July 1, 2025
મહારાષ્ટ્રમુંબઈ

મલાડમાં આઈસ્ક્રીમમાં આંગળી મળવા પ્રકરણે કંપનીએ કરી આવી સ્પષ્ટતા…

Spread the love

મુંબઈઃ મુંબઈના મલાડમાં ઓનલાઈન ડિલિવરી કરતી એપ પરથી આઈસ્ક્રીમ ઓર્ડર કરનારા ડોક્ટરને આઈસ્ક્રીમમાંથી મનુષ્યની આંગળી મળી આવતા આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. હવે આ પ્રકરણે કંપનીએ સ્પષ્ટતા કરી છે. કંપનીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે તેમણે આ બાબતની ગંભીરતાથી નોંધ લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
યમ્મો કંપની દ્વારા આ પ્રકરણે સ્પષ્ટતા કરતાં જણાવવામાં આવ્યું હતું કે અમે આ પ્રકરણને ખૂબ જ ગંભીરતાથી લીધું છે અને આ સાથે સાથે જ સંબંધિત યુનિટનું થર્ડ પાર્ટી ઉત્પાદન બંધ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પણ એ થર્ડ પાર્ટી કંપનીએ કરેલી સંબંધિત અને અન્ય ઉત્પાદનો પણ બજારમાંથી પાછા મંગાવી લેવામાં આવ્યા છે.
કંપનીએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે ઉત્પાદનની ગુણવત્તા અને સુરક્ષિતતા જ અમારો મહત્ત્વનો તેમ જ અંતિમ ઉદ્દેશ છે. અમારી કંપની કાયદાઓનું પાલન કરવામાં વિશ્વાસ રાખે છે. આ સિવાય પોલીસ તેમ જ સંબંધિત યંત્રણાઓને પણ અમે પ્રકરણની તપાસ કરવા માટે સંપૂર્ણ સાથ-સહકાર આપીશું. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા પણ આ પ્રકરણની નોંધ લેવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આખી ઘટના વિશે વિસ્તારથી વાત કરીએ તો બ્રેન્ડન ફેરાઓએ ઓનલાઈન ડિલિવરી કરતી એપ પરથી ત્રણ આઈસ્ક્રીમ મંગાવી હતી અને આ આઈસ્ક્રીમમાંથી આંગળીનો બે ઈંચ જેટલો ટૂકડો મળી આવતા બ્રેન્ડને ઈન્સ્ટાગ્રામ પર કંપનીને ટેગ કરીને એક પોસ્ટ કરી હતી અને આ બાબતે મલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. દરમિયાન પોલીસે કંપની સામે આઈપીસીની કલમ 272, 273 અને 336 હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.
મલાડ પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર જે ફેકટરીમાં આઈસ્ક્રીમનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું એની તપાસ કરાઈ રહી છે અને ત્યાર બાદ જ આઈસ્ક્રીમમાં આંગળી ક્યાંથી આવી એ જાણી શકાશે. પોલીસે ગાઝિયાબાદની ફેક્ટરી સીલ કરી છે, કારણ કે અહીં જ આ આઈસ્ક્રીમનું પેકિંગ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!