ગુજરાતમાં વ્યવસાયલક્ષી તાલીમથી પણ સ્વરોજગારી મેળવી શકો, જાણો આઈટીઆઈની ખાસિયતો
રાજ્યની 556 ITIમાં 2.17 લાખ કરતાં વધુ બેઠક પર વ્યવસાયિક તાલીમ સુવિધા ઉપલબ્ધ
• અનુસૂચિત જાતિ-જનજાતિ, દિવ્યાંગ તથા મહિલા ઉમેદવારોને ટ્યુશન ફીમાંથી સંપૂર્ણ મુક્તિ
• તાલીમાર્થીઓને માસિક રૂ. ૫૦૦ સ્ટાઇપેન્ડ, નિ:શૂલ્ક એસ.ટી બસ પાસ યોજના, રૂ. ૪ લાખ સુધીનું વીમા કવચ, પ્રાયોગિક તાલીમ માટે વિનામૂલ્યે રો-મટીરિયલ્સ જેવી સુવિધાઓ ઉપલબ્ધ
રાજ્યમાં વિવિધ ઉદ્યોગોને કુશળ માનવબળ ઉપલબ્ધ થાય તેમજ જુદા જુદા ક્ષેત્રે વિકસતી ટેકનોલોજી અંગે યુવાઓને તાલીમ આપી સ્વરોજગારી મેળવી શકે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ રોજગારલક્ષી અભિયાનને વધુ બળ આપવા રાજ્યમાં ૨૮૮ સરકારી, ૧૦૦ ગ્રાન્ટ-ઇન-એઇડ અને ૧૬૮ સ્વનિર્ભર સંસ્થાઓ મળી કુલ ૫૫૬ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ-આઈ.ટી.આઈ. કાર્યરત છે.
કુલ ૧૩૨ અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે
આ ITIમાં અંદાજે ૨.૧૭ લાખ કરતાં વધુ બેઠકો પર વિવિધ વ્યવસાયિક તાલીમ સુવિધા આપવામાં આવે છે. આ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે ૭૯ રાષ્ટ્રીય કક્ષાના અને ૫૩ રાજ્ય કક્ષાના એમ કુલ ૧૩૨ અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. જેમાં વર્તમાન જરૂરિયાત મુજબના IOT, ડ્રોન પાઈલોટ, સોલર ટેક્નિશિયન સહિતના એન્જિનિયરિંગ-નોન એન્જિનિયરિંગ અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે.
તાલીમાર્થીઓને સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને શ્રમ-રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા આઈ.ટી.આઈ.માં અભ્યાસ કરતાં તાલીમાર્થીઓને અનેક સુવિધાઓ આપવામાં આવે છે. જેમ કે, અનુસૂચિત જાતિ-S.C., અનુસૂચિત જનજાતિ-S.T., દિવ્યાંગ તેમજ મહિલા ઉમેદવારોને ટ્યુશન ફીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવે છે, જયારે અન્ય ઉમેદવારોએ માસિક માત્ર રૂ. ૧૦૦ ફી ચૂકવવાની હોય છે. આ ઉપરાંત તાલીમાર્થીઓને ૮૦ ટકા સરેરાશ હાજરી તથા આવક મર્યાદાને આધિન માસિક રૂ. ૫૦૦ સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે. ‘વિદ્યાસાધના સહાય યોજના’ હેઠળ મહિલા તાલીમાર્થીઓને વાલીની વાર્ષિક આવક મર્યાદા મુજબ સાયકલ સહાય પણ આપવામાં આવે છે.
લાખ વિદ્યાર્થીને ટ્રેનિંગ આપવામાં આવી
આ તાલીમાર્થીઓને નિ:શૂલ્ક એસ.ટી બસ પાસ યોજના, ગુજરાત સામુહિક જૂથ અકસ્માત વીમા યોજના હેઠળ રૂ. ૪ લાખ સુધીનું વીમા કવચ, છાત્રાલયની સગવડ, બેંકેબલ લોન સહાય યોજના, પ્રાયોગિક તાલીમ માટે વિનામૂલ્યે રો-મટીરિયલ્સ જેવી વિવિધ સુવિધાઓ આપવામાં આવે છે. તદુપરાંત ઉનાળુ વેકેશનના સમયગાળા દરમિયાન શાળાના ધોરણ ૮ કે તેથી વધુ અભ્યાસ કરતા ૧ લાખ વિદ્યાર્થીઓને રાજયની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે ઉનાળુ સ્કિલ વર્કશોપની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે.
સ્વરોજગારી મેળવવાની વધુ ઉજળી તકો ઉપલબ્ધ
વર્તમાન સમયમાં આપણા દેશમાં વિવિધ ક્ષેત્રોમાં ઔદ્યોગિકરણનો વ્યાપ સતત વધતાં આંતરરાષ્ટ્રીય કંપનીઓ પણ ગુજરાત સહિત સમગ્ર દેશમાં અનેક ઉદ્યોગો સ્થાપી રહી છે. જેના પરિણામે વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવી વ્યવસાયિક કૌશલ્ય પ્રાપ્ત કરનાર યુવાઓ માટે રોજગારી કે સ્વરોજગારી મેળવવાની વધુ ઉજળી તકો ઉપલબ્ધ થઈ રહી છે. ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ મારફતે અપાતી વ્યવસાયલક્ષી તાલીમ દ્વારા કૌશલ્ય પ્રાપ્ત કરનાર અનેક ઉમેદવારો આજે માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ સારી એવી રોજગારી ને પોતાનો વ્યવસાય પણ કરી રહ્યા છે.
‘કારીગર તાલીમ યોજના’ અમલી કરવામાં આવી
નોંધનીય છે કે, વિવિધ ઉદ્યોગો અને સેવાક્ષેત્રોની ઉત્પાદકતા-ગુણવત્તામાં સુધારો તેમજ વધારો થાય તે માટે કૌશલ્યવાન માનવબળ તૈયાર કરવાના હેતુસર કેન્દ્ર સરકારના ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેઈનીંગ વિભાગ દ્વારા ‘કારીગર તાલીમ યોજના’ અમલી કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ-NCVT અને ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ-GCVT એમ મુખ્યત્વે બે પ્રકારના પેટર્ન ધરાવતા વ્યવસાયો અમલમાં છે. જેનું સંચાલન સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ-ITI, ગ્રાન્ટ-ઈન-એઈડ ઔદ્યોગિક તાલીમ કેન્દ્રો-GIA, સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થા-SF, સરકારી ટેકનિકલ હાઈસ્કૂલો વગેરે દ્વારા કરવામાં આવે છે.
