June 30, 2025
ગુજરાતહેલ્થ

ઉનાળામાં હીટવેવથી બચવા માટે ગુજરાત સરકારે ‘માર્ગદર્શિકા’ જાહેર કરી

Spread the love

ઉનાળાની ગરમીમાં લૂ લાગવાથી બચવા માટે આટલું કરવાનું અચૂક રાખો

ગાંધીનગરઃ ગુજરાતમાં ઉનાળાના આગમન સાથે હીટ વેવના પ્રકોપનું જોખમ તોળાઈ રહ્યું છે ત્યારે હીટવેવથી બચવા માટે સરકારે નાગરિકોને તેનાથી બચવા માટે ઉપાયો સૂચવ્યો છે, જેનું પાલન કરવાથી લોકો બીમારીનો ભોગ બની શકશે નહીં. ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાયલન્ટ ડિઝાસ્ટર “હીટવેવ”થી માનવજીવન ખૂબ જ પ્રભાવિત થાય છે. ગુજરાતના નાગરિકો ઉનાળાની ગરમીમાં પોતાના પરિવારને હીટવેવની વિપરીત અસરોથી બચાવી શકે તે માટે રાહત કમિશનરની કચેરી દ્વારા “હીટવેવ” માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. હાલના તબક્કે ગુજરાતમાં તાપમાનનો પારો 35 ડિગ્રીથી 40 ડિગ્રીએ પાર થયો છે, જ્યારે આગામી દિવસોમાં તાપમાનનો પારો ઉચકાઈ શકે છે, જેથી નાગરિકોએ વધુ તકેદારી રાખવાનું હિતાવહ રહી શકે છે.

હીટવેવની આગાહી દરમિયાન આવા લક્ષણ કોઈ પણ વ્યક્તિમાં જણાય તો તાત્કાલીક નજીકના ડોક્ટર, નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. આપાતકાલીન સ્થિતિમાં ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરવો. જોકે, ઉનાળામાં હીટવેવની સંભવિત અસરોને નિવારીને રક્ષણ મેળવી શકાય તે અર્થે માર્ગદર્શિકામાં હીટવેવના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે.

લૂ અથવા હિટ સ્ટ્રોકથી બચવાના ઉપાય

* પુષ્કળ પ્રમાણમાં ઠંડુ પાણી, લીંબુ શરબત, છાશ, નારીયેળનું પાણી અને ORS જેવા પ્રવાહીનું સેવન કરવું

* નાગરિકોએ વધુ પડતો શ્રમ ટાળવો અને શક્ય હોય ત્યાં સુધી તડકામાં ફરવાનું પણ ટાળવું

* ભરબપોરે કામ પર જતા સમયે થોડો સમય છાયડામાં આરામ કરવો

* ઠંડક માટે માથા પર ઠંડુ ભીનું કપડું રાખવું અને શ્રમિકોએ કામના સમયે ઉઘાડા શરીરે ફરવું નહીં.

* મંદિર, મસ્જિદ, થિયેટર, શોપીંગ મોલ જેવા ઠંડકવાળા સ્થળોએ જવું

* ઘર, ઓફિસ અથવા અન્ય કામ કરતી જગ્યાએ પંખા, કુલર તેમજ ACનો ઉપયોગ કરવો.

* સગર્ભા માતા, નાના બાળકો, વૃદ્ધો તેમજ અશક્ત અને બીમાર વ્યકિતઓનું ખાસ ધ્યાન રાખવું.

* હીટવેવ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું

* બહાર નીકળતા સમયે આખું શરીર અને માથું ઢંકાય તેવા સફેદ-સુતરાઉ અને ખુલ્લા કપડાં પહેરવા

* બહાર નીકળતી વખતે ટોપી, ચશ્માં અને છત્રીનો ઉપયોગ કરવો

* હીટવેવની આગાહીના દિવસોમાં બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં બહાર નીકળવાનું ટાળવું.

* બાળકો માટે કેસુડાનાં ફુલ તથા લીમડાના પાનનો નાહવાના પાણીમાં ઉપયોગ કરવો.

* બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક ખાવો નહી, બજારના બરફનો ઉપયોગ પણ ટાળવો

* લગ્ન પ્રસંગે દૂધ-માવાની બનાવેલી વાનગીઓ ખાવી નહી.

* ચા – કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે, તેથી તેનું સેવન ટાળવું.

* ઘરની છત પર સફેદ રંગ, સફેદ ચૂનો અથવા સફેદ ટાઇલ્સ લગાવવી, જે ઘરનું તાપમાન ઘટાડશે.

લૂ લાગવાના (હીટવેવના) લક્ષણો

* માથું દુ:ખવું, પગની પીંડીઓમાં દુઃખાવો થવો

* શરીરનું તાપમાન વધી જવું

* ખૂબ તરસ લાગવી, પાણી ઓછું થઈ જવું

* વધુ તાવ આવવો, ગરમ અને સૂકી ત્વચા

* નાડીના ધબકારા વધવા, ઉલ્ટી થવી, ઉબકા આવવા

* ચકકર આવવા, આંખે અંધારા આવવા

* બેભાન થઈ જવું, સુધ-બુધ ગુમાવી દેવી

* અતિગંભીર કિસ્સામાં ખેંચ આવવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!