મેઘરાજાએ ધમરોળ્યા: 45 વર્ષની મહિલા સહિત ચારનાં મોત, મોદીનો પુણે પ્રવાસ રદ્દ
મુંબઈઃ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં બુધવારે પડેલા ભારે વરસાદને કારણે આર્થિક પાટનગરને પણ નુકસાન થયું હતું. 24 કલાકમાં અગિયારથી 12 ઇંચ પડેલા વરસાદે મુંબઈના નીચાણવાળા વિસ્તારોની સાથે લોકલ ટ્રેન, વાહન વ્યવહારને ખોરવી નાખ્યો હતો. મધ્ય રેલવેમાં ભાંડુપ, નાહુર, કાંજુરમાર્ગ, કુર્લામાં રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે લોકલ ટ્રેન પાંચથી છ કલાક બંધ રહી હતી. અમુક લાઈનમાં ટ્રેનો દોડાવવામાં આવી હતી, પરંતુ રાતભર પ્રવાસીઓ માટે હાલાકીભર્યો હતો. કોઈ બે તો કોઈ ચાર કલાકે ઘરે પહોંચ્યા હતા.
અંધેરીમાં 45 વર્ષની મહિલાનું કમોત
મુંબઈના રસ્તાઓની સાથે અમુક રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે રેલ અને રોડ ટ્રાફિકસેવા પર અસર થઈ હતી. દક્ષિણ મુંબઈમાં કિંગસર્કલ, માટુંગા, ચેમ્બુર, ભાડુંપ, અંધેરી, બાંદ્રા અને મુલુંડમાં બપોર પછીના વરસાદે વિનાશ વેર્યો હતો. અંધેરીમાં એક મહિલા ગટરમાં પડ્યા પછી બચાવ કામગીરી હાથ ધરી હતી. ગટરમાં 100 મીટર સુધી વહી જવાને કારણે તેને કલાકો સુધી બચાવવાની મહેનત કરી હતી, પરંતુ અંતે નિષ્ફળ રહ્યા હતા. અંતે મહિલાને ગટરમાંથી બહાર કાઢવામાં આવી હતી, ત્યાર બાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. મૃતક મહિલાનું નામ વિમલ ગાયકવાડ (45) તરીકે ઓળખ કરી હતી. કૂપર હોસ્પિટલમાં ડોક્ટરે તેને મૃત જાહેર કરવામાં આવી હતી. વરસાદ સંબંધિત બનાવમાં કૂલ ચાર લોકોના મોત થયા હતા. અંધેરી સિવાય કલ્યાણમાં બે વ્યક્તિ તથા ઝેનિથ વોટરફોલમાં ડૂબતા એક મહિલાનું મોત થયું હતું.
પાંચ કલાકમાં 200 મિલિમીટર વરસાદ
મુંબઈમાં પાંચ કલાકમાં 200 મિલિમીટર વરસાદ નોંધાયો હતો, પરિણામે મુંબઈ સહિત અમુક વિસ્તારો પાણીમાં ડૂબ્યા હતા. મુંબઈ સહિત પુણેમાં પડેલા ભારે વરસાદને કારણે ટ્રેન-રોડ વ્યવહારને અસર થવા સાથે હવાઈ સેવા પર અસર પડી હતી. હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યા પછી મુંબઈની સ્કૂલ-કોલેજમાં આજે જાહેર રજા જાહેર કરવામાં આવી હતી. દરમિયાન આજે પુણેમાં પીએમ મોદીની વિઝિટને રદ્દ કરવામાં આવી હતી તેમ જ વરસાદને કારણે મુંબઈ એરપોર્ટ પર 14 ફ્લાઈટને ડાઈવર્ટ કરવામાં આવી હતી, જ્યારે સાત ફ્લાઈટને લેન્ડિંગ કરી શકી નહોતી, ત્યાર બાદ ફરી એક વાર લેન્ડિંગ કરવાની કોશિશ કરી હતી. સોલાપુર એરપોર્ટના ઉદ્ધાટન સહિત 22,600 કરોડ રુપિયાના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટનનો સમાવેશ થાય છે.
