Alert: આગામી પાંચ દિવસ આટલા રાજ્યમાં તાપમાનનો પારો પચાસ ડિગ્રી પાર કરશે
રાજસ્થાનમાં અત્યાર સુધીમાં 2,000થી વધુ હીટ સ્ટ્રોકના કેસ નોંધાયા, 20 મોત
નવી દિલ્હીઃ મે મહિનાના આખર આવી ગયો છે, ત્યારે આગામી અઠવાડિયું ગરમી માટે અમુક રાજ્યો માટે આકરું સાબિત રહી શકે છે. દેશના હોટ સ્ટેટ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર સહિત ગુજરાતના અમુક પ્રદેશમાં તાપમાનનો પારો પચાસ ડિગ્રીને પાર થઈ શકે છે, તેથી જાહેર જનતાએ ખાસ તકેદારી રાખવાનું જરુરી રહેશે.
આ ઉપરાંત, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, વિદર્ભ અને ગુજરાતના અમુક વિસ્તારોમાં તાપમાન 48 ડિગ્રીથી પચાસ ડિગ્રી પાર કરે તો નવાઈ રહેશે નહીં, એમ હવામાન
ઉત્તર ભારતીયો એક બાજુ ભયંકર ગરમીથી પીડાય છે, જ્યારે પૂર્વ ભારતમાં ચક્રવાતની તલવાર લટકતી છે, જેમાં ઉત્તર ભારતમાં હજુ બીજા ચાર દિવસ ભયંકર ગરમી-હીટ વેવની અસર જોવા મળશે. મહારાષ્ટ્રમાં વિદર્ભ, નાગપુર સહિત ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમી માટે એલર્ટ આપવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં તો અકોલા જિલ્લામાં તો ગરમીને કારણે કલમ 144 લાગુ પાડવામાં આવી છે.
દિલ્હી, એનસીઆરના લોકો ગરમીથી ત્રાહિમામ છે, જ્યારે રાજસ્થાનમાં ગરમીને કારણે દિવસે દિવસે કફોડી સ્થિતિ ઊભી થઈ રહી છે. આગામી ત્રણ-ચાર દિવસ ગરમીથી લોકોને શેકાવું પડશે, જ્યારે હીટ વેવના ભોગ બનવું પડે નહીં એના માટે લોકોએ ખાસ બપોરના 12 વાગ્યાથી પાંચ વાગ્યા નહીં નીકળવાની અપીલ કરી છે. આગામી ત્રણ ચાર દિવસ રાજસ્થાનના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે.
હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ ચાર દિવસ હીટ સ્ટ્રોક એલર્ટ જારી કરવામાં આવ્યું છે. એની સાથે મહત્તમ તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી વધી શકે છે. પૂર્વ રાજસ્થાનના અમુક જિલ્લા અને પશ્ચિમી રાજસ્થાન અત્યારે ભયંકર હીટ વેવથી પરેશાન છે, જ્યારે માર્ચથી અત્યાર સુધીમાં બે હજારથી વધુ કેસ હીટ સ્ટ્રોકના નોંધાયા છે.
રાજસ્થાનમાં આજે 17 જિલ્લામાં હીટ વેવ માટે એલર્ટ આપ્યું છે. હીટ વેવને કારણે સત્તાવાર રીતે આરોગ્ય વિભાગે ફક્ત એકનું મૃત્યુ થયું હોવાનું સ્વીકાર્યું છે. આમ છતાં ગરમીને કારણે આ સિઝનમાં અત્યાર સુધીમાં 20 લોકોનાં મોત થયા છે. આ ઉપરાંત, હીટ સ્ટ્રોક સંબંધિત વિવિધ બીમારીના કિસ્સામાં પણ વધારો થયો છે. માર્ચથી લઈને અત્યાર સુધીમાં પીડિત લોકોની સંખ્યા 2008ના દર્દીની સંખ્યા બરાબર થઈ ગઈ છે, જ્યારે આગામી દિવસોમાં એની સંખ્યા વધી શકે છે.