સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ: દીકરીને જરુર અપાવો HPV રસી
ગુજરાત સરકારનું અભિયાન: અફવાઓથી દૂર રહી ૧૪ વર્ષની દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપીએ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના અજમેરથી દેશવ્યાપી HPV રસીકરણ અભિયાનનો ૨૮મી ફેબ્રુઆરીના રોજ પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયાની ઉપસ્થિતિમાં અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતેથી રાજ્યવ્યાપી HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગર્ભાશયના મુખના કેન્સર (Cervical Cancer) સામે લડવા માટેની આ રસી અંગે ફેલાવવામાં આવતી નકારાત્મક ટિપ્પણીઓ અને અફવાઓને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI)ના નિષ્ણાત તબીબોએ પાયાવિહોણી ગણાવી છે. આ રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે અને દીકરીઓને જીવલેણ કેન્સરથી બચાવવા માટે અનિવાર્ય હોવાનું તબીબોએ ભારપૂર્વક જણાવ્યું છે.
નિષ્ણાત તબીબોનો અભિપ્રાય: રસી શા માટે જરૂરી?
ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના તબીબોના જણાવ્યા મુજબ, ભારતમાં મહિલાઓમાં થતા કેન્સરમાં ગર્ભાશયના મુખનું કેન્સર બીજા ક્રમે છે. વર્ષ ૨૦૨૨ના આંકડા અનુસાર, દેશમાં અંદાજે ૧,૨૭,૫૨૬ નવા કેસ અને ૭૯,૯૦૬ મૃત્યુ નોંધાયા હતા, જ્યારે ગુજરાતમાં ૪૯૨૮ નવા કેસ અને ૧૭૮૧ મૃત્યુ નોંધાયા હતા.
આ કેન્સર માટે મુખ્યત્વે HPV 16 અને 18 પ્રકારના વાયરસ જવાબદાર છે. ૧૪ વર્ષની વયે આપવામાં આવતી આ રસી આ વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિ વિકસાવવામાં સૌથી વધુ અસરકારક સાબિત થાય છે. HPV ચેપ લાંબા સમય સુધી રહે તો તે ‘Cervical Intraepithelial Neoplasia (CIN)’ માં પરિવર્તિત થઈ શકે છે, જે ૧૦ થી ૨૦ વર્ષમાં આક્રમક કેન્સરમાં ફેરવાય છે.
આ લાંબો સમયગાળો પ્રાથમિક નિવારણ માટે સોનેરી તક પૂરી પાડે છે, તેથી કિશોરી અવસ્થામાં ચેપ લાગે તે પહેલા રસી આપવી એ સર્વોત્તમ રક્ષણ છે.
વિશ્વસનીયતાના વૈજ્ઞાનિક પુરાવા
તબીબોએ આ રસીની સુરક્ષા અંગે વૈશ્વિક પુરાવાઓ ટાંકતા જણાવ્યું છે કે:
. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ની ગ્લોબલ એડવાઈઝરી કમિટી (GACVS) એ સ્પષ્ટ કર્યું છે કે HPV રસી અને વંધ્યત્વ અથવા અન્ય ગંભીર આડઅસરો વચ્ચે કોઈ જ કારણભૂત સંબંધ નથી.
. આ રસીને અમેરિકાની FDA (Food and Drug Administration) અને CDC જેવી વિશ્વની પ્રતિષ્ઠિત સંસ્થાઓએ પણ મંજૂરી આપી છે.
. ભારતમાં ICMR (Indian Council of Medical Research) અને NTAGI દ્વારા HPV રસીના સમાવેશને પૂર્ણ સમર્થન આપવામાં આવ્યું છે.
. અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા, યુનાઇટેડ કિંગડમ અને કેનેડા સહિત વિશ્વના ૧૦૦થી વધુ દેશોએ આ રસીને પોતાના રાષ્ટ્રીય કાર્યક્રમમાં સામેલ કરી છે.
. ઓસ્ટ્રેલિયામાં ૨૦૦૭થી શરૂ થયેલા કાર્યક્રમ બાદ HPV ચેપ અને ઉંચી કક્ષાના ગર્ભાશયના મુખના ઘાવમાં ૯૦% સુધીનો ઘટાડો નોંધાયો છે.
. યુકેમાં ૧૨-૧૩ વર્ષની વયે રસી લેનાર યુવતીઓમાં કેન્સરનું પ્રમાણ ૮૭% સુધી ઘટ્યું હોવાનું સંશોધનોમાં સાબિત થયું છે.
રાજ્ય સરકારની મજબૂત તૈયારી અને સુરક્ષા વ્યવસ્થા
આ અભિયાન અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા અંદાજે ૫.૫૦ લાખ કિશોરીઓને રસી આપવાનું લક્ષ્ય છે. નિઃશુલ્ક રસીકરણ: બજારમાં એક ડોઝની કિંમત રૂ. ૩,૦૦૦ હોવા છતાં, સરકાર રૂ. ૧૫૦ કરોડના ખર્ચે આ રસી વિનામૂલ્યે આપી રહી છે.
આરોગ્ય વિભાગ અને નિષ્ણાત તબીબો વાલીઓને અપીલ કરે છે કે, અફવાઓથી ગેરમાર્ગે દોરાયા વગર પોતાની ૧૪ વર્ષની દીકરીને આ રસી અવશ્ય અપાવે. આ રસી એ ભવિષ્યમાં કેન્સર જેવી જીવલેણ બીમારી સામે દીકરીનું ‘રક્ષક કવચ’ છે. સર્વાઇકલ કેન્સરથી દીકરીને બચાવીએ, સમયસર HPV રસી મુકાવીએ.
