EPFO દ્વારા PF Account Holderના ડેથ ક્લેમના નિયમમાં કરાયો મહત્ત્વનો ફેરફાર…
નવી દિલ્હી: Employees Provident Fund Organization (EPFO) દ્વારા PF ખાતાધારકના મૃત્યુ બાદના ક્લેમના નિયમોને વધારે સરળ બનાવી દીધા છે. આ નવા ફેરફારને કારણે હવે PF ખાતાધારકના નોમિનીને સરળતાથી પૈસા મળી જશે અને તેણે વારંવાર EPFO ઓફિસના આંટાફેરા નહીં કરવા પડે. EPFO દ્વારા આ બાબતે માહિતી આપતું એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે.
હવે આ નવા નિયમ અનુસાર જો કોઈ પીએફ ખાતાધારકનું મૃત્યુ થાય છે અને તેનું પીએફ ખાતું આધાર સાથે લિંક નથી કરવામાં આવ્યું કે પછી આધારકાર્ડમાં આપવામાં આવેલી માહિતી પીએફ ખાતું ખોલાવતી વખતે આપેલી માહિતી સાથે મેળ ખાતી નથી, તો એવા કેસમાં પણ ખાતાધારકને કે ડેથ કેસમાં તેના નોમિનીને ચૂકવવામાં આવશે.
ડેથ કેસમાં નોમિનીને પૈસા મેળવવામાં પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને EPFO દ્વારા ડેથ ક્લેમ સંબંધિત નિયમોમાં આ મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. નિયમોમાં ફેરફાર પહેલાં, જો આધારની વિગતોમાં કોઈ ભૂલ હોય અથવા ટેક્નિકલ સમસ્યાને કારણે આધાર નંબર ડિએક્ટિવેટ થઈ ગયું હોય તો ડેથ ક્લેમ કરવામાં મુશ્કેલી પડતી હતી.
પરંતુ હવે EPFO દ્વારા આ નિયમમાં ફેરફાર કરતાં જણાવ્યું હતું કે કોઈના મૃત્યુ પછી આધારમાં આપવામાં આવેલી માહિતીને સુધારી શકાતી નથી. જેને કારણે હવે ફિઝિકલ વેરિફિકેશન બાદ નોમિનીને પૈસા ચૂકવવામાં આવશે. નોમિની અથવા પરિવારના સભ્યની સત્યતાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. કોઈપણ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે EPFO દ્વારા ખાસ કાળજી લેવામાં આવી છે. જોકે, આ માટે પ્રાદેશિક અધિકારીની પરવાનગી લેવાનું ફરજિયાત રહેશે. ત્યાર બાદ જ પીએફની રકમ નોમિનીને ચૂકવવામાં આવશે.