July 1, 2025
ગુજરાતટોપ ન્યુઝ

ઈફકોની ૫૦ વર્ષની ગૌરવયાત્રા ખેતીવાડી અને ખેડૂતોની સમૃદ્ધિને સમર્પિત રહી: અમિત શાહ

Spread the love

ગાંધીનગરઃ વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના માતૃ એકમ તેમ જ સૌપ્રથમ યુરિયા નિર્માણ સંકુલની સુવર્ણ જયંતીની ઉજવણી નિમિત્તે ઇફકો-કલોલ ખાતે યોજાયેલા સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ઇફકોના નવા “બીજ સંશોધન કેન્દ્ર”નો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્ય મંત્રી મંડળના સભ્યો અને સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ઈફકો-કલોલની સ્વર્ણિમ જયંતી નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, ઈફકોની ૫૦ વર્ષની ગૌરવયાત્રા ખેતી, ઉત્પાદન, ગ્રામીણ અર્થતંત્ર અને ખેડૂતોની સમૃદ્ધિને સમર્પિત રહી છે. આ ઉદ્દેશોને જાળવી રાખીને હવે શતાબ્દી તરફની ઇફકોની સફળ કૂચમાં આધુનિક ખેત પદ્ધતિ, ખેત ઉત્પાદન વૃદ્ધિ, જમીન અને પર્યાવરણ સંરક્ષણ જેવા નવા ચાર પહેલુઓને જોડીને પ્રગતિ ગાથા આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા શાહે વ્યક્ત કરી હતી. ઈફકોએ ખેડૂતોને સહકારિતા સાથે અને સહકારિતાને ખાતર સાથે જોડીને ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે એક વિશેષ પહેલ કરી હતી. જેના પરિણામે આજે ખેતી સમૃદ્ધ અને ખેડૂતો આત્મનિર્ભર બન્યા છે.

સહકારિતા ક્ષેત્રે ઈફકો સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે
ઈફકોએ ખેડૂતોના ખેતરો સુધીની પહોંચ વધારીને લેબોરેટરીના પ્રયોગોને લેન્ડ સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું છે. ઈફકોની ભાવના હરહંમેશથી જ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટના કાર્ય થકી ખેડૂતોને મદદરૂપ થવાની રહી છે. ઈફકો એક સહકારી ક્ષેત્ર હોવા છતાં, તેણે કોર્પોરેટ ક્ષેત્રની જેમ કુશળ પરિણામ મળે તે રીતે કાર્ય કર્યું છે. એટલા માટે જ, આજે પણ સહકારિતા ક્ષેત્રે ઈફકો સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે,
વડા પ્રધાન મોદીએ સામાજિક જીવનના દરેક ક્ષેત્ર માટે અનેકવિધ વિશેષ પહેલો કરીને રાષ્ટ્ર વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. આ સંદર્ભે કેન્દ્રીય સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતમાં સહકારિતા ચળવળને વેગ આપવા માટે વડા પ્રધાન મોદીએ અલાયદા સહકારી મંત્રાલયની સ્થાપના કરી છે. સાથે જ, સહકારી માળખાને વધુ સુદ્રઢ બનાવવા માટે ૬૫ જેટલા મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.

‘ત્રિભુવનદાસ સહકારી યુનિવર્સિટી’ની સ્થાપનાનો નિર્ણય
તે જ દિશામાં આગળ વધતાં ગુજરાતનાં સહકારી અગ્રણી ત્રિભુવનદાસ પટેલે સહકારી ક્ષેત્ર માટે આપેલા અભૂતપૂર્વ યોગદાનને આવનારી પેઢી પણ યાદ રાખે તે ઉદ્દેશથી દેશની સૌ પ્રથમ સહકારી યુનિવર્સિટી તેમના જ નામે ‘ત્રિભુવનદાસ સહકારી યુનિવર્સિટી’ની સ્થાપનાનો નિર્ણય કર્યો છે. આ યુનિવર્સિટી સહકારીતાના દરેક ક્ષેત્રનું શિક્ષણ અપાશે. સાથે જ, દેશની સહકારીતા પ્રગતિને AI જેવી આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી અનેક વિશ્લેષણો અને તારણોના આધારે આવતા ૫૦ વર્ષમાં સહકારિતા ક્ષેત્રે પ્રગતિની દિશા નક્કી કરવાનું કામ પણ આ યુનિવર્સિટી કરશે.

ઈફ્કોનું વાર્ષિક ટર્નઓવર 40,000 કરોડ રુપિયા
આજે ઈફકો ત્રણ રાજ્યોમાં પાંચ સ્થળોએ કાર્યરત છે, જેનું વાર્ષિક ટર્નઓવર રૂ. ૪૦,૦૦૦ કરોડ અને નફો રૂ. ૩,૨૦૦ કરોડનો છે. આ આંકડા ૫૦ વર્ષની સતત મહેનત અને પરિવર્તનના સાક્ષી છે. આગામી સમયમાં આ બીજ અનુસંધાન કેન્દ્ર ફળદ્રુપ બીજોનું સંવર્ધન કરશે અને ઉચ્ચ ગુણવત્તાના બીજોની રક્ષા કરશે. જે આવનારા સમયમાં ખેડૂતોની સમૃદ્ધિનું મોટું કારણ બનશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

ખાદ્યાન્ન ક્ષેત્રમાં આત્મનિર્ભરનો તો ઉદ્દેશ હતો
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, દેશના ખેડૂતોને પૂરતું ખાતર મળી રહે અને ભારત ખાદ્યાન્નના ક્ષેત્રમાં આત્મનિર્ભર બને તેવા ઉદ્દેશ્ય સાથે ઇફ્કોની શરૂઆત થઈ હતી અને ૧૯૭૫માં કલોલના પહેલા પ્લાંટ દ્વારા ઉત્પાદનની શરૂઆત થઈ હતી. તેમણે કહ્યું કે, માત્ર 57 મંડળી સાથે શરૂ થયેલી ઇફ્કોની આ યાત્રામાં આજે 36,000થી પણ વધુ સહકારી મંડળીઓ જોડાઇ છે અને ખેડૂતોને બીજથી લઈ બજાર સુધી સરકારની અનેક યોજનાઓ સાથ આપે છે. ૧૯૬૭માં ૫૭ ખેડૂત સહકારી મંડળીઓ સાથે IFFCOની સ્થાપના થઈ ત્યારે પ્રથમ ચેરમેન તરીકે પોરબંદરના યુવરાજ ઉદયભાણ સિંહજી હતા તેનો ઉલ્લેખ પણ મુખ્યમંત્રીએ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!