છેલ્લાં એક વર્ષમાં દર પાંચમા દિવસે એક અબજોપતિનો જન્મ થયો છે ભારતમાં…
નવી દિલ્હીઃ હારુન ઈન્ડિયા દ્વારા ભારતના ધનવાન વ્યક્તિઓની એક યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં રિલાયન્સ ગ્રુપના મૂકેશ અંબાણીને પાછળ મૂકીને ગૌતમ અદાણીએ બાજી મારી લીધી છે. ધનવાન વ્યક્તિઓની યાદીમાં ગૌતમ અદાણી પહેલાં સ્થાને પહોંચી ગયા છે, જ્યારે મુકેશ અંબાણી બીજા નંબર પર છે અને ત્રીજા નંબર પર શિવ નદારનો નંબર આવે છે. રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા પર વિશ્વાસ કરીએ તો ગયા વર્ષે ભારતમાં દરરોજ એક નવો અબજોપતિ તૈયાર થયો છે અને આ જ કારણે ભારતમાં અબજોપતિઓની સંખ્યા વધીને 334 પર પહોંચી ગઈ છે.
હારુન ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા ભારતના અબજોપતિઓની યાદી પ્રમાણે ભારતમાં 2023માં નવા 75 અબજપતિઓનો ઉમેરો થયો છે. હારુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024 પ્રમાણે છેલ્લા 13 વર્ષમાં જ્યારથી અબજોપતિઓની યાદી બહાર પાડવાનું શરૂ કરવામાં આવ્યું છે, ત્યારથી લઈને અત્યાર સુધીમાં ભારતમાં અબજોપતિઓની સંખ્યામાં 6 ગણો વધારો જોવા મળ્યો છે.
હારુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024એ પોતાના રિપોર્ટમાં એવું પણ જણાવ્યું છે કે, વર્ષ 2023માં ભારતમાં દર પાંચમાં દિવસે એક નવા અબજોપતિનો ઉમેરો જોવા મળ્યો છે. આ યાદી બાબતે વાત કરતાં હારુન ઈન્ડિયાના સ્થાપક અને મુખ્ય સંશોધક અનસ રહેમાન જુનૈદે જણાવ્યું હતું કે, વેલ્થ ક્રિએશનના ઓલિમ્પિક્સમાં ભારતે ગોલ્ડ મેળવ્યું છે. અબજોપતિઓની સંખ્યાના મામલે ભારતે ત્રિપલ સદી લગાવી છે. તમામ 20 સેક્ટરોમાં આ યાદીમાં નવા ચહેરા ઉમેરાયા છે. ટોચના 20 સેક્ટરોમાં નવા ચહેરાઓ છે, જે ભારતમાં ઉદ્યોગસાહસિકતા માટેના ઉત્સાહનો સંકેત આપી રહ્યા છે.
હારુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024 પ્રમાણે 17 નવા અબજોપતિઓ સાથે હૈદરાબાદે પહેલી જ વખત બેંગલુરુને પાછળ છોડીને અબજોપતિ રહેવાસીઓના મામલે ત્રીજા સ્થાન પર આવી ગયું છે. હારુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં મુંબઈ 386 અમીર લોકો સાથે પહેલા નંબર પર છે અને ત્યાર બાદ નવી દિલ્હીનો નંબર આવે છે કે, જ્યાં 217 અબજોપતિ રહે છે. હૈદરાબાદ 104 સાથે ત્રીજા સ્થાન પર છે, જ્યારે મુંબઈમાં 2023માં 66 નવા અબજોપતિ ઉમેરો જોવા મળ્યો છે.