વાઈલ્ડ લાઈફઃ મંદિરની રખેવાળી કરતી સિંહણ, ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર દ્વારા શેર કરાયેલો વીડિયો વાયરલ
સિંહણ જાણે માતાજીના મંદિરની રક્ષા કરતી હોવાની લોકોની પ્રતિક્રિયા

માતાજીના નવ દિવસના નોરતા પૂરા થવા આવ્યા. આ નવ દિવસ ભક્તોને ખાસ કરીને માતાજીની ભક્તિ કરવાનો લાભ મળે છે, જ્યારે માતાજી પણ ભક્તોને પણ આશીર્વાદ આપે છે. ગુજરાતમાં તો ગામડે ગામડે માતાજીના પરચાની વાતો થતી હોય છે, પરંતુ તાજેતરમાં વન વિભાગના અધિકારીએ ગુજરાતના મંદિરની બહાર સિંહણ જાણે રખેવાળી કરતી હોય એમ જોવા મળી હતી. સૌરાષ્ટ્રના કોઈ વન વિભાગની રેન્જનો વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં સિંહણ મંદિર બહાર શાંતિથી આરામ કરતી જોવા મળી હતી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વન વિભાગના અધિકારી પરવીન કાસવાન દ્વારા 27 સેકન્ડનો વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં સિંહણ મંદિરની બહાર જોવા મળી હતી. જાણે સિંહણ મંદિરની રખેવાળી કરવા બેઠી હોય એવું વીડિયોમાં લાગ્યું હતું. વન વિભાગના અધિકારીએ માતાજીમાં શ્રદ્ધા મૂકતા લખ્યું હતું કે કેટલું દિવ્ય સ્વરુપ લાગે છે, જાણે મંદિરની બહાર સિંહણને જાણે રક્ષા કરવા રાખી હોય એમ લાગે છે. આ વીડિયોને શેર કરવામાં આવ્યા પછી અનેક લોકોએ તેની ટીકા પણ કરી હતી, જ્યારે અમુક લોકોએ લખ્યું હતું કે આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ દ્વારા વીડિયો શેર કરવામાં આવ્યો છે, પરંતુ બીજી બાજુ અન્ય લોકોએ લખ્યુ હતું કે આ બાબત વન વિભાગના અધિકારી જ નહીં, પરંતુ વન્યજીવન અને ભારતીય પરંપરા વચ્ચેના મજબૂત જોડાણને પણ ઉજાગર કરે છે.
What a divine sight. Look like that lioness is guarding the temple !! pic.twitter.com/bBlxlmKD4m
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) September 28, 2025
અમુક યૂઝરે હકીકત વર્ણવતા લખ્યું હતું કે સૌરાષ્ટ્રના ગીરમાં તો અનેક વિસ્તારોમાં સાવજની તો રીતસર અવરજવર રહે છે, જ્યારે અમુક વખતે જંગલી જાનવર માનવ વસાહતોમાં ઘૂસી જવાની સાથે હુમલો પણ કરે છે, પણ સાવધ તો આખરે માનવીએ રહેવાનું હોય છે. અનેક યૂઝરે લખ્યું હતું કે ગીર પ્રદેશની તો શાન જ ડાલા માથાના સિંહોની છે, જે મોટા ભાગે માણસો પર હુમલા કરતા નથી, પરંતુ જો એને છંછેડવામાં આવે તો હુમલો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં આ અનુભૂતી કંઈક અલગ જ દિવ્ય છે. અહીં એ જણાવવાનું કે ગિરમાંથી સિંહો ધીમે ધીમે વસાહતો ધસી જાય છે, પણ અમુક વિસ્તારોમાં તો માણસના પણ આદિ બની જાય છે તો ભગવાન માટે તો શું કહેવું,એમ વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
સૌથી મહત્ત્વની વાત એ છે કે ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એશિયાટિક સિંહોનું એકમાત્ર રહેવાસી વિસ્તાર છે, જ્યાં તેની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. સરકારના એક અંદાજ પ્રમાણે રાજ્યમાં હાલમાં 891 સિંહ નોંધાયા છે. એટલે ગુજરાતમાં એશિયાટિક સિંહોની સંખ્યા વધીને 891 થઈ છે જે અગાઉ થયેલી સંખ્યાની ગણતરી કરતાં 32.19 ટકા વધુ છે.
