મેઘકહેરઃ સૌરાષ્ટ્ર ડૂબ્યું, નદીઓમાં ઘોડાપૂર, સેંકડો ગામ સંપર્કવિહોણા
બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડબાય રાખી, 24 કલાક માટે ઈમર્જન્સી કંટ્રોલ રુમ શરુ
રાજકોટઃ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવ્યા મુજબ બીજા રાઉન્ડમાં મેઘરાજાએ બેટિંગ કરી છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા સહિત અન્ય તાલુકામાં ભારે વરસાદનું જોખમ તોળાય રહ્યું છે. પોરબંદરમાં 22 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે અવિરતર વરસાદ પડવાને કારણે અનેક નદીઓમાં પૂર આવ્યા છે, જ્યારે ખેતરો અને નીચાણવાળા વિસ્તારો પણ જળબંબાકાર બન્યા હોવાથી જનજીવન પર અસર પડી છે.
સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં નિરંતર વરસાદ પડી રહ્યો છે, જેમાં ભારે વરસાદને કારણે સુરક્ષા તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. રાજ્યના 200થી વધુ જળાશયોમાં અપેક્ષા કરતા વધુ પાણીનો સ્ટોક જમા થવાથી એલર્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના 200થી વધુ રસ્તા બંધ કરવામાં આવ્યા છે, જ્યારે 300થી વધુ લોકોની બચાવવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા 24 કલાક ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ગુજરાત રાજ્યમાં 206 જળાશય પૈકી તેરને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, જ્યારે સરદાર સરોવરમાં 1.83 લાખ એમસીએફટી જેટલો સંગ્રહ થયો છે, જે કૂલ સંગ્રહ ક્ષમતાના 54.94 ટકા થયો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને એનડીઆરએફની દસ ટીમ, એસડીઆરએફની 20 ટીમ તથા પાંચ અન્ય ટીમને રિઝર્વ રાખવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ સહિત અન્ય જિલ્લાના મોટાભાગના ગામ-તાલુકા જળબંબાકાર બન્યા છે. અનેક તાલુકામાં બે દિવસમાં 14 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેમાં ભારે વરસાદને કારણે જનજીવન અને પ્રાણીઓની હાલત કફોડી થઈ હતી. અનેક નદીઓમાં પૂરને કારણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એનડીઆરએફ સહિત અન્ય એજન્સીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જ્યારે અનેક વિસ્તારોમાંથી ફસાયેલા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મેંદરડા, જૂનાગઢ, માળિયા હાટીના, માંગરોળ, વિસાવદરમાં વધુ વરસાદ પડ્યો છે.
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જૂનાગઢ અને પોરબંદરમાં વધારે વરસાદ પડ્યો છે, જેને કારણે ટ્રેન અને રોડ પરના વાહન વ્યવહાર પર અસર પડી છે. આ ઉપરાંત, દ્વારકામાં આખા દિવસમાં કૂલ મળીને 12 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. અનેક જગ્યાએ રસ્તાઓ ધોવાઈ જવાની સાથે રેલવે ટ્રેક ધોવાતા ટ્રેન વ્યવહાર પર મોટી અસર પડી હતી, જ્યારે અનેક ગામડા સંપર્કવિહોણા બન્યા છે, જ્યારે અનેક બસના રુટ ડાઈવર્ટ કરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદને કારણે રોડ, રેલ અને વીજ વ્યવહાર પણ ખોરવાયો છે. 350થી વધુ ગામમાં વીજ પુરવઠાને અસર થઈ હતી, પરંતુ ત્યાર પછી વીજ પુરવઠો પૂર્વવત કર્યો છે.
