બાળકોમાં મોબાઈલનું વળગણ કેવી રીતે છોડાવવું? જાણો અસરકારક ટિપ્સ
મોબાઈલના વધુ પડતા ઉપયોગથી થતી શારીરિક અને માનસિક અસરો અને તેને દૂર કરવાના સરળ ઉપાયો
આજના સમયમાં મોબાઈલનો ઉપયોગ કરવાનું સામાન્ય બની ગયું છે. બાળકો માટે રમવાનું સાધન છે, જ્યારે વૃદ્ધો માટે ટાઈમ પાસનું, જ્યારે યુવાનો પણ બાકાત નથી, પણ સૌથી વધુ અસર બાળકોમાં ઘર કરી રહી છે, જેનાથી તેમના આરોગ્ય અને માનસ પર પણ અસર પડી શકે છે. બાળકોમાં વધુ પડતા મોબાઈલના ઉપયોગથી ચિડિયાપણુ અથવા તણાવમાં પણ વધારો થાય છે. આદત ધીમે ધીમે કુટેવમાં પરિણમી ગયા પછી વધુ મુશ્કેલી ઊભી થાય છે. મોબાઈલના વધુ પડતા ઉપયોગથી બાળકોની ધ્યાન ક્ષમતા, ઊંઘ અધૂરી રહે છે તેમ જ માનસિક આરોગ્ય પર પણ ગંભીર જોખમો ઊભા થાય છે.
બાળકો જ નહીં, પરંતુ દરેક વ્યક્તિ માટે મોબાઈલના વધુ પડતા ઉપયોગને દૂર કરવાનું જરુરી છે. જેના પર કઈ રીતે કંટ્રોલ કરી શકાય એની વિસ્તૃતમાં વાત કરીએ. મોબાઈલની આદતને દૂર કરવા માટે માતાપિતાએ સૌથી પહેલા બાળક સાથે સાચી રીતે સમજાવવું અથવા વાત પણ કરી શકો છો.
પરિવારમાં વડીલોએ પણ મોબાઈલના ઉપયોગ માટે એક મર્યાદા અથવા એક ટાઈમલાઈન નક્કી કરવી જોઈએ. બાળકોને સમજાવવું જોઈએ કે મોબાઈલથી તમારી નવું જાણવાની જિજ્ઞાસા સંતોષાય છે.
સૌથી મહત્ત્વની વાત એ કે માતાપિતાએ સૌથી પહેલા મોબાઈલનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ, જેથી બાળકો પણ એ વાત સમજી શકે. ધીમે ધીમે બાળકો મોબાઈલનો ઓછો ઉપયોગ કરે એનું પણ ધ્યાન રાખવું, જ્યારે તમારી વાતનું ધ્યાન રાખે તો તેની પણ પ્રશંસા કરો. જાહેરમાં શાબાશી પણ આપો, તેમાંય વળી જ્યારે ઓછો મોબાઈલનો ઉપયોગ કરે તો પ્રોત્સાહન આપવાનું રાખો.
વધારે પડતા મોબાઈલના ઉપયોગથી શારીરિક અને માનસિક સમસ્યા ઊભી થાય છે. લાંબા સમય સુધી મોબાઈલ સ્ક્રીન જોવાથી આંખોમાં થાક લાગે એટલે આંખો બળવા લાગે, ધૂંધળું દેખાવું અને માથામાં પણ દુખાવો થાય છે. એના સિવાય ઓછી ઊંઘ, ચિડિયાપણું અને ફોક્સ કરવાની ક્ષમતામાં પણ ઘટાડો થાય છે, જે બાળકો જ નહીં, પરિવારની કોઈ પણ વ્યક્તિને લાગુ પડે છે.
મોબાઈલનો શક્ય એટલો ઓછો ઉપયોગ કરે એના માટે ટાઈમલિમિટ નક્કી કરો. બાળકોને બહાર રમવા માટે પ્રોત્સાહન આપો. શારીરિક એક્ટિવિટી માટે પણ પ્રેરણા આપો. રાતના સૂતી વખતે શક્ય એટલા મોબાઈલનો વપરાશ કરશો નહીં. બાળકો સાથે સમય વિતાવો યા પરિવારની અન્ય વ્યક્તિને પણ સમય આપો. મોબાઈલના ઉપયોગ માટે નિયમ બનાવો અને તેનું પાલન પણ કરો.
