February 28, 2026
વાંચન વૈવિધ્યમ

શું તમે જાણો છો કે ATM મશીન બનાવવાનો આઈડિયા ચોકલેટ મશીન પરથી આવ્યો હતો?

Spread the love

આજના ડિજિટલ યુગમાં ગમે ત્યારે અને ગમે ત્યાંથી પૈસા ઉપાડવા માટે આપણે એટીએમ એટલે કે ઓટોમેટેડ ટેલેર મશીનનો ઉપયોગ કરીએ છીએ. બેંકની લાંબી લાંબી લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ અપાવનાર આ મશીનનો ઈતિહાસ ઘણો જ રસપ્રદ છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ક્રાંતિકારી મશીનનો વિચાર કોને આવ્યો હતો અને પહેલું એટીએમ ક્યારે શરૂ થયું હતું? તમારા આ તમારા સવાલોના જવાબ તમને આ સ્ટોરીમાં મળી જશે, પણ એ માટે તમારે આ સ્ટોરી છેલ્લે સુધી વાંચી જવી પડશે.

એટીએમના જનક જોન શેપર્ડ બેરન
દુનિયાનું પહેલું ATM બનાવવાનો શ્રેય બ્રિટિશ ઈજનેર જોન શેપર્ડ બેરન (John Shepherd-Barron)ને જાય છે, કારણ કે જો તેઓ ના હોત તો કદાચ એટીએમની શોધ ના થઈ હોત. રસપ્રદ વાત તો એ છે કે, જોન શેપર્ડ બેરનનો જન્મ ભારતના મેઘાલય રાજ્યના શિલોંગમાં જ થયો હતો. તેમને આ મશીન બનાવવાનો વિચાર ત્યારે આવ્યો જ્યારે એકવાર તેઓ બેંક પહોંચ્યા અને બેંક બંધ થઈ ગઈ હોવાથી પૈસા ઉપાડી શક્યા નહીં.

ચોકલેટ વેન્ડિંગ મશીન પરથી આવ્યો આઈડિયા
જોન શેપર્ડ બેરને વિચાર્યું કે જો કોઈ મશીન ચોકલેટ આપી શકે છે, તો તે પૈસા કેમ ન આપી શકે? બસ આ સવાલના જવાબમાં જ આવિષ્કાર થયો એટીએમનો. જોન શેપર્ડ બેરને આ કલ્પના પરથી ATMની ડિઝાઈન તૈયાર કરી હતી. 27મી જુન, 1967ના લંડનની બાર્કલેઝ બેંક (Barclays Bank)ની એક બ્રાન્ચમાં દુનિયાનું પહેલું એટીએમ લગાવવામાં આવ્યું હતું.

6 ડિજિટનો પિન કઈ રીતે 4 ડિજિટ બન્યું?
તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ આ હકીકત છે. આજે આપણે જે 4 ડિજિટનો પિન નાખીએ છીએ તે શરૂઆતમાં છ ડિજિટનો હતો. જોન શેપર્ડ બેરને એટીએમ માટે 6 ડિજિટનો પિન રાખવાનું નક્કી કર્યું હતું. પરંતુ જ્યારે તેમણે તેમની પત્ની ‘કેરોલિન’ ને આ વિશે પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે તેને 6 ડિજિટ યાદ રાખવામાં તકલીફ પડે છે અને તે 4 ડિજિટનો પિન સરળતાથી યાદ રાખી શકાય એમ છે. બસ, આ જ કારણથી આજે આખી દુનિયામાં 4 ડિજિટનો એટીએમ પિન સૌથી વધુ પ્રચલિત છે.

ભારતમાં પહેલું ATM ક્યારે આવ્યું?
વાત કરીએ ભારતમાં એટીએમ મશીન ક્યારે આવ્યું એની તો, આપણે ત્યાં દેશનું પહેલું એટીએમ 1987માં મુંબઈમાં એચએસબીસી બેંક દ્વારા લગાવવામાં આવ્યું હતું. બસ ત્યારથી લઈને અત્યાર સુધી ભારતમાં બેંકિંગ સેવામાં આ મશીને ક્રાંતિ લાવી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!