February 12, 2026
મહારાષ્ટ્ર

Power Of July: ગુજરાત પછી મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, એકનાથ શિંદેએ આપ્યા આદેશો

Spread the love


મુંબઈ-થાણે-પુણેમાં રેકોર્ડ બ્રેક વરસાદઃ મુંબઈને પાણી પૂરું પાડનારા બે જળાશયો છલાકાયા

મુંબઈઃ જુલાઈ મહિનો પૂરો થવામાં છે, ત્યારે મુંબઈ-પુણે સહિત મહારાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગને કારણે રાજ્યમાં ઊભા થયેલા જળસંકટમાં આંશિક રાહતના સમાચાર છે. જૂન મહિના પછી જુલાઈમાં ધમાકેદાર વરસાદ પડવાને કારણે રાહત થઈ છે, જ્યારે પુણે, કોલ્હાપુર સહિત અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં જરુરિયાતમંદ નાગરિકોને મદદ કરવા માટે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અધિકારીઓને આદેશ આપ્યા છે. ફાયર બ્રિગેડ, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ અને એરફોર્સને પણ ખડપગે રહેવાની તાકીદ કરવામાં આવી છે. રાજ્યના અંતરિયાળ ભાગોમાં અસરગ્રસ્ત લોકોને એરલિફ્ટ કરવાના પણ ઓપન ઓર્ડર આપ્યા છે.
છેલ્લા અઠવાડિયાથી મુંબઈ સહિત થાણેમાં ભારે વરસાદ પડી રહ્યો છે, તેમાંય વળી બે દિવસથી મુંબઈ, થાણે, પાલઘર, કલ્યાણ-ડોંબિવલી સહિત પુણેમાં 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદને કારણે જળાશયોમાં નવો વિક્રમી સ્ટોક જમા થયો છે, જે રાહતની વાત છે.
અમુક નદીઓમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે. મુંબઈ સિવાય લોનાવલા, પુણેમાં 24 કલાકમાં 370 મિલિમીટર જેટલો વરસાદ નોંધાયો છે. પર્યટનસ્થળોએ લોકોને નહીં જવા પ્રશાસન દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે, જ્યારે મુંબઈને પાણી પૂરું પાડનારા એક સાથે બે જળાશયો છલકાયા હતા.


મુંબઈ સહિત કલ્યાણ-ડોંબિવલી-બદલાપુરમાં ભારે વરસાદને કારણે ઉલ્હાસ નદીમાં જોખમી સપાટીએ વહી રહી છે, જ્યારે મુંબઈને પાણી પૂરું પાડનારા સાત જળાશયોમાં પૈકી આજે વિહાર લેક છલકાયું છે. દરમિયાન પુણેમાં પિંપરી-ચિંચવડમાં ભારે વરસાદને કારણે પવના ડેમમાં રેકોર્ડ બ્રેક પાણી જમા થયું છે. 24 કલાકમાં દસ ટકા પાણીનો સ્ટોક જમા થયો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
ઉલ્હાસ નદીમાં પૂર આવ્યું તો કલ્યાણ સહિત આસપાસના ગામડાઓને અસર થઈ શકે છે, જ્યારે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ શકે છે. લોનાવલામાં 374 મિલિમીટર વરસાદ નોંધાયા પછી પણ નિરંતર વરસાદ ચાલુ હોવાથી જનજીવન પર અસર થઈ છે. દરમિયાન દક્ષિણ મુંબઈમાં દાદર, હિંદમાતા, કિંગસર્કલ, સાંતાક્રુઝ, કાલિના ખાતેના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહારોને અસર થઈ છે. પુણે પાલિકાની સાથે કલ્યાણ-ડોંબિવલીમાં પણ સ્કૂલ-કોલેજોમાં સિનિયર સિટિઝનને ઘરે રહેવાની તાકીદ કરી હતી.
મુંબઈ મહાનગર પાલિકાએ ટવિટ કરીને મુંબઈગરાને આનંદના સમાચાર આપ્યા હતા. મુંબઈ મેટ્રોપોલિટન એરિયાને પાણી પૂરું પાડનાર વિહાર લેક છલકાયું . વિહાર જળાશયની કૂલ ક્ષમતા 2,769 કરોડ લિટરની છે. આ ઉપરાંત, તાન્સા લેક પણ છલકાયું હતું. એના સિવાય મુંબઈ સહિત થાણેમાં વૃક્ષ પડવાની સાથે જર્જરિત ઈમારતો તૂટી પડવાના પણ બનાવો નોંધાયા હતા. મુંબઈ સબર્બન રેલવેમાં રોડ અને રેલ ટ્રાફિક પર પણ આંશિક અસર જોવા મળી હતી. દરમિયાન પુણે જિલ્લાના ખેડ, આંબેગાવ, જુન્નર, શિરુર તાલુકા સાથે વીર ડેમમાં 85 ટકા પાણીનો સ્ટોક જમા થયો છે, જ્યારે નીરા નદી પણ જોખમી સપાટીએ વહી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!