December 19, 2025
ગુજરાત

કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી

Spread the love

• રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૮૪ ટકાથી વધુ નોંધાયો

• માછીમારોને આગામી તા. ૨૮ ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા માટે સૂચન

ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા ૪૮ કલાક દરમિયાન મૂશળધાર વરસાદ વરસ્યો છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના અનેક વિસ્તારો સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જ્યારે, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આવતીકાલે છૂટા-છવાયા સ્થળોએ ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેને ધ્યાને લઈને રાજ્યના માછીમારોને આગામી તા. ૨૮ ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૮૪ ટકાથી વધુ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ, રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૮૪ ટકાથી વધુ નોંધાયો છે. છેલ્લાં ૨૪ કલાક દરમિયાન છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૪ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ૩.૯૦ ઈંચ, સાબરકાંઠાના ઈડરમાં ૩.૮૬ ઈંચ, તાપીના વ્યારામાં ૩.૫૪ ઈંચ તથા વડોદરા જિલ્લાના ડભોઈમાં ૩.૧૫ ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત આજે સવારે ૬ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધીમાં માત્ર ૪ કલાકમાં જ મહિસાગર જિલ્લાના બાલાસીનોર તાલુકામાં તથા સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં ૨.૧૩ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

સરદાર સરોવર ડેમમાં હાલ ૨,૮૩,૪૩૧ MCFT જળસંગ્રહ
રાજ્યના ડેમની સ્થિતી અંગે વાત કરીએ તો, રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદીના સરદાર સરોવર ડેમમાં હાલ ૨,૮૩,૪૩૧ MCFT જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમ હાલ ૮૪ ટકાથી વધુ ભરાયો છે. સરદાર સરોવર સિવાયના રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૪,૩૬,૧૩૫ MCFT જળસંગ્રહ થયો છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના ૭૮.૧૮ ટકા છે. રાજ્યમાં હાલ ૬૭ ડેમ ૧૦૦ ટકાથી વધુ અને ૨૭ ડેમ ૯૦ ટકાથી ૧૦૦ ટકા ભરાતા કુલ ૯૪ ડેમને હાઈ એલર્ટ, ૨૭ ડેમ ૮૦ ટકાથી ૯૦ ટકા ભરાતા એલર્ટ તથા ૧૯ ડેમને વોર્નીગ આપવામાં આવી છે.

સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતમાં પડ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ ૮૪ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના વિવિધ ઝોનમાં ચાલુ વર્ષે વરસેલા વરસાદની દ્રષ્ટીએ અત્યાર સુધીમાં સૌથી વધુ ઉત્તર ગુજરાત ઝોનમાં ૮૭.૪૩ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૮૬.૪૧ ટકાથી વધુ, કચ્છ ઝોનમાં ૮૫.૦૮ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૮૩.૫૧ ટકા તેમજ પૂર્વ મધ્ય ઝોનમાં સૌથી ઓછો ૭૯.૦૮ ટકા જેટલો વરસાદ નોંધાયો છે.

NDRFની ૧૨ ટુકડી અને SDRFની ૨૦ ટુકડી વિવિધ જિલ્લામાં તહેનાત
ચોમાસાની કોઇપણ સંભવિત કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરા આયોજનના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા NDRFની ૧૨ ટુકડીઓ અને SDRFની ૨૦ ટુકડીઓ વિવિધ જિલ્લામાં ડીપ્લોય કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન આપાતકાલીન પરિસ્થિતિ ધરાવતા સ્થળો ખાતેથી સુરક્ષાના ભાગરૂપે કુલ ૫,૧૯૧ નાગરિકોનું સ્થળાંતર અને ૯૬૬ નાગરિકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!