December 20, 2025
ગુજરાત

ગુજરાત એસટી બસએ 2 મહિનામાં 9 કરોડ પ્રવાસીને પોતાના ગંતવ્ય સ્થળે પહોંચાડ્યા

Spread the love

કુદરતી આપદા જેમ કે ભારે વરસાદ, પૂર જેવી પરિસ્થિતિઓમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ-GSRTCની બસ મુસાફરોને સમયસર અને સલામત રીતે પોતાના ગંતવ્ય સ્થળે પહોંચાડવા માટે કટિબદ્ધ રહી છે. હાલ ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં પહેલી જૂન ૨૦૨૫થી લઈને અત્યારસુધી એટલે કે ૩૦ જુલાઈ ૨૦૨૫ સુધીમાં રાજ્યના ૧૨૫ એસ.ટી ડેપોમાંથી ૨૪ લાખથી વધુ ટ્રિપ પૂર્ણ કરીને ૯ કરોડથી વધુ મુસાફરોને નિગમની બસો દ્વારા તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોચાડ્યા છે. ચોમાસાના ચારમાંથી બે મહિનામાં ભારે વરસાદ વચ્ચે પણ નાગરિકોને અવિરત સુવિધા પૂરી પાડવા એસટી બસ પ્રશાસન કાર્યરત રહ્યું હતું.

ભાવનગર-બોટાદ જિલ્લાની 1.40 ટકા ટ્રિપ રદ કરી
રાજ્યમાં જૂન માસમાં ભારે વરસાદ દરમિયાન સૌરાષ્ટ્રના ભાવનગર અને બોટાદ જિલ્લાની ફક્ત ૧.૪૦ ટકા ટ્રિપ રદ થઇ હતી. જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત અને તાપી જિલ્લાની ૧.૬૦% ટ્રિપ રદ કરવામાં આવી હતી. જુલાઈ માસમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં થયેલા ભારે વરસાદથી ૦.૬૪ ટકા ટ્રિપો રદ કરવામાં આવી હતી. આ રદ થયેલ ટ્રિપ માત્ર ત્રણ દિવસમાં નિગમે પુન: કાર્યરત કરી હતી.

પર્યાવરણના સંરક્ષણ માટે 55 મિનિ ઈલેક્ટ્રિક બસ કાર્યરત
નાગરિકોને બસ સ્ટેશન અને ડેપોથી લઈને પોતાની મુસાફરી પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની હાલાકી ન રહે તે બાબતની ચિંતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી કરી રહ્યા છે. જેના ભાગરૂપે ગુજરાતમાં એસ.ટી નિગમની સ્લીપર, વોલ્વો, મિનીબસ સહિતની અન્ય બસો આજે ટેક્નોલોજીયુક્ત અને BS-6 પ્રકારની છે. પર્યાવરણને નુકશાન ન થાય તે માટે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર શીપ ધોરણે ૫૦ મિનિ ઇલેક્ટ્રિક બસ તેમજ નિગમની ૫ ડબલ ડેકર બસ મળીને કુલ પંચાવન ઇલેક્ટ્રિક બસ હાલ ગુજરાતમાં કાર્યરત છે.

૩૭,૦૦૦ જેટલી ટ્રિપથી ૨૭ લાખથી વધુ પ્રવાસીઓને સેવા આપી
ગુજરાત એસ.ટી. નિગમ માત્ર વાહન ચલાવવાનું કામ નથી કરતું, પરંતુ તે રાજ્યના નાગરિકોની જીવનશૈલીનું એક અવિભાજ્ય અંગ બની ગયું છે. નિગમની બસો દૈનિક સરેરાશ ૩૨ લાખ કિલોમીટરનું અંતર કાપી અંદાજે ૩૭,૦૦૦ જેટલી ટ્રિપ દ્વારા ૨૭ લાખથી વધુ મુસાફરોને પરિવહન સેવાઓ રાજ્યના નાગરિકોને આપી રહી છે. આ ઉપરાંત નિગમ દ્વારા દૈનિક ૪.૪૨ લાખ જેટલી ગ્રામીણ વિદ્યાર્થીનીઓને ૧૦૦% ફ્રી વિનામૂલ્યે મુસાફરી કરવાની સુવિધા આપવામાં આવે છે. આમ દૈનિક ૫.૫૦ લાખ વિદ્યાર્થીઓને ૮૨.૫૦%ના રાહત દરે મુસાફરી કરાવવાનો લાભ આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!