July 1, 2025
ગુજરાત

ગુજરાત સરકારે કાલુપુર રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ અંતર્ગત રેલવે ઓવરબ્રિજને ફોર-લેન સહિતના કામો માટે 220 કરોડ રૂપિયા ફાળવ્યા

Spread the love

ગુજરાત સરકારે કાલુપુર રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ કામગીરી અંતર્ગત 440 કરોડના ખર્ચે કાલુપુર અને સાળંગપુર રેલવે ઓવરબ્રિજને ફોર-લેન સહિતના કામો માટે ગુજરાત સરકારના 50 ટકા શેર તરીકે 220 કરોડ રૂપિયા ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. વડા પ્રધાનના વિરાસત ભી વિકાસ ભી’ના ધ્યેય સાથે રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ સહિતના કામોથી નાગરિકોનું ઈઝ ઓફ લિવિંગ વધારવા માટે પ્રાથમિકતા આપી છે.

રેલવે ઓવરબ્રિજને પહોળા કરવામાં આવશે
અમદાવાદ રેલવે સ્ટેશનના કાયાકલ્પ પ્રોજેક્ટ અંતર્ગત વર્ષો જૂના કાલુપુર-સાળંગપુર રેલવે ઓવરબ્રિજના ફોર-લેન સહિતના નવીનીકરણના કામો માટે રાજ્ય સરકારના ફાળા તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નાણા ફાળાવ્યાં છે. મુખ્યમંત્રીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2010માં શરૂ કરાવેલી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રેલવે ઓવરબ્રિજ પહોળા કરવા આ રકમ મંજૂર કરી છે.

સદીઓ જૂના પુલને બદલે નવા પુલ થશે
અમદાવાદ રેલવે સ્ટેશન પર કાલુપુર રેલવે ઓવર બ્રિજનું નિર્માણ 108 વર્ષ પહેલા 1915માં તથા સાળંગપુર રેલવે ઓવરબ્રિજનું 83 વર્ષ અગાઉ 1940માં નિર્માણ થયું હતું. હાલમાં આ કાલુપુર રેલવેઓવર બ્રિજ (મનુ ભાઇ પરમાર બ્રિજ) બન્ને તરફ ફુટપાથ સાથે થ્રી-લેન અને સાળંગપુર રેલ્વે ઓવરબ્રિજ ટુ-લેન પહોળાઈ ધરાવે છે.

શહેરી વિકાસ યોજના હેઠળ નાણા સહાય
આ પુલોના લાઈફ સ્પાન અને સલામતી તેમજ વધતા જતા ટ્રાફિકના ભારણને ધ્યાને રાખીને બંને પુલ તોડીને નવેસરથી ફોર-લેન કરવાનું રિકન્સ્ટ્રક્શન રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત, રાધનપુર શહેર તથા ભિલોટ માર્ગ પર હયાત રેલવે ક્રોસિંગ LC-100-2E પર નવો ઓવરબ્રિજ બનાવવા માટે મુખ્યમંત્રીએ 52.83 કરોડ રૂપિયા ફાળવ્યા છે. રાધનપુર-ભિલોટ-સુઈગામને જોડતા આ માર્ગ પર મંજૂર ઓવરબ્રિજ બનવાથી નાગરિકોને માલપરિવહન અને મુસાફરી સરળ બનશે. આ ત્રણેય બ્રિજની કામગીરી માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ નાણાંકીય સહાય આપવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે.

272 કરોડ રુપિયાની કરી ફાળવણી
તદઅનુસાર, કાલુપુર રેલવે ઓવર બ્રિજ(મનુ ભાઇ પરમાર બ્રિજ) માટે 106.67 કરોડ, સારંગપુર રેલ્વે ઓવર બ્રિજ માટે 113.25 કરોડ અને રાધનપુર બ્રિજ માટે 52.83 કરોડ મળી કુલ 272.75 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયથી આ બંને શહેરોમાં કનેક્ટિવિટી સુગમ બનશે, ટ્રાફિકનું ભારણ ઘટશે અને નાગરિકોના સમય શક્તિ અને ઇંધણની બચત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!