ધાર્મિક સ્થળોને પ્લાસ્ટિક ફ્રી બનાવવાની દિશામાં ગુજરાત સરકારે ભર્યું મહત્ત્વનું પગલું
અંબાજી, સોમનાથ, દ્વારકા તથા ઇસ્કોન મંદિરમાં ક્લોથ બેગ વેન્ડિંગ મશીનો કાર્યરત
ગાંધીનગરઃ ગુજરાત રાજ્યને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની દિશામાં અને જાહેર જનતામાં પ્લાસ્ટિકના ઉપયોગ અંગે જનજાગૃતિ લાવવા માટે સરકારે તાજેતરમાં એક નવી અને અનોખી પહેલ શરૂ થઈ છે. આ પહેલના ભાગરૂપે રાજ્યના મહત્વના ધાર્મિક સ્થળો ખાતે પ્લાસ્ટિકની થેલીના ઉપયોગ વિકલ્પરૂપે પર્યાવરણ અનુકૂળ કાપડની થેલીના પ્રસાદ માટે વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યા છે.
અંબાજી, સોમનાથ, દ્વારકા, શામળાજી, સાળંગપુર, તથા ઇસ્કોન મંદિર જેવા મહત્વના ધાર્મિક સ્થળો પર આવા મશીનો મૂકવામાં આવ્યા છે. અહીં આવતા શ્રદ્ધાળુઓને હવે કાપડની થેલીમાં જ પ્રસાદ મળી રહે છે. આ મશીનમાં પાંચ રૂપિયાનો સિક્કો નાખીને અથવા તો QR કોડ સ્કેન કરીને થેલી મેળવી શકાય છે. મંદિરે દર્શનાર્થે આવતા ભાવિકો તરફથી આ મશીનોના માધ્યમથી કાપડની થેલીના ઉપયોગને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 5 હજારથી વધુ થેલીઓનું વિતરણ થયું છે.
આખા રાજ્યમાં શરુ કરવાની યોજના
આ મશીનમાં 5 રૂપિયાનો સીક્કો નાખી ઓટોમેટિક મશીન દ્વારા દર્શનાર્થીઓને ખૂબ જ ઓછા ભાવે કાપડની થેલી પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આગામી સમયમાં બોર્ડ દ્વારા આ પ્રકારના વધુને વધુ મશીન રાજ્યમાં મૂકવાનું આયોજન છે, એમ સરકારના અહેવાલમાં જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ યોજનાનો કર્યો શુભારંભ
આજે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ મા ઉમિયા સંસ્થાન દ્વારા આયોજિત ધજા મહોત્સવ પ્રારંભ અને દાતાઓના સન્માન અવસર માટે ઉંઝાની મુલાકાતે હતા અન એ વખતે તેમણે ઉમિયા માતાજી મંદિર ખાતે મુખ્યમંત્રીએ કાપડની બેગ વેન્ડિંગ મશીનમાં પાંચ રુપિયાનો સિક્કો નાખીને કાપડની થેલી મેળવી હતી. મંદિરે દર્શનાર્થે આવતા ભાવિકો તરફથી આ મશીનોના માધ્યમથી કાપડની થેલીના ઉપયોગને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 5 હજારથી વધુ થેલીઓનું વિતરણ થયું છે.
વડા પ્રધાનના વિઝનને પ્રોત્સાહન આપવા શરુ કરી ઝુંબેશ
અહીં એ જણાવવાનું કે ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2019માં સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી દેશવાસીને સંબોધન કરીને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાની અપીલ કરી હતી. આ ઉપરાંત 2021માં ભારત સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિક વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવા અંગે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમોમાં સુધારા કર્યા છે. આ સુધારા અંતર્ગત પ્લાસ્ટિક કેરી બેગની જાડાઈ 2021થી 50 માઈક્રોનથી વધારીને 75 માઈક્રોન અને 31મી ડિસેમ્બર, 2022થી 120 માઈક્રોન કરી છે.