બાંગ્લાદેશના સુપડા સાફઃ ‘વિક્રમો’ની વણઝાર સાથે ભારતે બાંગ્લાદેશને હરાવ્યું
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટવેન્ટી-20 સિરીઝમાં નવો ઈતિહાસ રચ્યો. સિરીઝ જીતવાનો અંદાજ પણ દરેક ખેલાડીમાં આગવો જોવા મળ્યો. બેટિંગ હોય કે બોલિંગમાં નવો ઈતિહાસ રચીને ભારતીય ક્રિકેટનું નામ રોશન કર્યું છે. 20 ઓવરમાં 297 રન કરીને ટીમ ઈન્ડિયાએ સૌથી વધુ બાઉન્ડરી મારવાની સાથે વિક્રમી સ્કોર કર્યો. ટોસ જીતીને સૂર્યા કુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમે પહેલી બેટિંગમાં બાંગ્લાદેશ સામે 47 બાઉન્ડરી ફટકારીને નવો રેકોર્ડ કર્યો છે, જેમાં અગાઉ ચેક રિપબ્લિકે 43 બાઉન્ડરીનો રેકોર્ડ હતો. ત્યારબાદ 42 બાઉન્ડરી સાથે સાઉથ આફ્રિકા (વેસ્ટ ઈન્ડિઝ સામે 2023), ઈન્ડિયા (શ્રીલંકા 2017) રેકોર્ડ હતો.
ક્લિન સ્વીપમાં સૂર્યાએ નવો રેકોર્ડ નોંધાવ્યો
આ રેકોર્ડ સાથે ભારતે ટી-ટવેન્ટીમાં રનના હિસાબથી પણ પોતાની ત્રીજી સૌથી મોટી જીત નોંધાવી છે. ટવેન્ટી-20માં ભારતની આ દસમી જીત છે. આ અગાઉ ભારતે ન્યૂઝીલેન્ડ સામે 168 રન, આયરલેન્ડ સામે 143 રન, બાંગ્લાદેશને 133 રન (શનિવારે), દક્ષિણ આફ્રિકાને 106 રન, અફઘાનિસ્તાનને 101, ઝિમ્બાબ્બેને 100 રનથી હરાવ્યું હતું. સૂર્ય કુમાર યાદવે બાંગ્લાદેશ 3-0 સિરીઝથી હરાવીને ધોનીનો રેકોર્ડ તોડ્યો છે, જ્યારે વિરાટ કોહલીના રેકોર્ડની બરાબરી કરી છે.
સંજુ સેમસને 40 બોલમાં સદી ફટકારીને દંગ કરી દીધા ચાહકોને
ટીમ ઈન્ડિયા અને બાંગ્લાદેશની વચ્ચે ત્રીજી ટવેન્ટી-ટવેન્ટી મેચમાં 20 ઓવરમાં 297 રન બનાવ્યા હતા, જેમાં સંજુ સેમસને 111 રન (47 બોલ અને 40 બોલમાં સદી). સંજુ સેમસને આક્રમક બેટિંગ કરીને તેના ચાહકોને ખુશ કરી દીધા, જ્યારે ટીકાકારોની પણ બોલતી બંધ કરી દીધી. સૂર્યકુમાર યાદવે 75 રન, હાર્દિક પંડ્યાએ 47 રન કર્યા હતા, જ્યારે તેના જવાબમાં બાંગ્લાદેશે સાત વિકેટ ગુમાવીને 20 ઓવરમાં 164 રન બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયાએ 133 રનથી મેચ જીતીને સિરીઝ 3-0થી જીતી લીધી. ભારતે બીજો રેકોર્ડ બનાવ્યો છે, જેમાં ટવેન્ટી-20માં બીજા નંબરના સૌથી વધારે રનનો સ્કોર બનાવ્યો છે. આ અગાઉ 20 ઓવરમાં નેપાળે મોંગોલિયા સામે ત્રણ વિકેટે 314 રન બનાવ્યા હતા.
નાની ઉંમરમાં 50 વિકેટ લેવાનો વિક્રમ નોંધાવ્યો
ત્રીજા એક રેકોર્ડની વાત કરીએ તો ભારત માટે સૌથી નાની ઉંમરમાં 50 વિકેટ લેનારા બોલરના કેમ્પમાં રવિ બિશ્નોઈના નામનો ઉમેરો થયો છે. ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યાએ 28 વર્ષ 295 દિવસમાં મેચ રમીને પચાસ વિકેટ ઝડપી હતી, જ્યારે કુલદીપ યાદવ (28 વર્ષ 237 દિવસ), જસપ્રીત બુમરાહ (25 વર્ષ 80 દિવસ), અર્શદીપ સિંહ (24 વર્ષ 196 દિવસ)નો વિક્રમ હતો, પરંતુ રવિ બિશ્નોઈ 24 વર્ષ 37 દિવસમાં પચાસ વિકેટ ઝડપવાનો વિક્રમ બનાવ્યો છે.