હેલ્થ ટિપઃ પુરુષોની તુલનામાં મહિલાઓ વધુ ઊંઘે છે, શા માટે?
ઊંઘ દરેક લોકોના માટે જરુરી છે. તંદુરસ્ત આરોગ્યની નિશાની સૌથી પહેલી શ્રેષ્ઠ ઊંઘ છે. માનવ શરીર માટે જેટલી ખાણીપીણી જરુરી છે, એટલી જ ઊંઘ જરુરી છે. તમે ક્યારેય વિચાર્યું છે કે મહિલાઓ અને પુરુષોની ઊંઘની જરુરિયાત અલગ અલગ હોય શકે છે. માનવીનું શરીર સંપૂર્ણ રીતે પરફેક્ટ છે, જે વિના કોઈ મદદ પોતાના શરીરને મજબૂત રાખે છે. શરીરના કચરાને પણ દૂર કરવાનું શરીર કરે છે અને આ કામ પણ ખાસ કરીને વ્યક્તિ જ્યારે સૂતી હોય ત્યારે કરે છે. એ વખતે માનવીના ગ્રોથ હોર્મોન પણ સૌથી વધુ એક્ટિવ રહે છે. જોકે, પુરુષોની તુલનામાં મહિલાઓને વિશેષ ઊંઘની જરુર પડે છે શા માટે તો એની વિગતે વાત કરીએ.
મહિલાઓ અને પુરુષોના સૂવાના હોય છે અલગ ટાઈમ
નિષ્ણાતોના જણાવ્યા મુજબ મેન્ટલ, ફિઝિકલ અને ઈમોશનલ રીતે તંદુરસ્ત રહેવા માટે ભરપૂર ઊંઘ લેવાનું જરુરી છે. મોટા ભાગના લોકો ફોન પર સૌથી વધુ સમય પસાર કરતા હોય છે, જ્યારે તેની અસર વ્યક્તિની ઊંઘ પર પડે છે. પુરુષોની તુલનામાં મહિલાઓને સૌથી વધુ ઊંઘવાની જરુર પડે છે, પરંતુ શા માટે અને કેટલા સમય સૂવું જોઈએ એની વાત કરીએ.
પુરુષોની તુલનામાં મહિલાઓ વધુ ઊર્જાનો કરે છે ખર્ચ
અ સોસાયટી ફોર વુમન હેલ્થ રિસર્ચના રિપોર્ટ નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનમાં મહત્ત્વની વાત જણાવી છે, જેમાં જણાવ્યા મુજબ પુરુષો અને મહિલાઓએ અલગ અલગ સૂવાના કલાકો છે. બંનેના માટે સૂવાના અલગ અલગ સમય હોવો જોઈએ. નેશનલ સ્લીપ ફાઉન્ડેશન અને ડ્યુક યુનિવર્સિટીના સ્ટડી અનુસાર મહિલાઓ પુરુષોની તુલનામાં વધુ ઊર્જા ખર્ચ કરે છે, તેનાથી તેના બ્રેનને વધુ રિકવરી ટાઈમ અર્થાત વધુ ઊંઘવાનું જરુરી બને છે.
મહિલાઓ એક જ સમયે વધુ કામ કરવાની ધરાવે છે ક્ષમતા
બ્રિટિશ જર્નલ ઓફ સ્પોર્ટસ મેડિસિનના એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ મહિલાઓનું મગજ વધુ જટીલ અને એક જ વખતે એક કરતા અનેક કામ કરવા માટે ક્ષમતા ધરાવે છે. એનો અર્થે એ પણ થાય છે કે મહિલાઓ પુરુષોની તુલનામાં વધુ મહેનત કરે છે અને તેને આરામ આપવા માટે વધુ ઊંઘની એટલે રેસ્ટની જરુર પડે છે. મહિલાઓના શરીરમાં મેન્સ્ટ્રુઅલ સાયકલ અને મેનોપોઝને કારણે હાર્મોનલનો ઉતાર-ચઢાવ પણ વધારે રહે છે.
મહિલા અને પુરુષોની ઊંઘ વચ્ચે શું હોય છે ડિસ્ટન્સ?
મહિલાઓ પુરુષોની તુલનામાં વધુ ગાઢ ઊંઘ લઈ શકે છે, જેનાથી બોડી અને બ્રેઈન વધુ રિચાર્જ થાય છે, પરંતુ વારંવાર ઊંઘ તૂટવાનું પ્રમાણ વધુ રહે છે. મહિલાઓની સરેરાશ ઊંઘ 7.5 કલાકથી નવ કલાક છે, જ્યારે પુરુષોની ઊંઘ સાતથી આઠ કલાક પર્યાપ્ત માનવામાં આવે છે. રેપિડ આઈ મૂવમેન્ટ એટલે મહિલાઓ વધુ ઊંઘે છે, જે ડ્રિમિંગ અને મેમરી બુસ્ટિંગ માટે જરુરી છે. એની સામે મહિલાઓને ઈનસોમેનિયા (ઉંઘ નહીં આવવાની સમસ્યા)ની સમસ્યા પુરુષોની તુલનામાં 40 ટકા વધુ હોય છે. એને કારણે હોર્મોનલ ચેન્જિંગ, તણાવ રહે છે.