દ્વારકામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડયોઃ સુરત-નવસારીની હાલત કફોડી, હજુ પણ…
છેલ્લા અઠવાડિયાથી ગુજરાતના સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં બેટમાં ફેરાવાયા છે, તેમાંય વળી દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામકલ્યાણપુર તાલુકામાં પડેલા વરસાદને વિનાશ વેર્યો છે. એકલા દ્વારકામાં છ દિવસમાં 50 ઇંચ વરસાદ પડ્યો છે. આ વરસાદે લગભગ 30 વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો છે.
બીજી બાજુ આજે અને આવતીકાલે પણ વરસાદનું જોખમ વધારે રહેશે. નર્મદા, ભરૂચ, ડાંગ, રાજકોટ, જામનગર, સોમનાથ સહિત અન્ય શહેરોમાં ઓરેન્જ એલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગર સહિત વડોદરામાં ભારે વરસાદ પડવાની આગાહી છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા સહિત આણંદ ખેડામાં યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે.
સૌરાષ્ટ્ર પછી છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું છે. સુરત-નવસારી સાથે અન્ય જિલ્લામાં ભારે વરસાદ પડવાને કારણે નદી-નાળામાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે, જ્યારે અનેક ગામો સંપર્કવિહોણા બન્યા છે. નવસારીના દરિયામાં ભારે કરન્ટ જોવા મળ્યો હતો, પરિણામે વાસી બોરસી ગામમાં દરિયાના પાણી ગામમાં પ્રવેશતા ગામવાસીઓને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.
દેવભૂમિ દ્વારકામાં વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં સ્થિતિ વિકટ બની છે. અહીંના ગામડાઓમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા છે. સરકારી અહેવાલ અનુસાર દ્વારકામાં 30 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છ દિવસમાં પચાસ ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે, જ્યારે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ જામનગર અને દ્વારકા જિલ્લાના ગામોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.
મેઘરાજા હવે ગુજરાતમાં મનમૂકીને વરસી રહ્યો છે, પરંતુ ભારે વરસાદને કારણે જનજીવન પર અસર પડી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોની આગામી પાંચ દિવસ માટે રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ, નર્મદા અને ભરુચમાં આજે રજા જાહેર કરવામાં આવી છે, જ્યારે આગામી 48 કલાકથી સતત વરસાદ પડવાને કારણે રોડ પરનો વાહન વ્યવહાર ઠપ્પ થયો છે. શહેરોના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેથી પ્રશાસન દ્વારા લોકોને બિનજરુરી ઘરની બહાર નીકળવાની અપીલ કરી છે. સુરતના વેસુમાં લાકડા અને નેટનો શેડ તૂટી પડ્યો હતો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. દરમિયાન સુરતના પુણા કુંભારિયા વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી સ્થાનિક લોકોને રેસ્કયૂ કરવામાં આવ્યા હતા.
