February 19, 2026
મહારાષ્ટ્રમુંબઈ

Important Alert:મુંબઈગરા પર તોળાઈ રહ્યું છે જળસંકટ? સાતેય જળાશયોમાં બચ્યું છે આટલા ટકા પાણી…

Spread the love

મુંબઈ: રાજ્ય સહિત દેશભરમાં મોનસુને એકદમ ઓન ટાઈમ હાજરી પુરાવી છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર નૈઋત્યના મૌસમી પવનને આગળ વધવા માટે આ વાતાવરણ એકદમ અનુકૂળ છે. થોડા દિવસ પોરો ખાધા બાદ મેઘરાજા ફરી એક વખત પોતાના અસલ મિજાજમાં આવી ગયા છે. ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા મુંબઈગરાને થોડી રાહત મળી છે, પરંતુ હવે એક ગંભીર મુસીબત પણ મુંબઈ અને મુંબઈગરા પર તોળાઈ રહી છે.
હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદની તો કેટલીક જગ્યાએ જોરદાર પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આવું હોવા છતાં પણ મુંબઈગરા પર એક અલગ જ પ્રકારના સંકટની તલવાર તોળાઈ રહી છે. આવો જોઈએ શું છે આ સંકટ અને મુંબઈ તેમ જ મુંબઈગરા પર આ સંકટની શું અસર જોવા મળશે-
મુંબઈ સહિત રાજ્યમાં અનેક ઠેકાણે ભલે છેલ્લાં બે દિવસથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે, પરંતુ મુંબઈને પાણી પુરવઠો પૂરો પાડતા જળાશયોના વિસ્તારમાં હજી સુધી વરસાદ પડ્યો નથી. પાણી પુરવઠો કરતાં જળાશયોમાં પાણીનું સ્તર ખૂબ જ ઘટી ગયું છે અને એવામાં જો આ વિસ્તારોમાં વરસાદ હજી ખેંચાઈ જશે તો નાગરિકોએ પાણીની તીવ્ર અછતનો સામનો કરવો પડશે, એવી શક્યતા પણ વ્યક્ત કરાઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 5મી જૂનથી મુંબઈમાં દસ ટકાનો પાણીકાપ લાગુ કરવામાં આવ્યો છે. મુંબઈગરાને પાણી પૂરું પાડતા સાતેય જળાશયોમાં હવે 5.32 ટકા જ પાણી પુરવઠો બચ્યો છે. ગુરૂવાર સવાર સુધીમાં આ સાતેય જળાશયોવાળા વિસ્તારમાં 162 મિમી વરસાદ પડયો હોવાની માહિતી સંબંધિત અધિકારી દ્વારા આપવામાં આવી છે.
દરમિયાન પાલિકા દ્વારા પણ નાગરિકોને પાણીનો ખૂબ જ કાળજપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. મુંબઈને પાણી પૂરું પાડનારા જળાશયોમાં છેલ્લા બે વર્ષ કરતા આ વર્ષે એકંદરે ઓછો વરસાદ પડવાથી પાણીની અછત ઊભી થઈ શકે છે. 20મી જૂન સુધીમાં 2023માં કૂલ 1.11 મિલિયન લીટર પાણીનો સ્ટોક હતો, જ્યારે 2022માં 1.51 મિલિયન લીટર પાણીનો સ્ટોક હતો. હજુ પણ આગામી ત્રણ ચાર દિવસ મુંબઈ સહિત પરા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!