જય જય ગરવી ગુજરાતઃ ‘પોપ્યુલર ચોઇસ કેટેગરી’માં ગુજરાતના ટેબ્લોએ બાજી મારી
રાજ્યના જોમવંતો ‘મણિયારો’ રાસ જીવંત નૃત્ય દર્શાવીને જીત્યું દિલ
નવી દિલ્હીઃ ૭૬માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં નવી દિલ્હીના કર્તવ્ય પથ ઉપર પ્રસ્તુત કરવામાં આવેલા ગુજરાતના ટેબ્લો “આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ”ને પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં સૌથી વધુ મત પ્રાપ્ત થયા છે.
ગુજરાતના ટેબ્લોએ પ્રજાસત્તાક દિન પરેડમાં પોપ્યુલર ચોઇસનું પ્રથમ સ્થાન સતત ત્રીજા વર્ષે પ્રાપ્ત કરીને હેટ્રિક સર્જી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતનો ટેબ્લો પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાને આવી રહ્યો છે તેની ગૌરવપૂર્ણ સિધ્ધિ અંગે ગુજરાતના સૌ નાગરીકોને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવીને આભાર વ્યક્ત કર્યો છે.
પરેડમાં ૩૧ ટેબ્લોઝ રજૂ કરવામાં આવ્યા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “વિરાસત ભી, વિકાસ ભી”નો જે મંત્ર આપ્યો છે તેને ગુજરાત જનભાગીદારીથી સાકાર કરી રહ્યું છે અને ભવિષ્યમાં પણ અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. ૭૬માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં નવી દિલ્હી ખાતે કર્તવ્ય પથ પર વિવિધ રાજ્યો અને સરકારના વિભાગોના ૩૧ ટેબ્લોઝ રજૂ કરવામાં આવ્યા હતા.
‘પોપ્યુલર ચોઈસ’ કેટેગરીમાં પ્રથમ ક્રમ મળ્યો
ગુજરાત સરકારના માહિતી વિભાગે આ પરેડમાં પ્રસ્તુત કરેલા ટેબ્લો ‘આર્નતપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસના અદભૂત સંગમ’ને સૌથી વધુ વોટ જનતા જનાર્દને આપ્યા છે.
ગત વર્ષ-૨૦૨૪ના ૭૫માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતે રજુ કરેલા ટેબ્લો “ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ-UNWTO”ની પ્રસ્તુતિને પણ ‘પોપ્યુલર ચોઈસ’ કેટેગરીમાં પ્રથમ ક્રમ મળ્યો હતો. એટલું જ નહીં, ટેબ્લોઝની શ્રેષ્ઠતા માટેની પસંદગી સમિતિની- જ્યુરીની ચોઈસમાં પણ ગુજરાતના આ ટેબ્લોએ ૨૦૨૪માં બીજો ક્રમ મેળવ્યો હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કર્યું નિર્દેશન
ગુજરાતની ઝાંખીના ૧૨મી સદીના વડનગર એટલે કે આનર્તપુરના સોલંકીકાળના ‘કીર્તિ તોરણ’થી લઈને ૨૧મી સદીની અજાયબી સ્વરૂપ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સાંસ્કૃતિક વારસાની સાથે સંરક્ષણ-ટેકનોલોજી-ઓટોમોબાઇલ અને મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે રાજ્યની ‘આત્મનિર્ભરતા’ના વિવિધ વિકાસના પ્રકલ્પો સી-૨૯૫ એરક્રાફ્ટ ઉત્પાદન યુનીટ, સેમી કન્ડક્ટર ચીપ અને તેના આનુષંગીક ઉપકરણો તથા અટલ બ્રિજ વગેરનું બખૂબી નિદર્શન કરવામાં આવ્યું હતું.
મણિયારા રાસનું જીવંત નૃત્યે પણ કરી કમાલ
રાજ્યની ઝાંખીમાં પ્રારંભે સોલંકીકાળમાં વડનગર સ્થિત ૧૨મી સદીનું રાજ્યના સાંસ્કૃતિક પ્રવેશદ્વાર સમું ‘કિર્તી તોરણ’ તો છેડે ૨૧મી સદીની શાન સમી ૧૮૨ મીટરની ઊંચાઈ ધરાવતી સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને દર્શાવવામાં આવી હતી. ગુજરાતની આ ઝાંખીને વધુ રસપ્રદ બનાવવાના હેતુસર પારંપરિક કિન્તુ અર્વાચીન દુહાના તાલે રાજ્યનો જોમવંતો ‘મણિયારો’ રાસ જીવંત નૃત્ય સાથે દર્શાવવામાં આવ્યો હતો.