March 31, 2026
ગુજરાત

અમેરિકા ટ્રેડ ડીલ અંગે ગુજરાતના સીએમે કહ્યું દુનિયાને નવા ભારતની શક્તિનો પરિચય કરાવશે…

Spread the love


યુએસ ટેરિફમાં 18% ઘટાડો: મેન્યુફેક્ચરિંગ અને MSME સેક્ટર માટે સુવર્ણ તકોના દ્વાર ખુલશે

ગાંધીનગરઃ ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ કરવામાં આવ્યા પછી અઢાર ટકા ટેરિફ જાહેર કરવામાં આવ્યો છે. યુરોપિયન યુનિયન સાથે ડીલ કરવામાં આવ્યા પછી અમેરિકાએ પણ ભારત સાથે ડીલ કરીને તમામ વિરોધો-વિવાદો પર પૂર્ણવિરામ મૂક્યું છે. વાણિજ્ય ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલએ પણ સરકારવતીથી ડીલથી દેશમાં નવી રોજગારીની તકો ઊભી થવાની પ્રતિક્રિયા આપ્યા પછી હવે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં કરેલી ડીલ અને દુનિયાને નવા ભારતની શક્તિનો પરિચય કરાવશે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે આ ડીલ માત્ર ઉદ્યોગ પૂરતી સીમિત નથી, પરંતુ બે મોટી અર્થવ્યવસ્થાના નાગરિકોના હિતમાં અને નવી તકોના સર્જન માટેની ડીલ છે. જ્યારે વિશ્વની બે સૌથી મોટી લોકશાહી સાથે મળીને આગળ વધે, ત્યારે સાચા અર્થમાં વિશ્વ કલ્યાણની ભાવના ચરિતાર્થ થાય છે.

એ દિશામાં આ ટ્રેડ ડીલ ભારત-અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિમાં નવા અધ્યાયની શરૂઆત પણ છે. આ ડીલના પરિણામે મેઈક ઇન ઇન્ડિયા, મેઈડ ફોર ધ વર્લ્ડના વડાપ્રધાનશ્રીએ આપેલા વિઝનને વધુ બળ મળશે. સૌથી મહત્ત્વની વાત એ પણ છે કે મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર યુએસ ટેરિફમાં 18 ટકાનો ઘટાડો એ ઉત્પાદન, MSME, નિકાસકારો અને રોજગાર સર્જન માટે નોંધપાત્ર પ્રોત્સાહન છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે દેશમાં ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ્સ માટે વિશ્વના વ્યાપક બજારો માટે નવા દ્વાર ખુલશે. આ ઉપરાંત, ગુજરાત મેન્યુફેક્ચરીંગ હબ સાથે ટેક્સટાઇલ, ફાર્મા, કેમિકલ,પેટ્રોલિયમ, જેમ્સ એન્ડ જ્વેલરી જેવા ક્ષેત્રોમાં લીડર છે. ભારત અને અમેરિકા વચ્ચે થયેલા આ ઐતિહાસિક કરારથી આ સેક્ટર્સના ઉત્પાદનોના એક્સપોર્ટને પ્રોત્સાહન મળશે. એટલું જ નહિ, ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સ અને MSME સહિતના વેપાર-ઉદ્યોગને સીધો લાભ થશે.

આ કરારથી ભારતની ગ્લોબલ ઇકોનોમિક પ્રેઝન્સ વધશે, એવું ઉમેરતા તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણાયક નેતૃત્વ અને સિટિઝન સેન્ટ્રિક ડિપ્લોમસીથી, ભારત-યુએસ સંબંધોથી વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિને પણ વેગ મળશે. તેમણે ગુજરાતના સૌ નાગરિકો વતી આ ઐતિહાસિક દ્વિપક્ષીય વ્યાપાર કરાર બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!