ગુજરાત સરકારે 2 વર્ષમાં હિમોફિલિયાના દર્દીઓને 11,000થી વધુ ઇન્જેક્શન વિના મૂલ્યે આપ્યા
‘હિમોફિલિયા’ના દર્દીઓને ગુજરાત સરકાર આપી રહી છે નિઃશુલ્ક સારવાર
ગાંધીનગર: વિશ્વભરમાં લાખો લોકો દુર્લભ હિમોફિલિયાની બીમારીથી પીડાય છે. હિમોફિલિયા એ લોહીનો વારસાગત રોગ છે, જેમાં લોહી યોગ્ય રીતે ગંઠાતું નહીં હોવાથી રક્તસ્ત્રાવ થાય છે. આ રોગનો કાયમી ઈલાજ નથી એટલે તેને નિયંત્રણમાં રાખવો અને દર્દીઓને સમયસર સારવાર આપવી જરૂરી છે. હાલમાં ગુજરાતમાં 3,000થી વધુ હિમોફિલિયાના દર્દીઓ છે જેમને મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર વિનામૂલ્યે ઇન્જેક્શન પ્રદાન કરી રહી છે.
દુનિયામાં 10,000 વ્યક્તિમાંથી 1 વ્યક્તિ પીડાય છે
હિમોફિલિયા બીમારીમાં ક્લોટિંગ ફેક્ટરની અછત હોય છે એટલે લોહી જલદી જામતું નથી. લોહીમાં કુલ 13 પ્રકારના ક્લોટિંગ ફેક્ટર હોય છે જેમાંથી ફેક્ટર 8 અને 9 ફેક્ટર ખામીયુક્ત હોય તો હિમોફિલિયા થવાની શક્યતા રહે છે. હિમોફિલિયાના A, B અને C એમ ત્રણ પ્રકાર છે અને તેમાં ગંભીરતા પ્રમાણે સિવિઅર, મોડરેટ અને માઈલ્ડ એમ ત્રણ પ્રકારના દર્દીઓ જોવા મળે છે. સમગ્ર વિશ્વમાં દર 10,000 વ્યક્તિમાંથી 1 વ્યક્તિને હિમોફિલિયા થાય છે.
ગુજરાત સરકાર નિઃશુલ્ક સારવાર આપી રહી છે
હિમોફિલિયાના દર્દીઓને લોહી વહેતું બંધ થાય એ માટે જરૂરી ફેક્ટરના ઇન્જેક્શન આપવામાં આવે છે. અગાઉ હિમોફિલિકને રક્તસ્ત્રાવને કાબૂમાં લેવા માટેની સારવાર મળવી મુશ્કેલ હતી. જોકે, 2012માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે સિવિલ હોસ્પિટલોમાં હિમોફિલિયાના દર્દીઓને મફત ઇન્જેક્શન આપવાનું શરૂ કર્યું હતું જેના થકી દર્દીઓની લાઈફ સ્પાન એટલે કે તેમનું આયુષ્ય વધ્યું છે અને તેમના માટે રોંજિદી પ્રવૃત્તિઓ કરવી સરળ બની છે. હિમોફિલિક વ્યક્તિને આપવામાં આવતા એક ઇન્જેક્શનની કિંમત ₹ 25,000થી 30,000 હોય છે જેનો ખર્ચ સરકાર દ્વારા પૂરો પાડવામાં આવે છે. હાલ સમગ્ર રાજ્યની સિવિલ હોસ્પિટલોમાં આ ઇન્જેક્શન ઉપલબ્ધ છે. છેલ્લા 2 વર્ષમાં મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા 11,800થી વધુ ફેક્ટર વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
સુરતનું હિમોફિલિયા કેર સેન્ટર 24 કલાક કાર્યરત છે
આજે ગુજરાતમાં 3,000 થી વધુ હિમોફિલિયાના દર્દીઓ છે જેમાંથી 500 થી વધુ દર્દીઓ સુરતમાં છે. સુરતમાં ‘હિમોફિલિયા સોસાયટી સુરત ચેપ્ટર’ હિમોફિલિયાના દર્દીઓ પીડામુક્ત જીવન જીવી શકે અને લોકોમાં આ રોગ વિશે જાગૃતિ ફેલાય એ માટે કાર્ય કરી રહી છે. વર્ષ 2015માં આ સંસ્થા અને નવી સિવિલ હોસ્પિટલના સહયોગથી સુરત સ્થિત નવી સિવિલ હોસ્પિટલમાં હિમોફિલિયા કેર સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી. આ ગુજરાતનું એકમાત્ર હિમોફિલિયા સમર્પિત કેન્દ્ર છે. નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે સૌથી વધુ હિમોફિલિયા દર્દીની સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી છે. એટલું જ નહીં, તે ભારતનું પ્રથમ એવું કેર સેન્ટર છે જે 24 કલાક કાર્યરત હોય છે.
સેન્ટરમાં દેશ-વિદેશથી સર્જરી કરાવવા માટે દર્દીઓ
સુરતના હિમોફિલિયા કેર સેન્ટરમાં દર્દીઓને વિના મૂલ્યે સંભાળ, રક્ત પરીક્ષણ અને સારવાર આપવામાં આવે છે. અહીં મેડિકલ એક્ઝામિનેશન રૂમ, મેનેજમેન્ટ રૂમ, કાઉન્સેલિંગ રૂમ, લેબોરેટરી, નર્સિંગ રૂમ, ફિઝિયોથેરાપી રૂમ, રેકોર્ડ રૂમ અને દર્દીઓની સંભાળ માટેનો વોર્ડ ઉપલબ્ધ છે. આ સંસ્થા દ્વારા સમગ્ર ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે, જેમાં જરૂરી રક્ત પરીક્ષણો વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. ઉચ્ચ કક્ષાની સારવાર અને સંભાળ ઉપલબ્ધ હોવાને કારણે અન્ય રાજ્યો તથા ભારત ઉપરાંત ઝામ્બિયા, દુબઈ જેવા દેશોમાંથી પણ દર્દીઓ સુરતના હિમોફિલિયા કેર સેન્ટરમાં સારવાર હેતુ આવે છે.