ભારત-પાકિસ્તાને યુદ્ધથી બચવું જોઈએઃ સંયુક્ત રાષ્ટ્રસંઘે કરી અપીલ
ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવને કારણે સંયુક્ત રાષ્ટ્રસંઘ ટેન્શનમાં છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના વડા એન્ટોનિયો ગુટેરેસે બંને દેશને શક્ય એટલા યુદ્ધથી બચવાની સલાહ આપી છે. પહલગામ હુમલાની યુએનના વડાએ ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘ બંને દેશની સરકાર અને લોકોનું સન્માન કરે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના કામમાં તેમનું મોટું યોગદાન છે. ખાસ કરીને શાંતિની સ્થાપના માટે તેથી મને બંને દેશના સંબંધો ખરાબ થયા હોવાનું જાણીને દુખ થયું છે.
ગુટેરેસે કહ્યું હતું કે 22 એપ્રિલના પહલગામ હુમલાના ભયાનક આતંકવાદી હુમલા પછી લોકોની ભાવનાઓને સમજીએ છીએ. આ હુમલાની ટીકા કરીએ છીએ પણ હાલના સંજોગોમાં બંને દેશોએ યુદ્ધથી બચવું જોઈએ. કોઈ ભૂલ કરશો નહીં અને યુદ્ધ એ સમાધાનની બાબત નથી. ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્રસંઘ બંને દેશોને શાંતિ જાળવવા અપી કરે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાસ કરીને એવી યુક્તિને સમર્થન આપે છે જે શાંતિ-સમજૂતીને પ્રોત્સાહન આપે છે.
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી અને રશિયા આતંકવાદ સામેની લડાઈમાં ભારતનું સંપૂર્ણ સમર્થન આપશે. એટલું જ નહીં, પહલગામના હુમલાખારો-ષડયંત્ર કરનારાને દંડ કરવાની અપીલ કરી હતી. બીજી બાજુ ઈસ્લામાબાદમાં ચીનના રાજદૂત જિયાંગ જેદોંગે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારી સાથે મુલાકાત કરી હતી અને કહ્યું હતું કે ચીન દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે પાકિસ્તાનનું હંમેશાં સમર્થન કરશે.
આતંકવાદ વિરુદ્ધની લડત ચાલુ રાખીને ગઈકાલે ભારતે કાશ્મીરના રિયાસી જિલ્લા સ્થિત ચિનાબ નદી પર બનેલા સલાલ ડેમના દરવાજા બંધ કર્યા હતા. સલાલ ડેમના દરવાજા બંધ કરવાને કારણે ચિનાબ નદીમાં પાણી ઓછું થઈ ગયું હતું. સ્થાનિક લોકોએ સરકારના પગલાને પણ યોગ્ય ગણાવ્યું હતું. લોકોએ જણાવ્યું હતું કે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનું જરુરી છે. ભારત સરકારે પણ આ અગાઉ પાકિસ્તાનની સામે નિર્ણાયક પગલા ભર્યા છે, જેમાં જહાજની અવરજવર બંધ કરવાની સાથે એરસ્પેસ પણ બંધ કરી છે.
પાકિસ્તાન સાથે ભારતના તનાવની વચ્ચે ભારતમાં રાજકારણ પણ ગરમાયું છે. ભાજપના પ્રવક્તા શાહજાદ પુનાવાલાએ કહ્યું હતું કે ઈન્ડિ અલાયન્સના નેતા રાવલપિંડી અલાયન્સના માફક નિવેદનો કરે છે. સર્વદલીય બેઠકમા એક તરફ સહકાર આપવાની વાત કરે છે, પરંતુ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને રાજદના નેતાઓ બેફામ નિવેદન કરે છે.