December 21, 2025
ગુજરાત

i-Khedut Portal: ગુજરાતની આગવી સુશાસનિક વ્યવસ્થાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ

Spread the love


આઈ-ખેડૂત પોર્ટલ પર અત્યાર સુધીમાં ૬૦.૩૩ લાખથી વધુ ખેડૂતોએ યોજનાકીય સહાય માટે ૧.૪૨ કરોડથી વધુ અરજીઓ કરી

ગાંધીનગરઃ ભારતરત્ન અને દેશના પૂર્વ વડા પ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે દર વર્ષે ૨૫ ડિસેમ્બરના રોજ “સુશાસન દિવસ” ઉજવવામાં આવે છે. ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની વિકાસ યાત્રાને વેગવંતી બનાવવા રાજ્યમાં સુશાસનિક માળખાનો મજબૂત પાયો નાખ્યો હતો. આજે એ જ કાર્યપ્રણાલીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ મક્કમતાથી આગળ ધપાવી રહ્યા છે.
2014માં શરુ કરેલી યોજના ખેડૂતો માટે લાભદાયી નિવડી
ગ્રામીણ વિસ્તારના નાગરિકોને લઘુત્તમ પ્રયત્નોથી સરકારની સેવા અને યોજનાકીય લાભો મહત્તમ રીતે મળી રહે એ જ સુશાસન છે. ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૪માં શરૂ કરેલી આઈ-ખેડૂત પોર્ટલની સુદ્રઢ સુશાસનિક વ્યવસ્થા એ સુશાસનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ટેકનોલોજીના કાર્યક્ષમ ઉપયોગથી ખેડૂતોને સંપૂર્ણ પારદર્શિતા, સરળતા અને ઝડપથી વિવિધ કૃષિલક્ષી યોજનાના લાભ મળી રહે તે માટે રાજ્ય સરકારે આઈ-ખેડૂત પોર્ટલનો નવતર અભિગમ અપનાવ્યો હતો.
તમામ સહાયનું ચૂકવણું પોર્ટલના માધ્યમથી કરવાનો દાવો
આજે ગુજરાત સરકારની કૃષિ, બાગાયત, પશુપાલન અને મત્સ્યપાલન સંબંધિત તમામ યોજનાઓનો અમલ અને સહાય ચૂકવણું આઈ-ખેડૂત પોર્ટલના માધ્યમથી થઈ રહ્યો છે. પરિણામે ખેડૂતોને અનેક કૃષિલક્ષી યોજનાઓના લાભ ઘરે બેઠા, આંગળીના ટેરવે જ મળી રહ્યા છે. પોર્ટલ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં રાજ્યના ૬૦.૩૩ લાખથી વધુ ખેડૂતો દ્વારા વિવિધ યોજનાકીય લાભો મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર કુલ ૧.૪૨ કરોડથી વધુ અરજીઓ કરવામાં આવી છે.
3,948 કરોડની સહાય ખેડૂતોની ચૂકવણી કરવામાં આવી
આટલું જ નહીં, આ ૬૦.૩૩ લાખ ખેડૂતોને અત્યાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજના હેઠળ કુલ રૂ. ૩૯૪૮ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે, એ પણ સીધી તેમના બેંક ખાતામાં. માત્ર વર્ષ ૨૦૨૩-૨૪માં જ આશરે ૨.૧૫ લાખ ખેડૂતોને વિવિધ યોજના હેઠળ કુલ રૂ. ૬૪૦ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. આટલી માતબર સંખ્યામાં ખેડૂતો દ્વારા કરવામાં આવતી ઓનલાઈન અરજીઓ જ આઈ-ખેડૂત પોર્ટલની સ્વીકૃતિ પૂરવાર કરે છે.
ગુજરાતને વિકાસનું રોલ મોડલ બનાવ્યું
અટલ બિહારી વાજપેયીએ આપેલી સુશાસનની પ્રેરણાથી હાલના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ “Less Government, More Governance”ને મૂળ કાર્યમંત્ર બનાવી, ગુજરાતને દેશમાં વિકાસનું રોલ મોડલ બનાવ્યું છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ આજે ગુજરાત સરકારે સુશાસનને તેની કાર્યસંસ્કૃતિમાં ઉતાર્યું છે અને નાનામાં નાના માનવીને કોઇ તકલીફ ના પડે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ જેવી અનેક સુશાસનિક વ્યવસ્થાઓનું નિર્માણ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!