ખેડૂતોના લાભાર્થે ગુજરાત સરકારે તુવેર દાળના વેચાણ માટેની ડેડલાઈન લંબાવી
૫૮,૩૦૦ જેટલા ખેડૂત પાસેથી અત્યાર સુધીમાં રૂ. ૮૪૧ કરોડથી વધુના મૂલ્યની તુવેર ખરીદાઈ
ગાંધીનગરઃ ગુજરાત સરકારે ફરી એકવાર ગુજરાતના ખેડૂતોની માંગણીને વાચા આપતો નિર્ણય કર્યો છે. રાજ્યભરમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે. રાજ્યનો કોઇ પણ ખેડૂત ટેકાના ભાવે તુવેરના વેચાણથી વંચિત રહી નહીં જાય તેના માટે ખરીદીનો સમય આગામી તા. ૩૦ એપ્રિલ સુધી લંબાવવાનો કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ નિર્ણય કરવામાં આવ્યો છે.
આ સંદર્ભે માહિતી આપતા કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ચાલુ વર્ષે તુવેર પાકનું મબલખ વાવેતર અને ઉત્પાદન નોંધાયું છે. ભારત સરકારે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ તુવેર માટે રૂ. ૭,૫૫૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો હતો. ટેકાનો ભાવ સારો મળતા રાજ્યના ૧.૨૩ લાખથી વધુ ખેડૂતોએ તુવેરનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે નોંધણી કરાવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગત તા. ૨૪ ફેબ્રુઆરીથી રાજ્યભરમાં ટેકાના ભાવે તુવેર પાકની ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો. અત્યાર સુધીમાં રાજ્યના ૫૮,૩૦૦ જેટલા ખેડૂતો પાસેથી રૂ. ૮૪૧ કરોડથી વધુના મૂલ્યની કુલ ૧.૧૧ લાખ મેટ્રિક ટન તુવેરની ખરીદી કરવામાં આવી છે.
નોંધણી કરાવવી હોય અને તુવેરનું વેચાણ કરવાનું બાકી હોય તેવા તમામ ખેડૂતો પાસેથી આગામી તા. ૩૦ એપ્રિલ સુધીમાં તુવેરની ખરીદી પૂર્ણ કરવામાં આવશે, તેમ મંત્રીએ જણાવ્યું હતું. અહીં એ જણાવવાનું કે કેન્દ્ર સરકારે પ્રધાન મંત્રી અંત્યોદય સંરક્ષણ અભિયાન (પીએમ-આશા) તુવર દાળના ક્વિન્ટલે 7,550 રુપિયા નક્કી કર્યા છે. લઘુતમ ટેકાના ભાવે તુવેર વેચવાની યોજનાના ભાગરુપે 1.23 લાખ ખેડૂતની નોંધણી કરી છે.