હાર્વર્ડના વૈજ્ઞાનિકે શોધી કાઢ્યું બ્રહ્માંડમાં સ્વર્ગનું સરનામું? જાણો શું છે દાવા પાછળની સચ્ચાઈ…
વિજ્ઞાન અને આસ્થાનો અનોખો સંગમ: જાણો કોસ્મિક હોરાઈઝન અને સ્વર્ગના દાવા પાછળનું સત્ય.
આપણામાંથી મોટા ભાગના લોકો સ્વર્ગ અને નરકની વાતો સાંભળતાં આવ્યા છીએ. આવી સ્થિતિમાં શું ખરેખર બ્રહ્માંડમાં આવી કોઈ જગ્યા અસ્તિત્વ ધરાવે છે? એવો સવાલ થાય એ સ્વાભાવિક છે. આ સ્ટોરીનું હેડિંગ વાંચીને તમને પણ સવાલ તો થયો હશે કે શું સાચે જ સ્વર્ગ અને નર્ક જેવી કોઈ જગ્યા છે ખરી? તમારા આ સવાલનો જવાબ તમને આ સ્ટોરીના અંતમાં ચોક્કસ મળી જશે, એટલે આ સ્ટોરી છેલ્લે સુધી ચોક્કસ વાંચી જજો હો ને…?
હંમેશાંથી જ વિજ્ઞાન અને આસ્થા સામસામે આવતા રહે છે. આવી પરિસ્થિતિમાં ત્યારે હાર્વર્ડ યુનિવર્સિટીના એક વૈજ્ઞાનિકે સ્વર્ગના રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે. હાર્વર્ડ યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડૉ. માઈકલ ગિલને દાવો કર્યો છે કે તેમણે સ્વર્ગની સંભવિત અને સચોટ લોકેશન શોધી કાઢ્યું છે, ચાલો જોઈએ ડો. માઈકલ ગિલનના મતે આ સ્વર્ગ ક્યાં આવેલું છે એ-
વર્ષોથી ધાર્મિક માન્યતાઓ અને આધુનિક વિજ્ઞાન વચ્ચે સ્વર્ગના અસ્તિત્વને લઈને વિવાદ ચાલતો રહ્યો છે, પરંતુ ડૉ. ગિલનનો સિદ્ધાંત આ બંનેને એક પોઈન્ટ પર લાવે છે. વૈજ્ઞાનિકે 1929માં એડવિન હબલની શોધનો ઉલ્લેખ કર્યો કે બ્રહ્માંડ સતત વિસ્તરી રહ્યું છે, જે આકાશગંગા પૃથ્વીથી જેટલી દૂર છે, તેની દૂર જવાની ગતિ તેટલી જ વધારે છે.
એક નિશ્ચિત અંતરે આકાશગંગાઓ પ્રકાશની ગતિએ દૂર જતી દેખાય છે, જેને ‘કોસ્મિક હોરાઈઝન’ કહેવામાં આવે છે. આ અવલોકનક્ષમ બ્રહ્માંડની છેલ્લી સીમા છે. આઈન્સ્ટાઈનના સાપેક્ષતાના સિદ્ધાંત મુજબ, પ્રકાશની ગતિએ સમય અટકી જાય છે. પૃથ્વીથી 273 અબજ ખરબ માઈલ દૂર સ્થિત આકાશગંગાઓ પ્રકાશની ગતિએ દૂર જઈ રહી છે. આ બિંદુ પર ભૂતકાળ, વર્તમાન કે ભવિષ્ય જેવું કંઈ નથી હોતું, ત્યાં માત્ર ‘અનંતકાળ’ હોય છે.
ધાર્મિક ગ્રંથોની વાત કરીએ ગ્રંથોમાં પણ સ્વર્ગને ‘ઉપર’ અને અનંત શાંતિના લોક તરીકે વર્ણવવામાં આવ્યું છે. ડૉ. ગિલનની એવી માન્યતા છે કે આ કોસ્મિક હોરાઈઝન જ સ્વર્ગ હોઈ શકે છે અને આ જ છે સો કોલ્ડ સ્વર્ગનું દ્વાર. વૈજ્ઞાનિકની વાત પર વિશ્વાસ કરીએ તો કોસ્મિક હોરાઈઝન પાસે રહેલી સંરચનાઓ બ્રહ્માંડની સૌથી જૂની રચનાઓ હોઈ શકે છે. શક્ય છે કે તેની પેલે પારનું વિશ્વ બિગ બેંગથી પણ જૂનું હોય. જોકે, વિજ્ઞાન જગતમાં આ દાવો અત્યંત વિવાદાસ્પદ છે અને આ દાવા સાથે અન્ય વૈજ્ઞાનિકો સંમત નથી.
