શહીદ દિન: આજે સવારે 11 વાગ્યે બે મિનિટ મૌન પાળી અપાશે શ્રદ્ધાંજલિ
રાજ્યભરના નાગરિકોને વાહનવ્યવહાર અને કામકાજ થંભાવી શહીદ વીરોનું ઋણ અદા કરવા સરકારની અપીલ
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે, તેમની સ્મૃતિમાં દર વર્ષે તા. ૩૦ જાન્યુઆરીના રોજ “શહીદ દિને” ઉજવવામાં આવે છે. આજે ૩૦મી જાન્યુઆરીના “શહીદ દિને” નિમિત્તે સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટ મૌન પાળી દેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અપાશે. જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં શક્ય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહનવ્યવહારની ગતિને આ બે મિનિટ સુધી બંધ રાખવા રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જણાવાયું છે.
આજે રાજ્યમાં સવારે ૧૦:પ૯ વાગ્થાથી ૧૧:૦૦ કલાક સુધી સાયરન વગાડી કે તોપ ફોડી બે મિનિટ માટે મૌન પાળવામાં આવશે. સાયરન બંધ થાય કે તુરંત જ જ્યાં કાર્ય કરતા હોય તેવા બધા જ સ્થળોએ કામ કરનાર સૌ પોતપોતાની જગ્યાએ શાંત ઉભા રહી મૌન પાળશે અને રસ્તાઓ પરના વાહનવ્યવહાર શક્ય હોય ત્યાં જ થોભે તે જોવા નાગરિકોને વિનંતી કરવામાં આવી છે. બે મિનિટ બાદ મૌનનો સમય પૂરો થાય એટલે ૧૧:૦ર વાગ્યાથી ૧૧:૦૩ કલાક સુધી સાયરન ફરીથી વાગશે ત્યારે રાબેતા મુજબનું કામકાજ ફરીથી શરૂ કરવાનું રહેશે.
જે સ્થળોએ સાયરન અથવા અન્ય કોઇ સંકેતની વ્યવસ્થા નથી ત્યાં સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટ મૌન પાળવા માટે સંબંધિતોને જાણ કરવામાં આવશે.શહીદવીરો પ્રત્યે ઋણ અદા કરી મૌન પાળવાના આ અવસરને ગૌરવશાળી બનાવવામાં સહયોગ આપવા રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સૌને અનુરોધ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા શહીદ દિનનું મહત્વ સમજાય અને યોગ્ય રીતે આ દિવસ મનાવાય તે માટે રાજયની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, બોર્ડ-કોર્પોરેશન વિગેરેમાં દેશની સ્વતંત્રતા અંગેના વક્તવ્ય, સંવાદ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા જણાવાયું છે.
આ ઉપરાંત પ્રસારણ ક્ષેત્રના યુનિટો દ્વારા ભારતીય સ્વતંત્ર્યતા સંગ્રામમાં શહીદ વીરોની ભૂમિકા અને રાષ્ટ્રિય એકતા જેવા વિષયો પર સાંસ્કૃતિક કાર્યક્રમ, ફિલ્મ કે વૃત્ત ચિત્રોનું આયોજન કરવાનું રહેશે. રાજ્યના વિવિધ વાણિજય અને ઉદ્યોગ સંઘ પણ સન્માન સાથે શહીદ દિન મનાવે તે માટે રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા જણાવાયું છે.
અહીં એ જણાવવાનું કે ભારત સહિત વિશ્વના 15 રાષ્ટ્રો પોતાના ફ્રિડમ ફાઇટર્સને સન્માન આપવા માટે આજે શહીદ દિવસની ઉજવણી કરે છે અને ભારત સહિત દેશના અનેક રાજ્યમાં આજે શહીદ દિવસ દર વર્ષે 30 જાન્યુઆરી અને 23 માર્ચે ભારતની સ્વતંત્રતા, ગૌરવ, કલ્યાણ અને પ્રગતિ માટે લડનાર પીડિતોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત, પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીની હત્યા 30 જાન્યુઆરી, 1948ની સાંજે પ્રાર્થના દરમિયાન બિરલા હાઉસમાં નાથૂરામ ગોડસે કરી હતી. તે સમયે તેઓ 78 વર્ષના હતા, જેથી આ દિવસને શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે.
