July 1, 2025
રમત ગમત

ગુજરાત સરકારે ગુજરાતના દિવ્યાંગ ખેલાડીઓની સિદ્ધિમાં કર્યો વધારો

Spread the love

દિવ્યાંગ દર્પણ ઈનાણી અને હિમાંશી રાઠીની સરકારી અધિકારી તરીકે નિમણૂક

ગાંધીનગરઃ દેશમાં ભારતનું નામ રોશન કરનારા બે ગુજરાતી દિવ્યાંગ ખેલાડીઓની સિદ્ધિને પ્રોત્સાહન આપીને સરકારે તેમને વર્ગ એક અને બીજા વર્ગના અધિકારી તરીકે નિમણૂક કરીને સન્માન વધાર્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એશિયન પેરા ગેઇમ્સમાં મેડલ મેળવીને દેશ અને રાજ્યનું નામ રોશન કરનારા બે દિવ્યાંગ ખેલાડીઓની વિશેષ સિદ્ધિને બિરદાવી તેમના સન્માનરૂપે રાજ્ય સરકારમાં વર્ગ ૧ અને વર્ગ-૨ તરીકે નિમણૂક કરી છે.

ખેલકૂદ નીતિ અન્વયે રમતવીરોને પ્રોત્સાહન
રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા અમલી ગુજરાત ખેલકૂદ નીતિ-2016 અન્વયે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત રમતવીરોને પ્રોત્સાહન આપવામાં આવે છે. તદઅનુસાર, ઓલિમ્પિક, કોમનવેલ્થ અને એશિયન ગેઇમ્સમાં મેડલ પ્રાપ્ત કરનાર ખેલાડીઓને પુરસ્કાર ઉપરાંત રાજ્ય સરકારની વર્ગ ૧ અને વર્ગ-૨ની જગ્યા ઉપર નિમણૂકની ઓફર પણ આપવામાં આવે છે. ભૂપેન્દ્ર પટેલ આ સંદર્ભમાં તાજેતરમાં 2023ની એશિયન પેરા ગેઇમ્સમાં ભારત અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને ચેસની રમતમા ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત બે દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓને રાજ્ય સેવામાં નિમણૂક આપવાનો નિર્ણય કર્યો છે.

દર્પણ ઈનાણી અને હિમાંશી રાઠીને સન્માન
આ બે દિવ્યાંગ ખેલાડીઓમાં ચોથી એશિયન પેરા ગેમ્સની પુરુષો માટેની ચેસની રમતમાં ગોલ્ડ મેડલ વિજેતા દર્પણ સતીશ ઇનાણી અને એ જ રમતોત્સવમાં મહિલાઓ માટેની ચેસમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરનાર હિમાંશી ભાવેશભાઈ રાઠીનો સમાવેશ થાય છે. સરકારે પ્રજ્ઞાચક્ષુ યુવાન દર્પણ સતીશ ઇનાણીને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર વર્ગ-૧ તરીકે નિમણૂક આપવાની અનુમતિ આપી છે.

આ ઉપરાંત મુખ્યમંત્રીએ ચોથી એશિયન પેરા ગેઇમ્સમાં મહિલાઓ માટેની ચેસની રમતમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર પ્રજ્ઞાચક્ષુ હિમાંશી ભાવેશભાઈ રાઠીને તાલુકા વિકાસ અધિકારી વર્ગ ૨ તરીકે નિમણૂક આપવા મંજૂરી આપી છે.ગુજરાત સરકાર આવી વિશ્વસ્તરીય રમતગમતમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનારા પ્રતિભાસંપન્ન ખેલાડીઓને રાજ્ય સરકારમાં નિમણૂક કરવાના આ અભિગમને પરિણામે વધુને વધુ ખેલાડીઓને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે પ્રેરણા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!