ગુજરાત સરકારે અચાનક વલસાડના કલેક્ટરને કર્યાં સસ્પેન્ડ, જાણો શું છે કારણ?
ગાંધીનગર: રાજકોટમાં આગ લાગ્યા પછી રાજકોટની સાથે સમગ્ર ગુજરાતમાં ઉચ્ચ અધિકારીઓની સામે સરકારે કડક વલણ અખત્યાર કર્યું છે. અનેક અધિકારીઓની સામે કડક પગલા ભરવા સાથે અમુકની બદલી કરવામાં આવી છે, ત્યારે વધુ એક વલસાડના કલેક્ટર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાતમાં કથિત રીતે જમીન કૌભાંડમાં આઈએએસ અધિકારી આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પોતાના કાર્યકાળ દરમિયાન સરકારને નુકસાન પહોંચાડ્યું હોવાનું તારણ કાઢવામાં આવ્યું હતું.
એવું કહેવાય છે કે સુરતના ક્લેક્ટરના કાર્યકાળ દરમિયાન આયુષ ઓકે સરકારને આર્થિક રીતે નુકસાન પહોંચાડ્યું હતું. રાજ્ય સરકારે આયુષ ઓકને જમીન કૌભાંડમાં સસ્પેન્ડ કર્યા છે, જ્યારે તેના માટે સરકારે એક આદેશ પણ બહાર પાડ્યો છે.
સરકારના આદેશમાં જણાવાયું છે કે ગુજરાત સરકારે વલસાડના ક્લેક્ટર આયુષ ઓકને જમીન કૌભાંડમાં તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કર્યા છે. કલેક્ટર આઈએએસ આયુષ ઓકે સુરતના કાર્યકાળ (23 જૂન 2023થી પહેલી ફેબ્રુઆરી 2024) દરમિયાન તેમની ગંભીર બેદરકારીને કારણે સરકારની તિજોરીને નુકસાન પહોંચ્યું હતું. આદેશમાં વધુમાં જણાવ્યું છે કે આ ગેરરીતિને કારણે ગુજરાત સરકાર ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસના નિયમ ત્રણના સબ રુલ એ દ્વારા પ્રાપ્ત પાવરનો ઉપયોગ કરનાર આઈએએસ આયુષ ઓકને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરે છે. અહીં એ જણાવવાનું કે સુરતના ડુમસ વિસ્તારની 2,000 કરોડની કિંમત ધરાવતી 2.17 લાખ ચોરસ મીટર સરકારી જમીન ગણોતિયાને નામે કરી દેવાના કૌભાંડમાં સરકારે કડક વલણ અખત્યાર કર્યું અને તત્કાલીન કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.
આ અગાઉ સરકારે સોમવારે ચાર આઈએએસ અધિકારીની બદલી કરી હતી. સુરત જમીન કૌભાંડમાં તત્કાલીન કલેક્ટર અને હાલના વલસાડના કલેક્ટર તરીકે ફરજ બજાવનારા આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા પછી તેમની જગ્યાએ એ. આર. ઝાને વલસાડ ક્લેક્ટરની જવાબદારી આપવામાં આવી છે. એના સિવાય ગુજરાત સરકારે અમદાવાદ મહાનગર પાલિકાના નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મળ્યા છે. એ. કે. ઔરંગાબાદકરની અમદાવાદના ડેપ્યુટી કમિશનર તરીકે બદલી કરી હતી