T20 World Cup: અમેરિકાને હરાવીને ટીમ ઈન્ડિયા સુપર આઠમાં પ્રવેશ્યું
અર્શદીપ સિંહના તરખાટ પછી સૂર્યા અને શિવમ દૂબેએ કરી કમાલ
યુએસમાં રમાઈ રહેલી ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને અમેરિકા વચ્ચેની મેચ ટીમ ઈન્ડિયા સાત વિકેટથી જીત્યું. સૂર્ય કુમાર યાદવ અને શિવમ દૂબેની 72 રનની ભાગીદારીએ ભારતને શાનદાર જીત અપાવી. અર્શદીપ સિંહે બોલિંગમાં તરખાટ મચાવીને અમેરિકાને 110 રનમાં ઓલઆઉટ કર્યું હતું. સૂર્ય કુમાર યાદવે 49 બોલમાં 50 રન કર્યા હતા, જ્યારે શિવમ દૂબેની સાથે 72 રનની ભાગીદારી નોંધાવી હતી. આ બંને બેટરે ભારતને જીતાડવામાં મહત્ત્વની ઇનિંગ રમ્યા હતા. શિવમ દૂબેએ 31 રન બનાવ્યા હતા.
પહેલી 20 ઓવરમાં અમેરિકાએ બેટિંગ કરતા 110 રન બનાવ્યા હતા. યુએસએના કેપ્ટન મોનાંક પટેલની ગેરહાજરી વચ્ચે પણ અમેરિકાની ટીમ એકંદરે સારું પ્રદર્શન કર્યું હતું. શરુઆતના ધબડકા પછી સ્ટીવન ટેલર 24 અને નીતીશ કુમારે 27 રનની ભાગીદારી નોંધાવીને એટ લિસ્ટ ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.
111 રનનો સ્કોર અચીવ કરવા આવેલી ટીમ ઈન્ડિયાના ઓપનર પાણીમાં બેસી ગયા હતા. નાસાઉ કાઉન્ટ ક્રિકેટ સ્ટેડિયમની પિચ પર સામાન્ય સ્કોર કરવાનું પણ પડકારજનક છે. વિરાટ કોહલી ઝીરોમાં આઉટ થયા પછી રોહિત શર્મા પણ ત્રણ રનના નજીવા સ્કોરે આઉટ થયો હતો. ત્યારબાદ ઋષભ પંત અને સૂર્યાકુમાર યાદવે 29 રન કરીને ટીમનો સ્કોર 33 રને પહોંચાડ્યો હતો, ત્યાર બાદ આઠમી ઓવરમાં 18 રને ઋષભ પંત આઉટ થયો હતો. આમ છતાં ત્યાર બાદ સૂર્યકુમાર યાદવ અને શિવમ દૂબેએ બાજી સંભાળીને 19મી ઓવરમાં દૂબેએ વિનિંગ શોટ મારીને ભારતને સાત વિકેટે જીતાડ્યું હતું. આ જીત સાથે ટવેન્ટી-20 વર્લ્ડકપમાં ત્રીજી જીત સાથે ટીમ ઈન્ડિયા સુપર-8માં પહોંચ્યું છે.
આયર્લેન્ડ, પાકિસ્તાન પછી આજે અમેરિકાને હરાવીને ટીમ ઈન્ડિયા 6 પોઈન્ટ સાથે ટોચના ક્રમે પહોંચ્યું છે. બીજી બાજુ યુએસએ આર્યલેન્ડ સામે હારીને છ પોઈન્ટે ટોચ પર પહોંચી શકે છે, પરંતુ પાકિસ્તાન અને કેનેડા માટે 6 પોઈન્ટે પહોંચવાનું શક્ય નથી. હવે ટીમ ઈન્ડિયા જો આગામી મેચ હારી જાય તો પણ ભારત ટોપ-ટૂમાંથી બહાર જવાનું મુશ્કેલ છે. જો ભારતને યુએસઈએ હરાવ્યું હોત તો પાકિસ્તાનની સુપર 8 પહોંચવાની અપેક્ષા પર પાણી ફરી વળ્યું હોત, પણ એમ થયું નથી. આ વર્લ્ડકપમાં સુપર આઠમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાના પ્રવેશ્યા પછી હવે ભારતીય ટીમ ત્રીજી ટીમ બની છે.