March 15, 2026
ગુજરાત

ગુજરાતમાં શિક્ષણના સર્વાંગી વિકાસ માટે ₹ 63,184 કરોડનું સર્વાધિક બજેટ

Spread the love

500થી વધુ સંખ્યા ધરાવતી શાળાઓમાં ૧,૧૪૧ વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરાશે

વિધાનસભા ખાતે વર્ષ ૨૦૨૬-૨૭ માટેની શિક્ષણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પર ચર્ચા કરતાં શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત @૨૦૪૭’ના સ્વપ્નને સાકાર કરવાના ઉદ્દેશ સાથે રાજ્યનો શિક્ષણ વિભાગ નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યો છે. માનવ નિર્માણ અને વિકાસના પાયા મજબૂત કરવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકાર કામ કરી રહી છે. આ માટે શિક્ષણ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલી ₹ ૬૩,૧૮૪ કરોડની સર્વાધિક અંદાજપત્રીય માંગણીઓ એ માત્ર આંકડાકીય જોગવાઈ નથી, પરંતુ લાખો વિદ્યાર્થીઓના સપનાઓને સાકાર કરવાનું મહત્ત્વનું માધ્યમ છે.

રાજ્યમાં પ્રાથમિક શિક્ષણમાં કરવામાં આવેલા ક્રાંતિકારી સુધારા વિશે વાત કરતાં ડૉ. વાજાએ કહ્યું કે, રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ જેવા અભિયાનોને કારણે વર્ષ ૧૯૯૫માં જે ડ્રોપ આઉટ રેશિયો ૫૧.૨૨ ટકા હતો, તે ઘટીને ૨.૩૫ ટકા જેટલો નીચો આવ્યો છે. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ રાજ્યની શાળાઓને સ્માર્ટ ક્લાસરૂમ, ડિજિટલ લેબોરેટરી અને આધુનિક લાઈબ્રેરીથી સજ્જ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે વર્ષ ૨૦૨૫-૨૬માં બાલવાટિકા અને ધોરણ-૧માં કુલ ૧૦ લાખથી વધુ વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે, જે સરકારી શિક્ષણ પરના વધતા વિશ્વાસનું પ્રતીક છે. શિક્ષકોની ઘટ પૂરી કરવા માટે વર્ષ ૨૦૧૦થી ૨૦૨૩ સુધીમાં કુલ ૫૮,૮૦૧ વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવી છે અને આગામી સમયમાં ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડર મુજબ પ્રક્રિયા ચાલુ રહેશે.

આ જ પ્રકારે, કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ‘નમો લક્ષ્મી યોજના’ હેઠળ ૧૧ લાખથી વધુ દીકરીઓ માટે ₹૧૨૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજનાના અમલીકરણથી દીકરીઓની સંખ્યામાં ૬.૭૫ ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. તેવી જ રીતે વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ હેઠળ ₹ ૨૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ અને રક્ષા શક્તિ સ્કૂલ્સ દ્વારા વિશ્વકક્ષાનું શિક્ષણ આપવાનું આયોજન છે.

ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમાં રોજગાર અને સંશોધન પર ભાર મૂકતા તેમણે જણાવ્યું કે, ટેકનિકલ શિક્ષણમાં ગુજરાત દેશનું અગ્રેસર રાજ્ય બન્યું છે. ‘મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના’ (MYSY) અંતર્ગત ૧.૧૦ લાખ વિદ્યાર્થીઓ માટે ₹૪૦૦ કરોડની સહાય જાહેર કરવામાં આવી છે. જ્યારે રાજ્યની ૨૫ સરકારી કૉલેજોને ‘આદર્શ કૉલેજ’ તરીકે વિકસાવવા માટે ₹૫૦ કરોડની ફાળવણી કરાઈ છે.

ડૉ. વાજાએ કહ્યું કે સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત સતત પાંચ વર્ષથી ‘બેસ્ટ પરફોર્મર’ રહ્યું છે. i-Hub મારફતે સ્ટાર્ટઅપ્સને આંતરરાષ્ટ્રીય એક્સપોઝર મળે તે માટે ₹ ૮૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. Startup Srujan Seed Support (S4) કાર્યક્રમ અંતર્ગત નવીનતા અને વ્યવસાયિક ક્ષમતાના આધારે ૪૪૯ સ્ટાર્ટઅપ્સને કુલ રૂ.૨૮ કરોડની નાણાકીય સહાય આપવામાં આવી છે.RTE Act – 2009 હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને પણ ગુણવત્તાસભર શિક્ષણ મળે તે માટે કુલ ૪.૮૯ લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ₹૮૨૭ કરોડથી વધુની જોગવાઈ અને પ્રાથમિક શાળાના બાવન લાખથી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવા ₹ ૧૧૮ કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી છે. આમ, વિધાનસભા ગૃહમાં શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ રજૂ કરેલી શિક્ષણ વિભાગની ₹ ૬૩,૧૮૪ કરોડની અંદાજપત્રીય માગણીઓ પસાર કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!