December 20, 2025
હેલ્થ

ગુજરાતની એવી આયુર્વેદિક હોસ્પિટલ જ્યાં દેશ – વિદેશથી દર્દીઓ કરાવે છે નિશૂલ્ક ઉપચાર

Spread the love

દર્દીની સારવાર કરી આયુર્વેદ પ્રત્યે સકારાત્મક ભાવ જગાડે તે પ્રકારની ચિકિત્સા પદ્ધતિ એટલે આયુર્વેદિક ઉપચાર

સરકારી હોસ્પિટલમાં કોણ જાય? ત્યાં તો કેવી સારવાર થતી હશે? આવો પ્રશ્ન કેટલાક દર્દીના મનમાં થતો હોય છે, પણ ગાંધીનગર સેકટર-૨૨માં આવેલી આયુર્વેદિક હોસ્પિટલ જ્યાં ૩૩ વર્ષથી સરકારી સેવા આપતા વૈધ રાકેશ ભટ્ટની દર્દીઓ આતુરતાથી રાહ જોતા હોય છે. વૈધ રાકેશ ભટ્ટ પ્રતિદિન આયુર્વેદિક હોસ્પિટલમાં ૨૦૦ જેટલા દર્દીઓની સારવાર કરે છે. આ આયુર્વેદિક હોસ્પિટલમાં દેશ – વિદેશથી દર્દીઓ સારવાર અર્થે આવે છે અને સાજા થઈને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિની સાથે રાજ્ય સરકારનો પણ આભાર માને છે.

આયુર્વેદ હોસ્પિટલમાં અંદાજિત ૩૩ વર્ષથી દર્દીની સેવા કરી
આ આયુર્વેદિક હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને વૈધ રાકેશ ભટ્ટે જણાવ્યું હતું કે, સરકારી આયુર્વેદિક કોલેજમાં ભણીને ૪ મે ૧૯૯૨થી વિવિધ આયુર્વેદ હોસ્પિટલમાં અંદાજિત ૩૩ વર્ષથી દર્દીઓની સેવા કરી રહ્યો છું તે માટે ગુજરાત સરકારનો આભાર માનું છું. આપણા દેશમાં પ્રાચીન સમયથી ગ્રંથો અને પુરાણોમાં આયુર્વેદ શાસ્ત્રનું ઘણું જ મહત્વ દર્શાવવા આવ્યું છે. વર્તમાન સમયમાં જલ્દી સાજા થવાની જિજીવિષાને કારણે નાગરિકો આયુર્વેદને ભૂલીને અન્ય દવાઓ લેવા મજબૂર થયા છે જે શરીર માટે લાંબા ગાળે નુકશાનકારક છે.

આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ વિશે વધુ જાગૃતિ આવી
ચિકનગુનિયાનો રોગ વર્ષ -૨૦૦૬માં ખૂબ ફેલાયો હતો, ત્યાર બાદ અમે રિસર્ચ કરીને એક આયુર્વેદિક ઉકાળો બનાવ્યો હતો. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની સૂચનાના આધારે તે આયુર્વેદિક ઉકાળાનો ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી ખાતે દર્શનાર્થે આવતા અંદાજે ૬ લાખથી વધુ ભક્તોએ લાભ લીધો હતો. આ સફળતા બાદ ચિકનગુનિયાનો રોગ મટાડતા આયુર્વેદિક ઉકાળાનો સામાન્ય નાગરિકો પણ સાવચેતીના ભાગરૂપે તેનો ઉપયોગ કરતા થયા છે. ચિકનગુનિયાના રોગ પછી રાજ્યના નાગરિકોમાં સ્વાભાવિક રીતે આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ વિશે વધુ જાગૃતિ આવી અને આયુર્વેદિક હોસ્પિટલનો દર્દીઓ લાભ લેતા થયા. કોરોનાના સમયગાળા દરમિયાન રાજ્યના નાગરિકોએ વિવિધ આયુર્વેદિક ઉકાળા દ્વારા પોતાની ઈમ્યુનિટીમાં વધારો કરીને કોરોનાને હરાવ્યો હતો.

દર્દીનું વજન ઘટાડવામાં પણ હોસ્પિટલ મદદરુપ
સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું એ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિની પ્રાથમિકતા રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘મેદસ્વિતા મુક્ત ભારત’ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં વધુ વેગવંતુ બન્યું છે. જેના પરિણામ સ્વરૂપે તાજેતરમાં ગાંધીનગરની આયુર્વેદિક સરકારી હોસ્પિટલમાં અમદાવાદ જિલ્લાના ૧૦૪ કિ.લો વજન ધરાવતા એક દર્દીનું પંચકર્મ, વિરેચન કર્મ તેમજ લેખન બસ્તિ જેવી આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ દ્વારા તેમનું ૨૬ કિ.લો જેટલું વજન ઘટાડવામાં સફળતા મળી છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના એક દર્દી ૨૦ વર્ષથી અનિદ્રાની બીમારીથી પીડાતા હતા તેને સીરોધારા, નસ્ય, યોગાભ્યાસ અને આયુર્વેદિક દવાઓ આપી તેને અનિદ્રામાંથી મુક્તિ અપાવી હતી.
આ હોસ્પિટલમાં લાઈફસ્ટાઈલને લગતા દર્દીઓ, ચામડીના દર્દીઓ, સાંધાનાં દુખાવા- રૂમેટોલોજી, સાઈટીકા, સોરાઈસીસના દર્દીઓ વધુ પ્રમાણમાં આવે છે.

આયુર્વેદ દ્વારા કરાયેલો ઈલાજ રોગને જળમૂળમાંથી નાશ કરે
હા એ સાચું છે કે, આયુર્વેદ એ શરીરને ધીરે ધીરે અસર કરે છે, એનું પરિણામ તુરંત મળતું નથી. પરંતુ એટલું જ સત્ય એ પણ છે કે આયુર્વેદ દ્વારા કરાયેલો ઈલાજ રોગને જળમૂળમાંથી નાશ કરે છે. જ્યારે અન્ય દવાઓ થકી એક રોગ બહાર કાઢતા તમે બીજા રોગના ભોગ બનો છો. આજના સમયમાં દિનચર્યા, ઋતુચર્યા, દર્દીની પ્રકૃતિને ધ્યાને લઈને તેઓનો આહાર – વિહાર નક્કી કરવામાં આવે છે. આજે નાગરિકોમાં આયુર્વેદ પ્રત્યે જાગૃતિ આવી છે. સચિવાલયમાં સનદી અધિકારીઓએ પણ આયુર્વેદ ઉપચાર પદ્ધતિ અપનાવી તેમની લાઈફસ્ટાઈલને લગતી બીમારીઓ દુર કરી રહ્યા છે જે સૌ માટે પ્રેરણાદાયી છે. કોઈ પણ રોગના જડમૂળથી નિદાન માટે દર્દીઓએ આયુર્વેદ ઉપચાર પદ્ધતિ અપનાવવા અનુરોધ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!