રામબનમાં વાદળ ફાટવાની દુર્ઘટનામાં ગુજરાતી પર્યટકો ફસાયા, સરકાર એક્શનમાં
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના રામબનમાં રવિવારે વાદળ ફાટવાને કારણે ભૂસ્ખલનની ઘટના બની હતી, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે અનેક લોકોને ઈજા પહોંચી છે. આ કુદરતી દુર્ઘટનાને કારણે હજારો પ્રવાસીઓ કાશ્મીરમાં ફસાયા હતા જેમાં ગુજરાતના ગાંધીનગર અને બનાસકાંઠાના પ્રવાસીઓ ફસાયા છે. ખરાબ હવામાનને કારણે ગુજરાતની એક બસના પ્રવાસીઓ ફસાયા હતા, જ્યાંથી શ્રીનગર પ્રવાસીઓને ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, ફસાયેલા પ્રવાસીઓએ ગુજરાત સરકારને મદદ કરવાની અપીલનો વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયો પછી ગુજરાત સરકાર હરકતમાં આવી જઈને પીડિતોને મદદ કરવાની કામગીરી હાથ ધરી હતી.
ગુજરાતના પર્યટકો કાશ્મીરમાં ફસાયા હોવાની માહિતી મળતા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રીએ ગુજરાત પોલીસને જરૂરી પગલાં લેવા સૂચના આપી છે. ગુજરાત પોલીસે તાત્કાલિક જમ્મુ-કાશ્મીર પોલીસ કંટ્રોલ રૂમ અને રામબન એસ.એસ.પી. સાથે સંપર્ક કરી પ્રવાસીઓની માહિતી મેળવી હતી, ત્યાર બાદ અસરગ્રસ્ત પ્રવાસીઓને આર્મીના કેમ્પમાં લઈ જવામાં આવ્યા હતા તથા અનુકૂળ વાતાવરણ પછી તમામને રવાના કરવામાં આવશે. અહીં એ જણાવવાનું કે જમ્મુ કાશ્મીરના રામબનમાં રવિવારે વાદળ ફાટવાની દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે ગુજરાતની એક ટૂરિસ્ટ બસના પ્રવાસીઓ પણ ફસાયા હતા. બસના 50 પર્યટકમાં 30 ગાંધીનગર અને 20 પાલનપુરના રહેવાસી હતા.
તમામ ગુજરાતી પ્રવાસીઓ સુરક્ષિત છે. પ્રવાસીઓ માટે જમવા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. ગુજરાત પોલીસ સેન્ટ્રલ આઈ.બી. સહિત જમ્મુ-કાશ્મીર પ્રશાસન સાથે સતત સંપર્કમાં છે. ગુજરાત સરકાર અને પોલીસે તાત્કાલિક જમ્મુ કાશ્મીર પ્રશાસનના સંપર્કમાં રહી ગુજરાતના પ્રવાસીઓની સલામતી સુનિશ્ચિત કરી છે. કાશ્મીરમાં ખરાબ વાતાવરણ વચ્ચે પ્રશાસને 100થી વધુ લોકોને બચાવ્યા હતા, જ્યારે રામબનની સ્કૂલ અને કોલેજને બંધ રાખવામાં આવ્યા છે. ખરાબ વાતાવરણને કારણે રાજ્ય સરકારે ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં નેશનલ હાઈ-વે 44 પરથી વાહનોની અવરજવરને રોકી દેવામાં આવી છે, જે આજે રાતના પૂરું થશે. કિશ્તવાડ-સિંધન-અનંતનાગ માર્ગ હજુ પણ બંધ રાખ્યો છે, જ્યારે શ્રીનગર-સોનમર્ગ-ગુમરી માર્ગ પણ બરફ હોવાને કારણે બંધ રાખ્યો છે. એસએસજી માર્ગ પણ બીઆરઓની લીલીઝંડી મળ્યા પછી ખોલવામાં આવશે.