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ પાર્ટીના સભ્યપદ માટે રાષ્ટ્રીયસ્તરે ઝુંબેશ ચલાવી છે. જેપી નડ્ડા અને રાજનાથ સિંહ અને અમિત શાહ વગેરે કેન્દ્રીય પ્રધાનોની હાજરીમાં અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને લાલકૃષ્ણ અડવાણીનું સભ્યપદ રિન્યૂ કર્યું હતું. આ અભિયાન અન્વયે રવિન્દ્ર જાડેજા ભાજપમાં જોડાયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 2047 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ પૂરો કરવા માટે યુવા પેઢી ભાજપમાં જોડાય તો પાર્ટી માટે મોટી તાકાત બનશે.
સોશિયલ મીડિયા પર જાહેરાત
ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ભાજપમાં જોડાવવાની જાહેરાત પણ સોશિયલ મીડિયા પર કરવામાં આવી હતી. ભાજપનાં વિધાનસભ્ય અને રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજાએ પોતાના સોશિયલ મીડિયા પરના એક્સ પર નવા સભ્ય તરીકે રવિન્દ્ર જાડેજાના નામની જાહેરાત કરી હતી. ભાજપના નવા સભ્ય તરીકે પોતાની અને રવિન્દ્ર જાડેજાની તસવીર પોસ્ટ કરી હતી. અહીં એ જણાવવાનું કે 35 વર્ષના રવિન્દ્ર જાડેજાએ ટવેન્ટી-20 વર્લ્ડ કપની જીત પછી ટવેન્ટી-20માં નિવૃત્તિ જાહેર કરી હતી.
🪷 #SadasyataAbhiyaan2024 pic.twitter.com/he0QhsimNK
— Rivaba Ravindrasinh Jadeja (@Rivaba4BJP) September 2, 2024
2019માં પાર્ટીમાં જોડાયા રિવાબા
રવિન્દ્ર જાડેજાના પત્ની પણ ભાજપનાં વિધાનસભ્ય છે. જામનગર વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. 2019માં રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજા ભાજપમાં જોડાયા હતા અને પાર્ટીએ 2022માં જામનગર વિધાનસભાની સીટ પરથી મેદાનમાં ઉતાર્યા હતા. રિવાબાએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર કરશનભાઈ કરમુરને હરાવીને શાનદાર જીત મેળવી હતી. સૌથી આશ્ચર્યની વાત એ હતી કે રિવાબાના ચૂંટણી પ્રચારમાં રવિન્દ્ર જાડેજા ક્યાંય જોવા મળ્યા નહોતા.
જાડેજા પાર્ટીમાં શું કરશે એ નક્કી નથી
જાડેજાની પત્ની રિવાબા જાડેજા તો પહેલાથી ભાજપમાં હતા. પત્નીના પગલે પગલે ચાલીને રવિન્દ્ર જાડેજા ભાજપમાં જોડાયા છે. ક્રિકેટ નહીં તો રાજકારણમાં ઝંપલાવ્યું છે અને એની સત્તાવાર જાહેરાત સોશિયલ મીડિયા પર કરી હતી. આમ છતાં રવિન્દ્ર જાડેજાની ભારતીય જનતા પાર્ટીમાં કઈ ભૂમિકા હશે એ નક્કી થયું નથી.