પહલગામ હુમલામાં સામેલ આતંવાદીઓના ઘરનો કરાયો સફાયો, પાકિસ્તાનનું કનેક્શન જાણો?
પહલગામ હુમલામાં સામેલ સ્થાનિક આતંકવાદી આદિલ હુસૈન થોકરના અનંતનાગ જિલ્લાના બિજબહેરા સ્થિત ગોરી વિસ્તારમાં આવેલા ઘરનો સુરક્ષા દળોએ સફાયો કર્યો તો, જ્યારે આદિલ થોકર ઉર્ફે આદિલ ગુરી તરીકે ઓળખાતા આતંકવાદી પહલગામની બૈસરન ઘાટીમાં 22 એપ્રિલના હુમલાની યોજના અને પાકિસ્તાની આતંકવાદીઓને મદદ કરવાનો આરોપ હતો. આ ઉપરાંત હુમલામા સામેલ બીજા આતંકવાદી આસિફ શેખના ત્રાલ સ્થિત જમ્મુ કાશ્મીર પ્રશાસને બુલડોઝર ફેરવ્યું હતું. પહલગામના હુમલામાં લશ્કરના ડેપ્યુટી ચીફ સૈફલ્લાહ કુસરીએ પાંચ આતંકવાદીઓને તૈયાર કર્યા હોવાનું કહેવાય છે, જ્યારે હુમલાની ફેબ્રુઆરીમાં યોજના ઘડી કાઢવામાં આવી હતી.
આસીફનું ઘર બોમ્બથી ધ્વંસ્ત કર્યું
22 એપ્રિલના ચાર આતંકવાદીઓના એક જૂથે જમ્મુ કાશ્મીરના પહલગામમાં પર્યટકોની વચ્ચે જઈને હિંદુઓને નિશાન બનાવ્યા હતા, જેમાં 28 લોકોના જીવ ગયા હતા. મોટા ભાગના પર્યટકો કાશ્મીર ફરવા આવ્યા હતા. આતંકવાદીઓને મદદ કરવામાં બિજબેહરાનો રહેવાસી આદિલ હુસૈન થોકર અને ત્રાલનો રહેવાસી આસિફ શેખ તરીકે કરી છે. આસિફના ઘરે સીઆરપીએફ તપાસ કરતા બોક્સમાંથી તાર અને બેટરી મળી આવી હતી. એને કંટ્રોલ એક્સ્પ્લોઝન સાથે ડિફ્યુઝ કરવામાં આવ્યો હતો એ વખતે વિસ્ફોટ થયો હતો. આસીફનું ઘર બોમ્બમાં ધ્વંસ્ત થયું છે. સમગ્ર વિસ્તારને ખાલી કરવાથી કોઈ જાનહાનિ થઈ નથી.
આદિલ ગયા વર્ષે પાકિસ્તાનથી પરત ફર્યો હતો
આર્મીના સૂત્રો અનુસાર 2018માં આદિલે અટારી-વાઘા બોર્ડર મારફત પાકિસ્તાન જઈ આવ્યો હતો. પોતાના પાકિસ્તાન પ્રવાસ વખતે તેને ટેરર કેમ્પમાં તાલીમ લીધી હતી, ત્યાર બાદ ગયા વર્ષે જમ્મુ કાશ્મીર પરત ફર્યો હતો. પહલગામ હુમલાના અમુક સાક્ષીઓએ જણાવ્યું હતું કે કેટલાક આતંકવાદીઓ અંદરોઅંદર પશ્તુન ભાષામાં વાતચીત કરતા હતા. હુમલામાં સામેલ તમામ આતંકવાદી પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના છે. આ હુમલાની જવાબદારી ધ રેઝિસ્ટંસ ફ્રન્ટ (ટીઆરએફ)એ લીધી છે.
ફેબ્રુઆરીમાં પહલગામ હુમલાની યોજના ઘડી
પહલગામ હુમલાની યોજના ફેબ્રુઆરીમાં કરવામાં આવી હતી. લશ્કરના ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહના ઓર્ડર પછી યોજના ઘડી હતી. આતંકવાદીઓએ પહેલી મીટિંગ ફેબ્રુઆરીમાં કરી એના પછી માર્ચ મહિનામાં મીરપુર યોજી હતી, જે મીટિંગમાં સૈફુલ્લાહ સાથે અબુ મુસા, ઈતરીસ શાહીન, મોહમ્મદ નવાજ, અબ્દુલ રફા રસૂલ અને અબ્દુલ્લાહ ખાલીદ સામેલ હતા, જ્યારે સૈફુલ્લાહને આઈએસઆઈનો આદેશ મળ્યો હતો. 18 એપ્રિલના રાવલકોટમાં આયોજિત એક કાર્યકમનો એક વીડિયો પણ મળ્યો છે, જેમાં સૈફુલ્લાહની સાથે પાંચ આતંકવાદી જોવા મળ્યા હતા, જેમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું. ઉપરાત, માર્ચમાં જૈશ-એ-મોહમ્મદના બહાવલપુર સ્થિત હેડક્વાર્ટર પહોંચ્યા હતા, જ્યાં કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવાની યોજના ઘડી હતી.
આઈબીના અધિકારીનું હુમલામાં થયું હતું મોત
એવું પણ માનવામાં આવે છે કે આતંકવાદીઓ થોડા સમય પહેલા જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરી કરીને આવ્યા હતા અને વડા પ્રધાન મોદીની કટરા યાત્રા વખતે હુમલો કરવાની હતી, પરંતુ અમુક કારણસર એને રદ્દ કરવામાં આવી હતી. અહીં એ જણાવવાનું કે ઈન્ટેલિજન્સ બ્યુરોનો એક કર્મચારી પણ પરિવાર સાથે અહીં ફરવા આવ્યો ત્યારે તેને પણ મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો.
એલઓસી પર ભારત-પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ ચાલુ
બૈસરન ઘાટીના ઘાસના મેદાનમાંથી આતંકવાદીઓ પ્રવેશ્યા હતા, જેને મેગી પોઈન્ટ અથવા મિનિ સ્વિટર્ઝલેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. આતંકવાદીઓ બોડી કેમેરા, એકે-47 બંદૂકથી સજ્જ હતા, જ્યારે ઘટનાસ્થળેથી મળેલા કારતૂસ પરથી જાણવા મળ્યું છે કે સ્ટીલ બુલેટનો ઉપયોગ કર્યો હતો. પંદર મિનિટ સુધી આતંકવાદીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. પહલગામ હુમલા પછી ભારતે પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો મૂક્યા છે, ત્યારબાદ મોડી રાતના પાકિસ્તાને એલઓસી ફાયરિંગ કર્યું હતું, જેનો જવાબ ભારતીય આર્મીએ પણ આપ્યો હતો. ભારતે સિંધુ સંધિને રોક્યા પછી પાકિસ્તાને એ નિર્ણયને યુદ્ધ બરાબર ગણાવ્યો હતો, જ્યારે પાકિસ્તાને પોતાની એર સ્પેસ રોકી લીધી હતી, જેથી હાલના તબક્કે બંને દેશના સંબંધો વધુ વણસ્યા છે.
