July 1, 2025
ગુજરાત

રાષ્ટ્રીય બાલિકા દિવસઃ ગુજરાતમાં ૧૦ વર્ષમાં દીકરીઓના નામાંકન દરમાં ૩૩ ટકાનો વધારો નોંધાયો

Spread the love

‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાને રંગ રાખ્યોઃ દીકરી જન્મદર ૮૯૦થી વધીને ૯૫૫ થયો

ગાંધીનગરઃ પંચાયતથી લઈને પાર્લામેન્ટ અને આંગણવાડીથી લઈને અવકાશ સુધીના દરેક ક્ષેત્રમાં મહિલાઓએ આજે પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓમાં રહેલા સામર્થ્ય અને શક્તિને ખૂબ સારી રીતે ઓળખીને દેશમાં દીકરીઓનો જન્મદર વધારવા અને તેમને યોગ્ય શિક્ષણ આપી પગભર બનાવવાના ઉદ્દેશથી ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન શરૂ કર્યું છે, જેના પરિણામે દીકરી જન્મદરના પ્રમાણમાં વધારો થયો છે. વર્ષ ૨૦૧૯-૨૦ની વસ્તી ગણતરીના આંકડા મુજબ દીકરી જન્મદર ૮૯૦ થી વધીને ૯૫૫ થયો હતો.
edexlive.com image source
કન્યાઓનો નામાંકન દર વર્ષ ૨૦૦૨-૦૩માં ૬૬.૮૩ ટકા હતો
કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકારના દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા કરવામાં આવેલા અનેક નવીન પહેલના પરિણામે રાજ્યમાં કન્યાઓના નામાંકન દરમાં વધારો તથા ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો થયો છે. સરકારના અવીરત પ્રયત્નો થકી છેલ્લા ૧૦ વર્ષમાં ગુજરાતમાં દીકરીઓના નામાંકન દરમાં ૩૩ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. કન્યાઓનો નામાંકન દર વર્ષ ૨૦૦૨-૦૩માં ૬૬.૮૩% હતો, જે વધીને વર્ષ ૨૦૨૨-૨૩માં ૯૯.૮૧ ટકા થયો છે.

ગુજરાતમાં 2008થી ઉજવાય છે રાષ્ટ્રીય બાલિકા દિવસ
દેશભરમાં દીકરીઓના મૃત્યુદર ઘટાડવા તથા તેમના શિક્ષણ, આરોગ્ય અને સમાનતા અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી સમગ્ર દેશમાં વર્ષ ૨૦૦૮થી ૨૪ જાન્યુઆરીના દિવસને ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા બાલિકાઓના અધિકારો, શિક્ષણ અને તેમને સમાજમાં વધુ મહત્વપૂર્ણ સ્થાન-પ્રોત્સાહન મળે તેવા હેતુથી આ દિવસ ઉજવાય છે. આ દિવસ માત્ર એક વાર્ષિક ઉજવણી નથી, પરંતુ આનો મુખ્ય હેતુ બાલિકાઓના સશક્તીકરણ અને તેમના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવવાના પ્રયાસોને આગળ વધારવાનો છે.

દીકરીઓને સરકારી શાળામાં પુનઃ પ્રવેશ માટે કરી પ્રેરિત
દીકરીઓ તથા તેમના પરિવારનું કાઉન્સેલીંગ કરીને તેમને ફરીથી શાળાએ જવા પ્રેરીત કરતી એક સફળતાની વાત કરીએ તો, મહેસાણા જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવર્મેન્ટ ઓફ વિમેન યોજનાના જેન્ડર સ્પેશ્યાલિટ દ્વારા વિજાપુર તાલુકામાં વડાસણ ગામમાં શાળાએ ના જતી અમુક દીકરીઓ ધ્યાને આવી હતી. જે અનુસંધાને ગામનો સર્વે કરી અલગ-અલગ વિસ્તારની માહિતી પ્રાપ્ત કરી હતી. જેમાં વધારે પ્રમાણમાં દીકરીઓના માતા-પિતાની આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાથી તેમજ સમાજની ખોટી માન્યતાના કારણે દીકરીઓને શાળા છોડાવી હતી. જેન્ડર સ્પેશ્યાલીસ્ટ દ્વારા અવારનવાર બાળકો ઘરની ડોર ટુ ડોર મુલાકાત તેમજ તેમના માતા-પિતાને શિક્ષણનું મહત્વ સમજાવી તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. આ દીકરીઓને સરકારી શાળામાં પુનઃ પ્રવેશ કરવા પ્રેરિત કરવામાં આવ્યાં હતા.

વહાલી દીકરી યોજના અન્વયે સહાય પૂરી પડાય છે
રાજ્યમાં દીકરીઓના જન્મનું પ્રમાણ વધારવા અને દીકરીના શિક્ષણમાં વધારો થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા “વ્હાલી દીકરી” યોજના અમલમાં મૂકી આ યોજના થકી દીકરીઓને જન્મથી ૧૮ વર્ષ સુધીમાં રૂ. ૪ હજાર થી ૧ લાખ સુધીની સહાય પણ આપવામાં આવે છે.

દીકરીઓના શિક્ષણ અને વિકાસને પ્રોત્સાહન આપવા સતત પ્રયત્નશીલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના નેતૃત્વમાં ગુજરાત સરકાર દીકરીઓના શિક્ષણ અને વિકાસને પ્રોત્સાહન આપવા સતત પ્રયત્નશીલ છે. મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા કન્યાઓના શિક્ષણનું મહત્વને સમજી ‘ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવર્મેન્ટ ઓફ વિમેન’ યોજના દ્વારા ડ્રોપ આઉટ કરેલી દીકરીઓના કાઉન્સેલિંગ કરી તેમને પડતી સમસ્યાઓ દૂર કરી તેમને ફરીથી શાળાએ આવવા માટે પ્રેરિત કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!