T20 World Cup: ભારતની બાંગ્લાદેશ સામે ધમાકેદાર જીત, પંડ્યા મેન ઓફ ધ મેચ
તનઝીમ હસન સાકીબે વિરાટને બોલ્ડ કર્યા બાદ ઘૂરવાનો વીડિયો વાઈરલ
એન્ટિગુઆઃ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાનારા ટવેન્ટી-20 વર્લ્ડ કપની સુપર8માં ભારતીય ટીમે જીતનો જાદુ અકબંધ રાખ્યો છે. અફઘાનિસ્તાનને 47 રને હરાવ્યા પછી આજે બાંગ્લાદેશને પચાસ રનથી હરાવીને રોહિત શર્માની ટીમ ટવેન્ટી ટવેન્ટી વર્લ્ડકપમાં જીતનું અભિયાન યથાવત રાખ્યું છે. ટોસ જીતીને બાંગ્લાદેશની ટીમે પહેલી બોલિંગ લીધી હતી. 20 ઓવરમાં ટીમ ઈન્ડિયાએ 197 રનનો ટાર્ગેટ બાંગ્લાદેશને આપ્યો હતો, પરંતુ ટીમ બાંગલા 8 વિકેટે 20 ઓવરમાં 146 રન બનાવી શકી હતી. આજની જીત સાથે રોહિતની ટીમે સેમી ફાઈનલમાં પહોંચવાનું લગભગ નક્કી કરી લીધું છે.
ભારતીય ટીમ વતીથી હાર્દિક પંડ્યાએ પચાસ રન ફટકારીને એક વિકેટ ઝડપીને શાનદાર પ્રદર્શન કર્યું અને પ્લેયર ઓફ ધ મેચ હાર્દિક પંડ્યા રહ્યો. હાર્દિક પંડ્યાએ 27 બોલમાં પચાસ રન ફટકાર્યા હતા. પચાસ રનમાં ત્રણ સિકસર અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. આ આ ઉપરાંત, વિરાટ કોહલીએ 37 રન, ઋષભ પંતે 36 અને શિવમ દૂબેએ 34 રન તથા રોહિત શર્માએ 23 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશવતીથી તનઝીમ હસન સાકીબ અને રિશાદ હોસૈનએ બબ્બે વિકેટ ઝડપી હતી, જ્યારે શાકીબ અલ હસને એક વિકેટ લીધી હતી.

તનઝીમ હસન સાકીબે વિરાટ કોહલીને આઉટ કર્યા પછી તેના વર્તાવની ચોતરફ ટીકા થઈ હતી. તનઝીમ હસન સાકીબ આઉટ કર્યા પછી પોતાના ગુસ્સાને રોકી શક્યો નહોતો. કોહલીને સતત ઘૂરતો રહ્યો હતો, પરંતુ તેના તરફ કોહલીએ ધ્યાન આપ્યું નહોતું અને તે પેવેલિયન રવાના થયો હતો. કોહલીએ પણ આક્રમક બેટિંગ કરી હતી. 28 બોલમાં એક ચોગ્ગો અને ત્રણ છગ્ગાની મદદથી 37 રન બનાવ્યા એ પણ મહત્ત્વના સાબિત થયા હતા. તનઝીમ વિરાટને ઘૂરવાનો વીડિયો વાઈરલ થયા પછી લોકોએ સોશિયલ મીડિયા પર તનઝીમની જોરદાર ઝાટકણી કાઢી હતી.
અફઘાનિસ્તાન સામેની ટીમને વિજય અપાવવામાં સૂર્ય કુમાર યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ રહ્યા હતા, જ્યારે આજની મેચમાં વિરાટ કોહલી, હાર્દિક પંડ્યાની સાથે કુલદીપ યાદવનું મહત્ત્વનું પ્રદાન રહ્યું હતું. ટીમ ઈન્ડિયાની સતત પાંચમી જીત છે, જ્યારે આગામી મેચ 24મી જૂનના આ તબક્કાની છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા સામે રહેશે.
ભારતીય ટીમે ગ્રુપએમાં સતત બે મેચ જીતીને ચાર પોઈન્ટ સાથે ટોચના ક્રમે પહોંચી છે, જ્યારે સેમી ફાઈનલમાં લગભગ સ્થાન ક્વોલિફાય કર્યું છે. બંને ગ્રુપની સૌથી વધુ પોઈન્ટ મેળવનારી ટીમ અંતિમ ચાર એટલે સેમી ફાઈનલમાં પહોંચશે. આજની મેચમાં બોલરે પણ ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. કુલદીપ યાદવે પણ દમદાર બોલિંગ કરીને ત્રણ વિકેટ ઝડપી. બુમ બુમ બુમરાહ અને અર્શદીપ સિંહે બબ્બે-બબ્બે વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશની ટીમવતીથી સૌથી વધુ રન નજમુલ હુસૈન શંટોએ (40 રન) બનાવ્યા હતા. સતત બે મેચ હાર્યા પછી બાંગ્લાદેશની ટીમ માટે સેમી ફાઈનલના દરવાજા લગભગ બંધ થઈ ગયા છે.
